CWG 2022: ટેબલ ટેનિસમાં ગોલ્ડ જીતનાર હરમીતે મેડલની ભૂખ માટે મીઠાઈ અને આઈસ્ક્રીમથી અંતર બનાવ્યું
સુરતના હરમીત દેસાઈ વર્ષ 2018 માં ગોલ્ડ કોસ્ટમાં ગોલ્ડ જીતનાર ભારતીય પુરુષ ટીમનો સભ્યો હતો. કોમનવેલ્થ ગેમ્સ 2022 ની તૈયારી માટે હરમીતે મીઠાઈ અને ભાતને અલવિદા કહી દીધું હતું. પરંતુ તેનું મીઠું ફળ તેને સોનાના રૂપમાં મળ્યું.
હરમીત દેસાઈ – સુરતના આ ગુજરાતી પુત્રએ કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games 2022) માં ટેબલ ટેનિસ ટીમ ઈવેન્ટમાં દેશને ગોલ્ડ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. હરમીત દેસાઈ (Harmeet Desai) એ સિંગાપોર સામે પુરૂષોની ટીમની ફાઇનલમાં સાથિયાન જ્ઞાનસેકરન સાથે શરૂઆતની ડબલ્સ મેચ જીતી હતી અને પછી સિંગલ્સમાં ચોથી મેચ જીતીને ટીમનો ગોલ્ડ મેડલ સુનિશ્ચિત કર્યો હતો. હરમીત દેશાઈ સિંગલ્સ અને ડબલ્સમાં શાનદાર ખેલાડી છે. પરંતુ મેડલ મેળવવા માટે તે સ્પોર્ટ્સ સિવાય ફૂડ પર ખાસ ધ્યાન આપે છે. કોમનવેલ્થ ગેમ્સ 2022 ની તૈયારી માટે હરમીતે મીઠાઈ અને ભાતને અલવિદા કહી દીધું હતું. પરંતુ તેનું મીઠું ફળ તેને સોનાના રૂપમાં મળ્યું.
હરમીત ટેબલ ટેનિસથી દુર હોય ત્યારે તે બેચેન રહેતો હતોઃ પિતા રાજુલ દેસાઈ
ગુજરાતના સુરતમાં 19 જુલાઈ 1993 ના રોજ જન્મેલા હરમીતે 6 વર્ષની ઉંમરે ટેબલ ટેનિસની રમત શરૂ કરી હતી. હરમીતના પિતાએ TV9 સાથેના એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, જ્યારે તે ટેબલ ટેનિસથી દૂર હોય છે ત્યારે તે બેચેન થઈ જાય છે અને તેના કારણે તે પરિવાર સાથે બહુ ઓછો સમય પસાર કરે છે. કારણ કે મોટાભાગનો સમય તે ટૂર્નામેન્ટ પ્રેક્ટિસ માટે દુનિયાભરમાં ફરતો હોય છે.
ફિટનેસ જાળવી રાખવા માટે હરમીત મીઠાઈઓ અને આઈસ્ક્રીમથી દુર રહેતો
હરમીત દેસાઈ 2018 ગોલ્ડ કોસ્ટમાં પુરુષોની ટેબલ ટેનિસ ટીમનો પણ ભાગ હતો. જેમાં તેણે દેશ માટે ગોલ્ડ જીત્યો હતો. આ પછી 2018 એશિયન ગેમ્સમાં ઐતિહાસિક ટીમ બ્રોન્ઝ જીતનારી ભારતીય ટીમમાં હરમીતનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. હરમીતને આઈસ્ક્રીમ અને મીઠાઈઓનો ઘણો શોખ છે. પરંતુ ટૂર્નામેન્ટની તૈયારીમાં તેની ફિટનેસ જાળવવા તેણે લાંબા સમય સુધી મીઠાઈઓ ખાધી ન હતી અને ખાંડની બનેલી કોઈ વસ્તુને અડી પણ ન હતી. તેણે મેન્સ ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ પણ જીત્યો હતો.
Surat’s pride Harmeet Desai brings laurels for 🇮🇳 in Table Tennis.
Congratulations to Indian Men’s Table Tennis Team on winning the prestigious Gold Medal🏅at the Commonwealth Games 2022.
સુરત નું ગૌરવ!#CWG2022India pic.twitter.com/YRiS1lI9wG
— Darshana Jardosh (@DarshanaJardosh) August 2, 2022
હરમીત દેસાઈને 2019 માં અર્જુન એવોર્ડથી સન્માનીત કરાયો હતો
વર્ષ 2019 માં હરમીત દેસાઈ (Harmeet Desai) ને રમતગમતમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે અર્જુન એવોર્ડથી પણ સન્માનીત કરાયો હતો. આ વર્ષે નવેમ્બરમાં હરમીત ઈન્ડોનેશિયા ઓપન આઈટીટીએફ ટાઈટલ જીતવામાં સફળ રહ્યો હતો. હરમીતે સાથી ખેલાડી સાથિયાન જ્ઞાનશેકરનને હરાવીને 2019માં ભારતમાં યોજાયેલી કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું સિંગલ્સ ટાઇટલ જીત્યું હતું. હરમીત 2014માં ભારતની કોમનવેલ્થ ગેમ્સ ટીમનો પણ ભાગ હતો.