
જાપાનમાં 19 સપ્ટેમ્બરથી શરૂ થનારી એશિયન ગેમ્સ ૨૦૨૬ માટે ભારતીય ક્રિકેટ વર્તુળોમાં ઉત્સાહ વધ્યો છે. ભારતીય ક્રિકેટ નિયામક મંડળે પુરુષોની ટ્વેન્ટી-20 સ્પર્ધા માટે 30 સંભવિત ખેલાડીઓની યાદી તૈયાર કરી હોવાનું જાણવા મળ્યું છે. આ યાદીમાં યુવા પ્રતિભાશાળી ખેલાડી વૈભવ સૂર્યવંશીનો સમાવેશ સૌથી વધુ ચર્ચાનો વિષય બન્યો છે.
વૈભવ સૂર્યવંશી માટે આ પસંદગી તેમની કારકિર્દીમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે. પ્રથમ વખત તેમને એશિયન ગેમ્સ જેવી પ્રતિષ્ઠિત સ્પર્ધા માટે સંભવિત ખેલાડીઓમાં સ્થાન મળ્યું છે. તેમની સતત સારી રમત અને પ્રતિભાને ધ્યાનમાં રાખીને પસંદગીકારોએ તેમના પર વિશ્વાસ વ્યક્ત કર્યો હોવાનું માનવામાં આવે છે.
ભારતીય ટ્વેન્ટી-20 ટીમના વર્તમાન સુકાની સૂર્યકુમાર યાદવનું નામ આ યાદીમાં સામેલ ન હોવાથી ક્રિકેટપ્રેમીઓમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. તેમની ગેરહાજરીથી હવે સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે એશિયન ગેમ્સ દરમિયાન ભારતીય ટીમનું નેતૃત્વ કોણ સંભાળશે. હાલમાં બોર્ડ તરફથી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
અગાઉ ચીનમાં યોજાયેલી એશિયન ગેમ્સમાં ભારતે સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. તે સમયે ટીમનું નેતૃત્વ ઋતુરાજ ગાયકવાડે કર્યું હતું. આ વખતે પણ તે સુવર્ણ ચંદ્રક વિજેતા ટીમના નવ ખેલાડીઓને સંભવિત યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. ઉપરાંત ઋષભ પંત, શ્રેયસ અય્યર, યશસ્વી જયસ્વાલ, હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ અને સંજુ સેમસન જેવા અનુભવી ખેલાડીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
સૂર્યકુમાર યાદવની ગેરહાજરી બાદ ટીમના નવા સુકાની તરીકે અનેક નામો ચર્ચામાં છે. શ્રેયસ અય્યર, સંજુ સેમસન અને ઋતુરાજ ગાયકવાડ સુકાની પદ માટે મજબૂત દાવેદાર માનવામાં આવે છે. ઋતુરાજ ગાયકવાડ પાસે અગાઉ એશિયન ગેમ્સમાં ભારતને સુવર્ણ ચંદ્રક અપાવવાનો સફળ અનુભવ છે, જ્યારે શ્રેયસ અય્યર અને સંજુ સેમસને પણ વિવિધ સ્તરે નેતૃત્વની જવાબદારી સંભાળી છે.
ક્રિકેટ નિષ્ણાતોનું માનવું છે કે પસંદગીકારો આ વખતે યુવા અને અનુભવી ખેલાડીઓ વચ્ચે યોગ્ય સંતુલન જાળવીને અંતિમ ટીમ પસંદ કરશે. વૈભવ સૂર્યવંશી જેવા યુવા ખેલાડીઓને તક આપવાની સાથે અનુભવી ખેલાડીઓની હાજરી ટીમને વધુ મજબૂત બનાવી શકે છે.
હાલમાં 30 સંભવિત ખેલાડીઓની યાદી સામે આવી છે, પરંતુ ટૂંક સમયમાં ૧૫ સભ્યોની અંતિમ ટીમ જાહેર કરવામાં આવશે. સાથે જ ટીમના સુકાનીના નામની પણ જાહેરાત થશે. ક્રિકેટપ્રેમીઓ હવે આતુરતાપૂર્વક બોર્ડની સત્તાવાર જાહેરાતની રાહ જોઈ રહ્યા છે. વૈભવ સૂર્યવંશીની પસંદગી અને સૂર્યકુમાર યાદવની ગેરહાજરી એશિયન ગેમ્સ પહેલાં ભારતીય ક્રિકેટમાં સૌથી વધુ ચર્ચાતો વિષય બની ગયો છે.
આ પણ વાંચો- આવો છે 6 ફૂટ અને 5 ઈંચના ક્રિકેટર, 5 વખત નેટ બોલર રહ્યો જુઓ પરિવાર