
છેલ્લા સાડા ત્રણ વર્ષથી ઈંગ્લેન્ડે ટેસ્ટ ક્રિકેટમાં તેની “બેઝબોલ” શૈલી માટે ઘણું ધ્યાન ખેંચ્યું છે. બેન સ્ટોક્સની ટીમે ઘણી મેચ જીતી છે અને કેટલીક હારી છે. પરંતુ બધા ઓસ્ટ્રેલિયામાં એશિઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, અને અંતે, ફક્ત બે દિવસમાં, ઈંગ્લેન્ડનો “બેઝબોલ” ચકનાચૂર થઈ ગયો.
પર્થમાં રમાયેલી પ્રથમ એશિઝ ટેસ્ટ મેચમાં, ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને ફક્ત બે દિવસમાં આઠ વિકેટથી કચડી નાખ્યું. ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કે મેચમાં 10 વિકેટ લઈને ઈંગ્લેન્ડના બેટ્સમેનોને મુશ્કેલીમાં મુક્યા, જ્યારે ટ્રેવિસ હેડે વિસ્ફોટક સદી ફટકારી, જેના કારણે ઓસ્ટ્રેલિયાને ફક્ત 29 ઓવરમાં 205 રનના લક્ષ્ય સુધી પહોંચવામાં મદદ મળી.
2025-26 એશિઝની પહેલી ટેસ્ટ મેચ 21 નવેમ્બર, શુક્રવારના રોજ પર્થમાં શરૂ થઈ હતી અને પહેલી ઓવરથી જ વિકેટો પડવા લાગી હતી. આ ટ્રેન્ડ બીજા દિવસે ઈંગ્લેન્ડના બીજા દાવના અંત સુધી ચાલુ રહ્યો. પહેલા દિવસે 19 વિકેટ પડી હતી, જેમાં ઈંગ્લેન્ડે ફક્ત 172 રન બનાવ્યા હતા, અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ 123 રનમાં નવ વિકેટ ગુમાવી દીધી હતી.
બીજા દિવસે ઓસ્ટ્રેલિયા 132 રનમાં ઓલઆઉટ થયા પછી, ઈંગ્લેન્ડે 40 રનની લીડ મેળવી હતી અને તેમની પાસે સારો સ્કોર બનાવવાની તક હતી. પરંતુ મિશેલ સ્ટાર્ક ફરી એકવાર ત્રાટક્યો અને પ્રથમ ઓવરમાં જ વિકેટ લેવાની શરૂઆત કરી દીધી. આ વખતે સ્ટાર્કને સ્કોટ બોલેન્ડનો સારો ટેકો મળ્યો, જ્યારે ડેબ્યુ કરનાર બ્રેન્ડન ડોગેટે પણ વિકેટો લીધી. ફરી એકવાર ઝડપી બેટિંગનો પ્રયાસ કરતી ઈંગ્લેન્ડની ટીમ ફક્ત 164 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. સ્ટાર્કે ત્રણ વિકેટ લીધી, જેનાથી મેચમાં તેની કુલ વિકેટ 10 થઈ, જ્યારે બોલેન્ડે ચાર અને ડોગેટે ત્રણ વિકેટ લીધી.
ઓસ્ટ્રેલિયા સામે 205 રનનો લક્ષ્યાંક હતો, જ્યારે બીજા દિવસની રમત શરૂ થવામાં માંડ અઢીથી ત્રણ કલાક બાકી હતા. પરંતુ ઈનિંગની શરૂઆત કરનાર ટ્રેવિસ હેડે પોતાની વિસ્ફોટક બેટિંગથી ચોથી ઈનિંગના પડકારને દૂર કર્યો. પર્થમાં અગાઉ કેટલીક પાવરફુલ ઈનિંગ રમી ચૂકેલા ડાબા હાથના બેટ્સમેને માત્ર 36 બોલમાં અડધી સદી ફટકારી અને ત્યારબાદ ટૂંક સમયમાં 69 રનમાં સદી ફટકારી. આ ઈનિંગ સાથે ઓસ્ટ્રેલિયાએ માત્ર 28.2 ઓવરમાં જ ઈંગ્લેન્ડને હરાવ્યું. હેડે માત્ર 83 બોલમાં 123 રન ફટકાર્યા, જેમાં 16 ચોગ્ગા અને ચાર છગ્ગાનો સમાવેશ થાય છે. માર્નસ લાબુશેને પણ અણનમ 51 રન બનાવીને ટીમને વિજય અપાવ્યો.
આ જીત સાથે, ઓસ્ટ્રેલિયાએ એશિઝમાં 1-0 ની લીડ મેળવી લીધી. નોંધપાત્ર રીતે, આ ઓસ્ટ્રેલિયાના ઇતિહાસમાં બીજી સૌથી ટૂંકી ટેસ્ટ મેચ હતી. ચારેય ઇનિંગ્સ મળીને મેચ ફક્ત 847 બોલમાં સમાપ્ત થઈ ગઈ. 94 વર્ષમાં આ પહેલીવાર છે જ્યારે ઓસ્ટ્રેલિયામાં આટલા ઓછા સમયમાં કોઈ મેચ પૂર્ણ થઈ હોય. આ પહેલા ફેબ્રુઆરી 1932 માં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચ ફક્ત 656 બોલમાં સમાપ્ત થઈ હતી.
આ પણ વાંચો: ટ્રેવિસ હેડની તોફાની સદી, 123 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, ફક્ત આટલા બોલમાં રચ્યો ઈતિહાસ