
વનડે વર્લ્ડ કપ 2027 રમવાનું સપનું જોઈ રહેલ રોહિત શર્મા ન્યૂઝીલેન્ડ સામેની 3 વનડે મેચની સિરીઝમાં ખરાબ રીતે નિષ્ફળ રહ્યો છે. આવી સ્થિતિમાં સવાલો ઉઠી રહ્યા છે કે, શું રોહિત આવતા વર્ષે યોજાનારા વનડે વર્લ્ડ કપમાં રમી શકશે?
ટી20 ઇન્ટરનેશનલ અને ટેસ્ટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલ રોહિત હવે માત્ર એક જ ફોર્મેટ રમે છે. રોહિતની કેપ્ટનશીપ હેઠળની ભારતીય ટીમ 2023 વર્લ્ડ કપની ફાઈનલમાં હારી ગઈ હતી. આવી સ્થિતિમાં તેનું વર્લ્ડ કપ જીતવાનું સપનું હજુ અધૂરું છે.
જો કે, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પણ રોહિતનું બેટ કંઈ ખાસ કમાલ કરી શક્યું નથી. ન્યૂઝીલેન્ડ ટીમ સામેની 3 મેચની વનડે સિરીઝમાં સારી શરૂઆત મળ્યા બાદ રોહિતે પોતાની વિકેટ ગુમાવી દીધી હતી.
ન્યૂઝીલેન્ડ સામેની વનડે સિરીઝના 3 મુકાબલામાં ભૂતપૂર્વ ભારતીય કેપ્ટને 20.33ની એવરેજ અને 76.25ના સ્ટ્રાઈક રેટથી માત્ર 61 રન બનાવ્યા. આ સિરીઝમાં હિટમેને 9 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. રોહિતે વડોદરામાં રમાયેલી સિરીઝની પ્રથમ મેચમાં 89.66ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરતા 29 બોલમાં 26 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં તેણે 3 ચોગ્ગા અને 2 છગ્ગા માર્યા હતા.
રાજકોટમાં રમાયેલા બીજા મુકાબલામાં રોહિતે 38 બોલ પર 24 રનની ધીમી ઇનિંગ રમી હતી. આજે ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં પણ રોહિત શર્મા મોટી ઇનિંગ રમવામાં અસમર્થ રહ્યો હતો. હિટમેને 2 ચોગ્ગાની મદદથી 13 બોલમાં 11 રનનું યોગદાન આપ્યું હતું. જેકરી ફાઉલ્ક્સના બોલ પર ક્રિશ્ચિયન ક્લાર્કે રોહિતનો કેચ લીધો હતો. ચોથી ઓવરના છેલ્લા બોલે રોહિત કેચ આઉટ થયો હતો.
વનડેમાં રોહિતના પ્રદર્શનની વાત કરીએ તો, તેણે 282 વનડેની 274 ઇનિંગ્સમાં 11,577 રન બનાવ્યા છે. આ દરમિયાન હિટમેનની એવરેજ 48.85 ની અને સ્ટ્રાઈક રેટ 92.75 ની રહી છે. વનડે ફોર્મેટમાં રોહિતના નામે 61 અડધી સદીની સાથે 33 સદી નોંધાયેલી છે. આ ફોર્મેટમાં તેનો સર્વોચ્ચ સ્કોર (Best Score) 264 રન છે.