ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) તેની પસંદગી સમિતિમાં ફેરફાર કરવા જઈ રહ્યું છે. આ ફેરફારો જુનિયર રાષ્ટ્રીય પસંદગી સમિતિમાં હશે. આ સમિતિએ આગામી વર્ષના અંડર -19 વર્લ્ડકપ માટે ટીમ પસંદ કરવાની છે. તમિલનાડુના ભૂતપૂર્વ કેપ્ટન અને લાંબા સમયથી સ્થાનિક ક્રિકેટ ખેલાડી શ્રીધરન શરથ (Sreedharan Sharath) જુનિયર રાષ્ટ્રીય પસંદગી સમિતિના અધ્યક્ષ પદ માટે નિશ્ચિત મનાય છે. શ્રીધરન આશિષ કપૂરની જગ્યા લેશે, જે વર્તમાન અધ્યક્ષ હતા. આશિષ કપૂરનો કાર્યકાળ આ વર્ષે સમાપ્ત થયો હતો.
BCCIમાં જે નામો પર સહમતિ થઈ છે, તેમાં પંજાબના ભૂતપૂર્વ બેટિંગ ઓલરાઉન્ડર કૃષ્ણ મોહનનો સમાવેશ થાય છે, જેમણે 1987થી 1995 વચ્ચે 45 ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી. મોહન ઉત્તર ઝોનના ઉમેદવાર છે. મધ્ય પ્રદેશના ઝડપી બોલિંગ ઓલરાઉન્ડર હરવિંદર સિંહ સોઢી મધ્ય ઝોનમાંથી મુખ્ય દાવેદાર છે. તેણે 76 ફર્સ્ટ ક્લાસ મેચમાં 2000થી વધુ રન બનાવ્યા અને 174 વિકેટ મેળવી છે. તે BCCIના મેચ રેફરી પણ છે.
પૂર્વ ઝોનમાંથી પસંદગીકાર બનવાની રેસમાં બંગાળના ઝડપી બોલર રાણદેવ બોઝને તેમના ભૂતપૂર્વ સાથી ખેલાડી શુભમય દાસને પણ પાછળ છોડી શકે છે. બોઝે 91 ફર્સ્ટ ક્લાસ મેચમાં 317 વિકેટ લીધી છે. યોગ્ય સમયે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે, પરંતુ ડાબા હાથના બેટ્સમેન શરથ ચેરમેન તરીકે આશિષ કપૂરને બદલશે.
શરથ આસામ માટે પણ રમી ચૂક્યો છે. તે 100 રણજી મેચ રમનાર તમિલનાડુનો પહેલો ક્રિકેટર બન્યો. 15 વર્ષની કારકિર્દીમાં તેણે 139 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 27 સદીની મદદથી 8,700 રન બનાવ્યા હતા. એવું માનવામાં આવે છે કે રાહુલ દ્રવિડ, વીવીએસ લક્ષ્મણ અને સૌરવ ગાંગુલીના જમાનામાં રમવાના કારણે તેને ક્યારેય ટેસ્ટ ટીમમાં સ્થાન બનાવવાની તક મળી નથી.
બીસીસીઆઈના સૂત્રોએ ગુપ્તતાની શરતે મીડિયા રિપોર્ટસમાં કહ્યું શ્રીધરન શરથનું નામ નક્કી કરવામાં આવ્યું છે. તે સ્થાનિક ક્રિકેટમાં એક મોટું નામ છે અને ધારાધોરણો અનુસાર તે કદાચ પસંદગી સમિતિના અધ્યક્ષનું પદ પણ સંભાળશે. સોઢી, મોહન અને બોઝના નામ પણ પોત પોતાના વિસ્તારમાંથી પસંદ કરવામાં આવ્યા છે. કપૂર (દક્ષિણ ઝોન)ની આગેવાની હેઠળની અગાઉની પસંદગી સમિતિમાં દેવાશિષ મોહંતી (પૂર્વ, હવે વરિષ્ઠ પસંદગીકાર), જ્ઞાનેન્દ્ર પાંડેય (મધ્ય), રાકેશ પરીખ (પશ્ચિમ) અને અમિત શર્મા (ઉત્તર)નો સમાવેશ થાય છે.