
T20 વર્લ્ડ કપ 2026 શરૂ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. એવામાં વર્લ્ડ કપ શરૂ થાય તે પહેલા જ ઓસ્ટ્રેલિયાની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર પેટ કમિન્સ ઈજાના કારણે આ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.
આ ઉપરાંત, ઓસ્ટ્રેલિયન ટીમે પોતાની સ્ક્વોડમાં બે મોટા ફેરફાર કર્યા છે. કમિન્સ તેની પીઠની સમસ્યા (Back injury) માંથી પૂરી રીતે સાજો થઈ શક્યો નથી, જેના કારણે મેડિકલ ટીમે તેને આરામ અને રિહેબની સલાહ આપી છે. તેની જગ્યાએ બેન ડ્વાર્શિયસને 15 સભ્યોની ટીમમાં જોડવામાં આવ્યો છે.
આ સાથે જ ઓસ્ટ્રેલિયાના સ્ક્વોડમાં વધુ એક ફેરફાર કરવામાં આવ્યો છે. મેથ્યુ શોર્ટને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે અને તેની જગ્યાએ ફોર્મમાં ચાલી રહેલા ખેલાડી મેટ રેનશોનો સમાવેશ કરવામાં આવ્યો છે. બીજી તરફ, સ્ટીવ સ્મિથને પણ આ વર્લ્ડ કપ માટે ટીમમાં સ્થાન મળ્યું નથી.
આ સિવાય જોશ હેઝલવુડ, ટિમ ડેવિડ અને નાથન એલિસ એ ત્રણેયને વર્લ્ડ કપ માટે ફિટ જાહેર કરવામાં આવ્યા છે. હેઝલવુડને એશિઝ શ્રેણી પહેલા હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી, જેના કારણે તે લાંબા સમય સુધી ટીમની બહાર રહ્યો હતો.
તે જ સમયે, ટિમ ડેવિડ હેમસ્ટ્રિંગની ઈજાને કારણે BBL મેચો અને પાકિસ્તાન સામેની શ્રેણીમાં રમી શક્યો ન હતો, જ્યારે એલિસ પણ હેમસ્ટ્રિંગ ઈજાને લીધે BBL ફાઈનલ અને પાકિસ્તાન પ્રવાસમાંથી બહાર રહ્યો હતો.
મિશેલ માર્શ (કેપ્ટન), જેવિયર બાર્ટલેટ, કૂપર કોનોલી, ટિમ ડેવિડ, બેન ડ્વાર્શિયસ, કેમેરોન ગ્રીન, નાથન એલિસ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ, મેથ્યુ કુહનમેન, ગ્લેન મેક્સવેલ, મેટ રેનશો, માર્કસ સ્ટોઇનિસ, એડમ ઝામ્પા
T20 વર્લ્ડ કપ 2026 નો પ્રારંભ 7 ફેબ્રુઆરીથી થશે. ઓસ્ટ્રેલિયાની ટીમ પોતાના અભિયાનની શરૂઆત 11 ફેબ્રુઆરીના રોજ આયર્લેન્ડ સામેની મેચથી કરશે. ત્યારપછી કાંગારૂ ટીમની આગામી મેચ 13 ફેબ્રુઆરીના રોજ ઝિમ્બાબ્વે સામે રમાશે.
ઓસ્ટ્રેલિયા પોતાની શરૂઆતની બંને મેચો કોલંબોમાં રમશે. ત્યારબાદ 16 ફેબ્રુઆરી ના રોજ ઓસ્ટ્રેલિયાની ટીમ શ્રીલંકાનો સામનો કરશે, જે મેચ પલ્લેકેલે સ્ટેડિયમમાં યોજાશે, જ્યારે 20 ફેબ્રુઆરીના રોજ ઓસ્ટ્રેલિયા પોતાની છેલ્લી ગ્રુપ મેચ ઓમાન સામે રમશે. આ વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયાને ગ્રુપ-બીમાં રાખવામાં આવેલ છે.