
અહીં આપણે જે સ્થળની વાત કરી રહ્યા છીએ, તેને તેના ઇતિહાસને કારણે 'સોનાનું શહેર' કહેવામાં આવે છે. આ દુનિયાના સૌથી મોટા 'ગોલ્ડ ટ્રેડિંગ હબ' પૈકીનું એક છે. આ એક એવું સ્થળ છે કે, જ્યાં ડગલેને પગલે સોનું વેચાય છે અને તેનો આખો વેપાર જ આ કિંમતી ધાતુ પર ટકેલો છે.

દુબઈના પ્રખ્યાત દુબઈ ગોલ્ડ સૂકમાં 300થી વધુ દુકાન છે. અહીં સોનાના દાગીના, સિક્કા અને બાર (લગડી) મોટા પ્રમાણમાં વેચાય છે તેમજ આ બજાર પ્રવાસીઓ માટે પણ મોટું આકર્ષણ બની ગયું છે. દુબઈના અર્થતંત્રમાં સોનાનો વેપાર અત્યંત મહત્વની ભૂમિકા ભજવે છે. વિશ્વના કુલ સોનાના વેપારનો લગભગ 15% હિસ્સો દુબઈ સાથે જોડાયેલો માનવામાં આવે છે, જેનાથી શહેરને 'City of Gold' ની ઓળખ મળી છે.

દુબઈ માત્ર સોનાના બજારને કારણે જ નહીં પરંતુ તેની ભવ્ય ઇમારતો, લક્ઝરી હોટલ અને વિશાળ મોલ્સને કારણે પણ 'ગોલ્ડન સિટી'ની છબી ધરાવે છે. અહીંની ચમક-દમક દુનિયાભરના પ્રવાસીઓને આકર્ષે છે.

આ સિવાય જોહાનિસબર્ગને પણ 'City of Gold' કહેવામાં આવે છે. 1880ના દાયકામાં અહીં વિટવોટરસેન્ડ વિસ્તારમાં સોનાની મોટી શોધ થઈ હતી, જેના કારણે આ શહેરનો ઝડપથી વિકાસ થયો. સોનાની ખાણોને કારણે જોહાનિસબર્ગ ટૂંક સમયમાં દક્ષિણ આફ્રિકાની આર્થિક રાજધાની બની ગયું. અહીંની ખાણોએ 20મી સદીમાં વિશ્વના લગભગ અડધા સોનાનું ઉત્પાદન કર્યું હતું. જો કે, હવે મોટાપાયે ખાણકામ ઓછું થઈ ગયું છે પરંતુ જોહાનિસબર્ગમાં આજે પણ સોનાનો ઇતિહાસ સંગ્રહાલયો, જૂના ખાણકામ સ્થળો અને સાંસ્કૃતિક વારસામાં જોવા મળે છે.

દુબઈ અને જોહાનિસબર્ગ બંનેને 'City of Gold' કહેવામાં આવે છે પરંતુ તેના કારણો અલગ-અલગ છે. દુબઈ આધુનિક વેપાર અને લક્ઝરીનું પ્રતીક છે, જ્યારે જોહાનિસબર્ગ સોનાની ઐતિહાસિક શોધ અને આર્થિક વિકાસની વાર્તા કહે છે.