LIC IPO : IPO પહેલા LICની આવક ઘટી રહી છે. જીવન વીમા નિગમની નવી બિઝનેસ પ્રીમિયમ ઇન્કમ ડિસેમ્બર મહિનામાં 20 ટકાથી વધુ ઘટી છે. ગયા મહિને LICનું નવું બિઝનેસ પ્રીમિયમ કલેક્શન 20.30 ટકા ઘટીને રૂ. 11,434.13 કરોડ થયું હતું. તેનાથી વિપરીત નવી પોલિસી સાથે દેશમાં કાર્યરત બાકીની 23 જીવન વીમા કંપનીઓની પ્રીમિયમ આવક ડિસેમ્બર 2021માં 29.83 ટકા વધીને રૂ. 13,032.33 કરોડ થઈ છે. એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં આવક રૂ. 10,037.72 કરોડ હતી.
ડિસેમ્બર 2021માં જીવન વીમા કંપનીઓની નવી પૉલિસી પ્રીમિયમ આવક રૂ. 24,466.46 કરોડ હતી જે લગભગ એક વર્ષ અગાઉના સમાન સ્તરની હતી. ઈન્સ્યોરન્સ રેગ્યુલેટર આઈઆરડીએએ શુક્રવારે ડિસેમ્બરના આંકડા જારી કર્યા જેમાં જણાવ્યું હતું કે આ મહિને નવી પોલિસી માટે પ્રીમિયમ તરીકે 24 જીવન વીમા કંપનીઓની સંચિત રકમ વધુ કે ઓછી સ્થિર રહી છે. ડિસેમ્બર 2020માં પ્રીમિયમ રૂ. 24,383.42 કરોડ હતું.
ખાનગી વીમા કંપનીઓમાં HDFC સ્ટાન્ડર્ડ લાઇફની નવી પ્રીમિયમ આવક 55.67 ટકા વધીને રૂ. 2,973.74 કરોડ થઈ છે. SBI લાઇફની નવી પ્રીમિયમ આવક 26.72 ટકા વધીને રૂ. 2,943.09 કરોડ થઈ છે. જોકે, ICICI પ્રુડેન્શિયલ લાઇફની નવી પ્રીમિયમ આવક ડિસેમ્બર 2020ની સરખામણીમાં 6.02 ટકા ઘટીને રૂ. 1,380.93 કરોડ થઈ છે. એ જ રીતે કોટક મહિન્દ્રા લાઇફ, એગોન લાઇફ, ફ્યુચર જનરલની નવી પ્રીમિયમ આવકમાં પણ ઘટાડો થયો છે.
એપ્રિલ-ડિસેમ્બર 2021માં તમામ જીવન વીમા કંપનીઓનું પ્રથમ વર્ષનું પ્રીમિયમ 7.43 ટકા વધીને રૂ. 2,05,231.86 કરોડ થયું છે. દરમિયાન LICની નવી પ્રીમિયમ આવક 3.07 ટકા ઘટીને રૂ. 1,26,015.01 કરોડ થઈ હતી.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય ભારતીય જીવન વીમા નિગમના LIC ડિસઇન્વેસ્ટમેન્ટની સુવિધા માટે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI) પોલિસીમાં ફેરફાર કરવાની તૈયારી કરી રહ્યું છે. ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રમોશન (DPIIT) વિભાગના સચિવ અનુરાગ જૈને જણાવ્યું હતું કે આ ક્ષેત્રને લગતી વર્તમાન પોલિસી LICની ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રક્રિયાને સરળ બનાવશે નહીં તેથી તેને સુધારવાની જરૂર છે. ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસિસ અને ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક પ્રોપર્ટી મેનેજમેન્ટ (DIPAM) સાથે આ અંગે ચર્ચા કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Gold : સોનામાં રોકાણ કરવા વિચારી રહ્યા છો? શુદ્ધ સોનામાં સસ્તી કિંમતે રોકાણ માટે આ અહેવાલ મદદરૂપ બનશે
આ પણ વાંચો : ભારત 2030 સુધીમાં જાપાનને પાછળ ધકેલી વિશ્વનું ત્રીજુ સૌથી મોટું અર્થતંત્ર બનશે, જાણો વિગતવાર