
US સરકારે વિદ્યાર્થીઓ માટે એરપોર્ટ પ્રવેશ સંબંધિત નિયમો અને જરૂરી માર્ગદર્શિકા જાહેર કરી છે, જેથી ઇમિગ્રેશન દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે. ફોલ ઇન્ટેક માટે યુએસ યુનિવર્સિટીઓમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે અને હવે વિદ્યાર્થીઓ ફ્લાઇટ બુકિંગ, વિઝા પ્રક્રિયા અને દસ્તાવેજોની તૈયારીમાં વ્યસ્ત છે. મોટાભાગના કોર્સ ઓગસ્ટમાં શરૂ થતા હોવાથી વિદ્યાર્થીઓને સમયસર તૈયારી શરૂ કરવાની સલાહ આપવામાં આવે છે. ખાસ કરીને, મુસાફરી પહેલા બધા જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવા અત્યંત જરૂરી છે.

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીના જણાવ્યા મુજબ, વિદ્યાર્થીઓએ પોતાના તમામ મૂળ દસ્તાવેજો હંમેશા હેન્ડ બેગ અથવા કેબિન લગેજમાં જ રાખવા જોઈએ. ચેક-ઇન લગેજમાં મહત્વપૂર્ણ દસ્તાવેજો રાખવાથી એરપોર્ટ પર મુશ્કેલી ઊભી થઈ શકે છે, કારણ કે ઇમિગ્રેશન અથવા સુરક્ષા તપાસ દરમિયાન તે તરત જ બતાવવાની જરૂર પડી શકે છે.

યુએસ મુસાફરી માટે વિદ્યાર્થીઓ પાસે માન્ય પાસપોર્ટ હોવો આવશ્યક છે. પાસપોર્ટમાં જરૂરી વિગતો અને યોગ્ય માન્યતા સમયગાળો હોવો જોઈએ. ઉપરાંત, માન્ય યુએસ સ્ટુડન્ટ વિઝા વગર યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રવેશ આપવામાં આવતો નથી. વિદ્યાર્થીઓએ તેમની યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલું ફોર્મ I-20 પણ સાથે રાખવું ફરજિયાત છે. આ દસ્તાવેજ ‘Certificate of Eligibility for Non-Immigrant Student Status’ તરીકે ઓળખાય છે અને તે વિદ્યાર્થીના અભ્યાસ માટેની સત્તાવાર મંજૂરી દર્શાવે છે.

મુસાફરી પહેલા તમામ દસ્તાવેજોની ઓછામાં ઓછી બે ફોટોકોપી તૈયાર રાખવાની સલાહ આપવામાં આવે છે. એક સેટ પરિવાર પાસે રાખવો અને બીજો સેટ પોતાની સાથે રાખવો વધુ સુરક્ષિત માનવામાં આવે છે. યુએસ એરપોર્ટ પર પહોંચ્યા બાદ વિદ્યાર્થીઓને કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (CBP) અધિકારીઓની તપાસમાંથી પસાર થવું પડે છે. જો તમામ દસ્તાવેજો યોગ્ય હોય અને માહિતી સ્પષ્ટ હોય, તો સામાન્ય રીતે કોઈ મુશ્કેલી ઉભી થતી નથી. એરપોર્ટ પર આગમન બાદ વિદ્યાર્થીઓ માટે Form I-94 આપમેળે જનરેટ થાય છે, જેને Arrival/Departure Record તરીકે ઓળખવામાં આવે છે. આ રેકોર્ડ એ વાતનો પુરાવો છે કે વિદ્યાર્થી કાયદેસર રીતે યુએસમાં પ્રવેશ્યો છે.

ઇમિગ્રેશન કાઉન્ટર પર CBP અધિકારી વિદ્યાર્થીના પાસપોર્ટ પર સ્ટેમ્પ લગાવે છે, જેમાં પ્રવેશ તારીખ, વિઝાનો પ્રકાર અને રોકાણની મંજૂર સમયમર્યાદા દર્શાવવામાં આવે છે. જો અધિકારીઓને દસ્તાવેજો અથવા માહિતી અંગે શંકા થાય, તો વિદ્યાર્થીને Secondary Inspection માટે અલગ ઇન્ટરવ્યુ વિસ્તારમાં મોકલવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં ગભરાવાની જરૂર નથી. અધિકારીઓ દ્વારા પૂછાયેલા પ્રશ્નોના સાચા અને સ્પષ્ટ જવાબ આપવાથી પ્રક્રિયા સરળ બની રહે છે.

જો કોઈ જરૂરી દસ્તાવેજ અધૂરા હોય, તો અધિકારી Form I-515A જાહેર કરી શકે છે. આ સ્થિતિમાં વિદ્યાર્થીને તાત્કાલિક પ્રવેશ તો આપવામાં આવે છે, પરંતુ 30 દિવસની અંદર જરૂરી દસ્તાવેજો સબમિટ કરવાનું ફરજિયાત બને છે. સમયસર કાર્યવાહી ન કરવાથી કાનૂની સ્થિતિ પર અસર પડી શકે છે.

યુનાઇટેડ સ્ટેટ્સમાં પહોંચ્યા બાદ વિદ્યાર્થીઓએ કેટલીક મહત્વપૂર્ણ જવાબદારીઓ પણ નિભાવવી પડે છે. નિયમો અનુસાર, વિદ્યાર્થીએ પોતાના Form I-20 પર દર્શાવેલી કોર્સ શરૂ થવાની તારીખથી વધુમાં વધુ 30 દિવસ પહેલા યુએસમાં પ્રવેશ કરવો જોઈએ. કોલેજ પહોંચ્યા બાદ તરત જ Designated School Official (DSO) ને જાણ કરવી આવશ્યક છે. ત્યારબાદ DSO વિદ્યાર્થીનો SEVIS રેકોર્ડ અપડેટ કરે છે, જે યુએસમાં કાયદેસર રીતે રહેવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ પ્રક્રિયા છે.