
યુદ્ધ કોણ જાહેર કરે છે - રાષ્ટ્રપતિ - બંધારણીય રીતે, રાષ્ટ્રપતિ ભારતના સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર છે (કલમ 53(2)). પરંતુ તેઓ કોઈપણ યુદ્ધ અથવા શાંતિની ઘોષણા ફક્ત મંત્રીમંડળની સલાહ પર જ કરી શકે છે (કલમ 74) એટલે કે રાષ્ટ્રપતિ ફક્ત ઔપચારિક મહોર લગાવે છે, વાસ્તવિક નિર્ણય વડા પ્રધાન અને મંત્રીમંડળનો હોય છે.

મંત્રીમંડળ - વ્યવહારિક રીતે - વડા પ્રધાનની આગેવાની હેઠળની મંત્રી પરિષદ (કેન્દ્રીય મંત્રીમંડળ) યુદ્ધ જાહેર કરવું કે નહીં તે નક્કી કરે છે. સંરક્ષણ મંત્રાલય, વિદેશ મંત્રાલય અને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ (NSC) આ નિર્ણયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મંત્રીમંડળની લેખિત ભલામણના આધારે રાષ્ટ્રપતિ 'રાષ્ટ્રીય કટોકટી' જાહેર કરી શકે છે.

સંસદ (લોકસભા અને રાજ્યસભા) પાસેથી કોઈ પૂર્વ પરવાનગી લેવામાં આવતી નથી, પરંતુ એકવાર કટોકટી જાહેર થઈ જાય, પછી સંસદે 1 મહિનાની અંદર તેની મંજૂરી આપવી પડે છે. કટોકટીનો સમયગાળો 6 મહિના સુધીનો છે, અને સંસદની મંજૂરીથી તેને દર 6 મહિને લંબાવી શકાય છે.

ભારતે હજુ સુધી કોઈપણ યુદ્ધમાં યુદ્ધની ઔપચારિક ઘોષણા કરી નથી, ફક્ત લશ્કરી કાર્યવાહીથી જ જવાબ આપ્યો છે. ત્યારે વર્તમાન પરિસ્થિતિમાં શું કહે છે તે જણાવીએ તો જો પરિસ્થિતિ વધુ વણસે છે, તો કેબિનેટ રાષ્ટ્રપતિને કલમ 352 હેઠળ 'યુદ્ધ કટોકટી' જાહેર કરવાની સલાહ આપી શકે છે. પરંતુ હાલમાં પરિસ્થિતિ 'લિમિટેડ મિલિટ્રી એન્ગેજમેન્ટ' જેવી છે - યુદ્ધ નહીં, પરંતુ યુદ્ધના એક ડગલું પહેલા.

ભારત અને પાકિસ્તાન ઔપચારિક યુદ્ધની સ્થિતિમાં નથી, પરંતુ પરિસ્થિતિ "ડી ફેક્ટો યુદ્ધ" ની નજીક છે. કોઈપણ ઔપચારિક ઘોષણા વિના પણ લશ્કરી બદલો લઈ શકાય છે, જેમ કે ભારત અત્યાર સુધી કરે છે.
Published On - 11:55 am, Fri, 9 May 25