
જો તમે ક્યારેય વિમાનમાં મુસાફરી કરી હોય તો તમે નોંધ્યું હશે કે જ્યારે પણ પ્લેન ટેકઓફ એટલે કે ઉડાન ભરે છે અને લેન્ડિંગ એટલે કે જમીન પર ઉતરે છે ત્યારે કેબિનની મુખ્ય લાઇટો ધીમી એટલે કે ડીમ કરી દેવામાં આવે છે. મોટાભાગના મુસાફરો એવું વિચારે છે કે આવું મુસાફરોની સુવિધા કે આરામદાયક અનુભવ માટે કરવામાં આવે છે. પરંતુ એવું બિલકુલ નથી. વિમાન સુરક્ષાના આંકડા દર્શાવે છે કે આકાશમાં થતી વિમાની દુર્ઘટનાઓમાંથી મોટાભાગની ઘટનાઓ ટેકઓફ અને લેન્ડિંગ દરમિયાન જ થાય છે. આથી જ આ મહત્વપૂર્ણ સમયે મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે લાઇટો ધીમી કરવામાં આવે છે.

આંખોને અંધારાની ટેવ પાડવાનો વૈજ્ઞાનિક નિયમ: જ્યારે કોઈ વ્યક્તિ અચાનક ભારે અજવાળામાંથી અંધારામાં જાય છે ત્યારે તેની આંખો સામે થોડીવાર માટે સંપૂર્ણ અંધારું છવાઈ જાય છે. આંખોને ઓછા પ્રકાશમાં સામાન્ય થતાં અંદાજે 5 થી 20 મિનિટનો સમય લાગે છે. જો વિમાનમાં ઉડાન ભરતી વખતે કે ઉતરતી વખતે કોઈ કટોકટી ઊભી થાય અને પ્લેનની વીજળી અચાનક ગુલ થઈ જાય તો મુસાફરો મૂંઝવણમાં મુકાઈ શકે છે. આથી ક્રૂ મેમ્બર્સ પહેલાથી જ લાઇટો ધીમી કરી દે છે જેથી મુસાફરોની આંખો ઓછા પ્રકાશમાં જોવાની ટેવાઈ જાય અને કટોકટીના સમયે તેઓ કોઈ પણ વિલંબ વગર બહાર નીકળવાનો રસ્તો શોધી શકે.

ઇમરજન્સી એક્ઝિટ સાઇન સરળતાથી દેખાઈ શકે: વિમાનની અંદર ઇમરજન્સી એક્ઝિટ એટલે કે બહાર નીકળવાના રસ્તાઓ પર ખાસ પ્રકારની લાઇટો અને રેડિયમ પટ્ટીઓ લગાવવામાં આવેલી હોય છે જે અંધારામાં ચમકે છે. જો કેબિનની મુખ્ય લાઇટો ખૂબ જ તેજ હશે તો મુસાફરોને આ ઇમરજન્સી સાઇનની હળવી ચમક દેખાશે નહીં. આંતરરાષ્ટ્રીય એવિએશનના નિયમો મુજબ કટોકટીના સમયે બહાર નીકળવાનો રસ્તો અંધારામાં પણ સ્પષ્ટ દેખાવો જરૂરી છે. આથી લાઇટો ડીમ રાખવાથી આ ચિહ્નો વધુ અસરકારક રીતે ચમકે છે અને લોકો ઝડપથી રસ્તો ઓળખી શકે છે.

ધુમાડો ભરાય ત્યારે દિશા ભ્રમ ન થાય: ફ્લાઇટ સેફ્ટી ફાઉન્ડેશનના એક અહેવાલ અનુસાર જો વિમાનની અંદર કોઈ કારણોસર ગેસ અથવા ધુમાડો ભરાઈ જાય તો મુસાફરો દિશા ઓળખવાની પોતાની ક્ષમતા 83 ટકા સુધી ગુમાવી બેસે છે. આવા કપરા સંજોગોમાં જો લાઇટો પહેલેથી જ ઓછી હોય અને એક્ઝિટ સાઇન ચમકતા હોય તો મુસાફરો માટે સાચી દિશામાં આગળ વધવું અને જીવ બચાવવો સરળ બની જાય છે.

બારીના પડદા ખોલવા પાછળનું પણ છે આ જ કારણ: ટેકઓફ અને લેન્ડિંગ સમયે એરહોસ્ટેસ દ્વારા મુસાફરોને બારીના પડદા ખોલવાની સૂચના આપવામાં આવે છે. તેની પાછળનું કારણ એ છે કે બહારનો કુદરતી પ્રકાશ અંદર આવવાથી મુસાફરો અને ક્રૂ બંને બહારની સ્થિતિનો અંદાજ લગાવી શકે છે. જો પ્લેનના એન્જિન કે પાંખોમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાય તો મુસાફરો બારીમાંથી જોઈને સમયસર ક્રૂને જાણ કરી શકે છે જેથી મોટી દુર્ઘટના ટળી શકે છે.