એશિયા કપ 2023 (Asia Cup 2023) માં સતત ત્રણ મેચમાં જીત સાથે ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચી ગઈ છે. હવે ભારત જીતથી માત્ર એક જીત દૂર છે. એ પહેલા ટીમ ઈન્ડિયા (Team India) એ વધુ એક મેચ રમાવાની છે જેમાં તેમનો સામનો બાંગ્લાદેશ સામે થશે. આ મેચમાં બધાની નજર ભારતીય કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) પર રહેશે, જે હાલ શાનદાર ફોર્મમાં છે અને આગામી મેચમાં પણ આ જ ફોર્મ ચાલુ રાખવા પ્રયત્ન કરશે.
રોહિત શર્મા હાલમાં એશિયા કપમાં ભાગ લઈ રહેલ તમામ ક્રિકેટરોમાં સૌથી સિનિયર છે. એવામાં એશિયા કપમાં વધુ મેચ અને રન બનાવવા મામલે તે વધુ એક રેકોર્ડ બનાવી શકે છે. રોહિત એશિયા કપમાં ક્રિકેટના ભગવાન અને મહાન ખેલાડી સચિન તેંડુલકરના રેકોર્ડને તોડી શકે છે. ભારતે એશિયા કપમાં તેની આગામી મેચ 15 સપ્ટેમ્બરે કોલંબોમાંબાંગ્લાદેશ સામે રમવાની છે અને જો આ મેચમાં રોહિતનું બેટ ચાલશે તો તે ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકરનો મોટો રેકોર્ડ તોડશે.
એશિયા કપના ODI ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન તરીકેનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. સચિન તેંડુલકરે એશિયા કપના ODI ફોર્મેટમાં ભારત માટે 23 મેચોમાં 51.10ની એવરેજથી 971 રન બનાવ્યા છે. સચિન બાદ ભારતીય બેટ્સમેન રોહિત શર્મા છે. રોહિતના નામે એશિયા કપમાં 26 મેચોમાં 939 રન છે અને જો તે આગામી મેચમાં 33 રન બનાવશે તો તે એશિયા કપના ODI ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન બની જશે.
આ પણ વાંચો : IND vs PAK: અનંતનાગ એન્કાઉન્ટર બાદ વિરાટ કોહલી ટ્રોલ થતાં BCCIએ આપ્યો જવાબ
રોહિત હાલ એશિયા કપ 2023માં સારા ફોર્મમાં છે. ટુર્નામેન્ટની પહેલી મેચ પાકિસ્તાન સામે ગ્રુપ મેચમાં રોહિત માત્ર 11 રન જ બનાવી શક્યો હતો, જો કે, ત્યારબાદ તેણે સુપર 4 રાઉન્ડમાં નેપાળ સામે અણનમ 74 અને બાદમાં પાકિસ્તાન અને શ્રીલંકા સામે અનુક્રમે 56 અને 53 રન બનાવ્યા હતા. તેના ફોર્મને જોતાં આગામી મેચમાં બાંગ્લાદેશ સામે તે એશિયા કપના ODI ફોર્મેટમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની શકે છે.