ફેન્સ માટે મોટા સમાચાર! અચાનક બદલાઈ ગઈ ‘કેપ્ટનશીપ’, શ્રેયસ ઐય્યર હવે સંભાળશે ટીમની ‘કમાન’

BCCI એ તાજેતરમાં ન્યુઝીલેન્ડ સામેની વનડે શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી. એવામાં આ સિરીઝ શરૂ થાય તે પહેલા જ ઐયરને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે.

ફેન્સ માટે મોટા સમાચાર! અચાનક બદલાઈ ગઈ કેપ્ટનશીપ, શ્રેયસ ઐય્યર હવે સંભાળશે ટીમની કમાન
Image Credit source: PTI
| Updated on: Jan 06, 2026 | 12:54 PM

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી પહેલા શ્રેયસ ઐયરને એક મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ઐયરને અચાનક ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ઐયરને વિજય હજારે ટ્રોફીમાં મુંબઈની કેપ્ટનશીપ સોંપવામાં આવી છે.

‘શાર્દુલ ઠાકુર’ થયો બહાર

અગાઉ, શાર્દુલ ઠાકુર વિજય હજારે ટ્રોફીમાં મુંબઈની કેપ્ટનશીપ કરી રહ્યો હતો. હવે ઐયર તેના સ્થાને ટીમની કમાન સંભાળશે. ઈજાને કારણે શાર્દુલ ઠાકુર આ ઘરેલું 50-ઓવરની ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. એવામાં ઐયરને આ મોટી જવાબદારી મળી છે.

મુંબઈ ક્રિકેટ એસોસિએશને (MCA) 5 જાન્યુઆરીના રોજ એક નિવેદનમાં આ માહિતી જાહેર કરી હતી. MCA એ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, વિજય હજારે ટ્રોફીની બાકીની લીગ મેચો માટે શ્રેયસ ઐયરને મુંબઈ ટીમનો કેપ્ટન બનાવ્યો છે.

ઐયરનો અનુભવ કામ લાગશે

શાર્દુલ ઠાકુરને બાકાત રાખ્યા બાદ ટીમ મેનેજમેન્ટે અનુભવી મિડલ-ઓર્ડર બેટ્સમેન શ્રેયસ ઐયર પર વિશ્વાસ મૂક્યો છે. ઐયર પાસે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય લેવલે કેપ્ટનશીપનો સારો અનુભવ છે, જે ટુર્નામેન્ટની મહત્વપૂર્ણ મેચોમાં મુંબઈને મજબૂતી પ્રદાન કરશે તેવી અપેક્ષા છે.

VHT લીગ સ્ટેજ બાદ કેપ્ટન તરીકે ઐયરનું બન્યા રહેવું તેના પર નિર્ભર રહેશે કે, BCCI તેને ઇન્ટરનેશનલ ડ્યૂટી માટે ફિટ જાહેર કરે છે કે નહીં. ઐયરને 11 જાન્યુઆરીથી બરોડામાં શરૂ થનારી ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની ODI શ્રેણી માટે ટીમમાં જોડવામાં આવ્યો છે.

ઐયરની ફિટનેસ ભારતીય ટીમ માટે ‘ચિંતા’

તાજેતરમાં ODI ટીમની જાહેરાત કરતી વખતે BCCI એ જણાવ્યું હતું કે, ઐયરની ફિટનેસનું મૂલ્યાંકન સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે કરવામાં આવશે અને જો ફિટ જાહેર કરવામાં આવશે, તો તેને ODI ટીમમાં જોડવામાં આવશે.

2 લીગ મેચમાં ટીમનું નેતૃત્વ કરશે

જો ઐયરને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછા ફરવાની મંજૂરી મળે છે, તો ક્રિકેટ એસોસિએશનને 12 જાન્યુઆરીથી શરૂ થનારી VHT નોકઆઉટ્સ માટે રિપ્લેસમેન્ટ કેપ્ટનની નિમણૂક કરવી પડશે. MCA સેક્રેટરી ઉન્મેશ ખાનવિલકરે કહ્યું, “પરિસ્થિતિ સ્પષ્ટ થયા પછી અમે નિર્ણય લઈશું.” શ્રેયસ બાકીની બે લીગ મેચમાં ટીમનું નેતૃત્વ કરશે.

આ પણ વાંચો: સિડની ટેસ્ટમાં ‘કારનામું’! સચિન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ હવે જોખમમાં, ક્રિકેટ ઇતિહાસના પન્નાઓમાં લખાશે જો રૂટનું નામ

Published On - 8:54 pm, Mon, 5 January 26