ઈંગ્લેન્ડે Ashes શ્રેણીમાં વાપસીની આશા જીવંત રાખી છે. ચાર વર્ષ પહેલા ઈંગ્લેન્ડે હેડિંગ્લી ટેસ્ટમાં જ યાદગાર જીત મેળવી હતી. ફરી એકવાર હેડિંગ્લીનું મેદાન ઈંગ્લેન્ડના પુનરાગમનનું કારણ બન્યું છે. એશિઝની પ્રથમ બે ટેસ્ટની જેમ, ત્રીજી ટેસ્ટ પણ રોમાંચક રીતે સમાપ્ત થઈ હતી, જ્યાં યજમાન ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને 3 વિકેટથી હરાવી શ્રેણીમાં તેમની પ્રથમ જીત નોંધાવી હતી. હેરી બ્રુકની મજબૂત ઇનિંગની મદદથી ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું.
એજબેસ્ટન અને લોર્ડ્સમાં રમાયેલી પ્રથમ બે ટેસ્ટ મેચ છેલ્લા દિવસ સુધી ચાલી હતી. બંને ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. ફરી એકવાર ઓસ્ટ્રેલિયન ટીમ આવું જ કંઈક કરવા માંગતી હતી પરંતુ 2019 એશિઝની જેમ ઈંગ્લેન્ડ ફરીથી હેડિંગ્લીમાં ટોચ પર રહ્યું હતું. તે વખતે બેન સ્ટોક્સની ઈનિંગથી ઈંગ્લેન્ડે જીત મેળવી હતી, આ વખતે તેની કેપ્ટનશિપમાં ઇંગ્લેન્ડે જોરદાર વાપસી કરી છે. પાંચ મેચની શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા હજુ પણ 2-1થી આગળ છે.
📍 Headingley
2019 ➡ 2023England deliver yet another #Ashes classic 🤩 pic.twitter.com/cKbAFd3Pie
— ICC (@ICC) July 9, 2023
આ ટેસ્ટનું પરિણામ ચોથા દિવસે જ નક્કી થઈ ગયું. ચોથા દિવસે ઇંગ્લેન્ડને જીતવા માટે વધુ 224 રનની જરૂર હતી. તેની તમામ 10 વિકેટ બાકી હતી. છતાં તેમને પ્રથમ વિકેટ ગુમાવતા વધુ સમય ન લાગ્યો. ડાબા હાથના અનુભવી ઝડપી બોલર મિશેલ સ્ટાર્કે પહેલા બેન ડકેટને આઉટ કર્યો અને ત્યારબાદ મોઈન અલીને બોલ્ડ કર્યો હતો. મોઈનને ત્રીજા નંબરે મોકલવાની યોજના કામ ન કરી શકી.
ત્યારબાદ જેક ક્રાઉલી સ્કોરને આગળ ધપાવી રહ્યો હતો અને જો રૂટ તેને સાથ આપી રહ્યો હતો. અગાઉની ઘણી ઇનિંગ્સની જેમ, ફરી એકવાર ક્રાઉલી સારી શરૂઆતને મોટા સ્કોરમાં પરિવર્તિત કરી શક્યો નહીં અને મિશેલ માર્શે તેને આઉટ કર્યો હતો. 9 ઓવર પછી જો રૂટ ખરાબ પુલ શોટ પર કીપરને કેચ આપી બેઠો હતો. ઈંગ્લેન્ડે પ્રથમ સેશનમાં આ ચારેય વિકેટ ગુમાવી દીધી હતી.
🏴 ENGLAND WIN! 🏴
Must win. Did win!
COME ON! 💪 #EnglandCricket | #Ashes pic.twitter.com/x9VfxLRRbU
— England Cricket (@englandcricket) July 9, 2023
આ બધાની વચ્ચે હેરી બ્રુકે પોતાને અને ટીમને સંભાળી. ટેસ્ટ ક્રિકેટમાં જોરદાર પદાર્પણ કરનાર બ્રુક માટે પ્રથમ એશિઝ શ્રેણી સારી ચાલી રહી ન હતી. અત્યાર સુધી તે સતત નિષ્ફળ રહ્યો હતો અને તેની ટેકનિક પર સવાલો ઉઠી રહ્યા હતા. બ્રુકે અહીં પણ પોતાની રીત બદલી ન હતી અને બોલરો પર એટેક કરતો રહ્યો હતો. તો બીજી તરફ કેપ્ટન સ્ટોક્સ માત્ર 13 રન બનાવી આઉટ થયો હતો. આ સિવાય જોની બેયરસ્ટો પણ ફરી એકવાર નિષ્ફળ રહ્યો હતો. બંનેને સ્ટાર્કે આઉટ કર્યા હતા.
ત્યારબાદ બ્રુકે ક્રિસ વોક્સ સાથે 59 રનની ભાગીદારી કરીને ટીમની જીત સુનિશ્ચિત કરી હતી. આ દરમિયાન, બ્રુકે શ્રેણીની તેની પ્રથમ અડધી સદી ફટકારી અને ટેસ્ટમાં સૌથી ઓછા બોલમાં (1058 બોલ) 1000 રન પૂરા કરવાનો રેકોર્ડ બનાવ્યો. ઈંગ્લેન્ડની જીત નિશ્ચિત જણાતી હતી ત્યારે સ્ટાર્કે બ્રુકને આઉટ કર્યો હતો. સ્ટાર્કની આ પાંચમી વિકેટ હતી. ઈંગ્લેન્ડને 21 રનની જરૂર હતી અને 3 વિકેટ બાકી હતી. ત્યારબાદ ક્રીઝ પર આવેલા માર્ક વૂડે કેટલાક મોટા શોટ લગાવ્યા અને વોક્સ સાથે મળીને ટીમને જીત અપાવી હતી.