
ગાંધીનગરમાં આ ગ્રંથાલયના નવીનીકરણ પહેલાથીજ 10,240 સભ્યો ગ્રંથાલયમાં નોંધાયેલા છે. ગ્રંથાલયના નવીનીકરણ પછી અપેક્ષિત લાભાર્થીઓની સંખ્યામાં વધારો થઈ 2,50,000 જેટલા લોકો સભ્યપદ મેળવશે તેવો અંદાજ છે.આ સરકારી ગ્રંથાલયની વાર્ષિક ફી માત્ર બે રૂપિયા છે રજીસ્ટ્રેશન કરાવનાર વ્યક્તિ ગેજેટેડ ઓફિસરના સહી સિક્કા કરાવી જામીન પત્રક સાથે સભ્ય બને તો તેણે રુપિયા 40 ડિપોઝિટ અને વાર્ષિક 2 રૂપિયા લેખે પાંચ વર્ષના 10 રૂપિયા સભ્ય ફી ચૂકવવાની રહે છે. જો કોઈ કારણોસર જામીન નથી મળતા તો સો રૂપિયા ડિપોઝિટ અને 10 રૂપિયા સભ્ય ફી ચૂકવવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

સેક્ટર 21 નું આ ગ્રંથાલય સવારે 8:00 થી રાત્રિના 12 કલાક સુધી એટલે કે કુલ 16 કલાક વાંચકો માટે ખુલ્લું રહે છે. મહિલા વાચકો માટે નો સમય સવારે 8:00 થી રાત્રિના 8:00 કલાક સુધીનો નક્કી આવેલો છે.સભ્યપદ મેળવ્યા પછી કોઈપણ એક સભ્ય પોતાના નામ ઉપર ચાર પુસ્તકો એક સાથે લઈ શકે છે. સમયસર પુસ્તક જમા ન કરાવી શકતા સભ્યો માટે આર .એફ .એ .ડી સિસ્ટમ દ્વારા પુસ્તક જાતે રીન્યુ કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

ગ્રંથાલયના મુખ્ય અધિકારી જયરામભાઈ દેસાઈ ગ્રંથાલય અંગે જણાવે છે કે, આપણા સૌ માટે આનંદની વાત છે કે ગાંધીનગરમાં ગુજરાતની સૌથી વિશાળ છ મા ની લાઇબ્રેરી નું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે તારીખ 27 ફેબ્રુઆરીના રોજ ગૃહ મંત્રી અમિતભાઈ શાહ આ ગ્રંથાલયનુ લોકાર્પણ કરવાના છે, ત્યારે જિલ્લાના નગરજનોને તેમણે અનુરોધ કર્યો હતો કે સરકારી ગ્રંથાલય સ્વરૂપે સરકારે આપણને જ્ઞાનની ગંગા ઘર આંગણે લાવી આપી છે. ત્યારે આ વ્યવસ્થાનો ભરપૂર લાભ લઇ પુસ્તકોના વાંચન થકી જીવનને ઉત્તમ બનાવવાનો આ મોકો છોડશો નહીં.

સેક્ટર 21 લાઇબ્રેરી સ્ટાર્ટઅપ નોલેજ અને ફ્રી લીનકિંગ સેન્ટર પ્રોજેક્ટ હેઠળ રૂપિયા 20 કરોડના ખર્ચે નિર્માણ પામી છે. જેમાં છ માળ ઉપર અલગ અલગ સુવિધા આપવામાં આવી છે. ગ્રાઉન્ડ ફ્લોર પર ગ્રંથપાલ કાર્યાલય, મદદનીશ ગ્રંથપાલ કાર્યાલય, અન્ય કચેરીઓ, સર્વર રૂમ, ઇલેક્ટ્રીક રૂમ, સ્ટોર રૂમ , સિનિયર સિટીઝન રૂમ, ઈ- લાઇબ્રેરી, અંધજન વિભાગ, રિસેપ્શન તથા પ્રતીક્ષા ખંડ નો સમાવેશ થાય છે.પ્રથમ માળ પર પુસ્તક લેવડદેવડ વિભાગ, બાળકો માટેનો વિભાગ, મહિલા વિભાગ અને કેન્ટીન આવેલા છે. જ્યારે બીજા માળ પર પુસ્તક પ્રોસેસ વિભાગ ,રેફરન્સ વિભાગ, સ્પર્ધાત્મક પરીક્ષા ખંડ અને સંશોધનખંડ આવેલા છે. એ જ રીતે ત્રીજા માળે મહિલા વાંચન ખંડ અને ઓનલાઈન પરીક્ષા ખંડ તથા ચોથા માળે વાંચન વિભાગ આવેલો છે. પાંચમા માળ ઉપર કોન્ફરન્સ હોલ આવેલો છે. જે 200 માણસની ક્ષમતા ધરાવે છે .એક ઓડિટોરિયમ હોલ છે જે 50 વ્યક્તિઓની ક્ષમતા ધરાવે છે. જ્યારે એક નાનો મીટીંગ હોલ છે જેમાં 20 માણસો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે.