શિવરાત્રી પર્વ પર મહાદેવના દર્શન કરવાનું આગવુ મહત્ત્વ છે. ત્યારે દ્વારકા પાસે આવેલા નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે પણ શ્રદ્ધાળુઓ દૂર દૂરથી આવતા હોય છે. તમે આ મંદિરે બસ, ટ્રેન મારફતે દ્વારકા સુધી પહોંચી શકો છો. ત્યારબાદ લોકલ ટેક્સી દ્વારા મંદિર જઈ શકો છો. નાગેશ્વર મંદિર સવારે 5 થી બપોરે 1 વાગ્યા સુધી ખુલ્લુ રહે છે. ત્યારબાદ બપોરે 3 થી રાત્રે 9 વાગ્યા સુધી ભક્તો મહાદેવના દર્શન કરી શકે છે.
નાગેશ્વર મંદિરથી આશરે 20 કિલો મીટર દૂર દ્વારકા મંદિર આવેલુ છે. દ્વારકા મંદિરને ચાર ધામમાંથી એક ધામ તરીકે ઓળખવામાં આવે છે. અહીં ભગવાન કૃષ્ણને સમર્પિત કરવામાં આવ્યું છે. જ્યાં તમે સવારે 6 થી 9 વાગ્યા સુધી દર્શન કરી શકો છો.
તમે બેટ દ્વારકાની મુલાકાત પણ લઈ શકો છો. બેટ દ્વારકા નાગેશ્વરથી આશરે 30થી 35 કિમી દૂર આવેલું છે. ત્યાં તમે બસ અને સ્થાનિક રિક્ષા દ્વારા પણ પહોંચી શકો છો.
નાગેશ્વરથી 25 કિલોમીટર દૂર રુક્મિણી મંદિરમાં દર્શન કરવા જઈ શકો છો. રુક્મિણી મંદિરમાં તમે સવારે 6થી રાત્રે 8 વાગ્યા સુધી દર્શન કરી શકો છો. આ ઉપરાંત ગોમતી ઘાટની મુલાકાત પણ તમે લઈ શકો છો.
દ્વારકાના દરિયાકાંઠાના પ્રદેશની નજીક આવેલા મરીન નેશનલ પાર્કની મુલાકાત પણ લઈ શકો છો. જે નાગેશ્વરથી આશરે 45 થી 50 કિલો મીટરના અંતરે આવેલું છે. આ મરીન નેશનલ પાર્કમાં તમે બોટ રાઈડ્સ અને દરિયાઈ જીવોને નિહાળી શકો છો. અહીં આશરે એન્ટ્રી ફી 50 થી 100 રુપિયા છે.