
ગુજરાતથી પંજાબ અને હરિયાણા સુધી માલસામાન પહોંચાડવા માટે ભારતીય રેલવે નવી પરિવહન વ્યવસ્થા વિકસાવવાની દિશામાં આગળ વધી રહી છે. આ યોજના અંતર્ગત ગુજરાતનાં બંદરો અને ઉત્તર ભારતનાં વેપારી કેન્દ્રો વચ્ચે રેલવે કનેક્ટિવિટી મજબૂત બનાવવાની ચર્ચા થઈ છે. તેનાથી માલની હેરફેર વધુ વ્યવસ્થિત બની શકે છે.

ગુજરાત, પંજાબ અને હરિયાણા વચ્ચે વેપાર વધારવા Trade Meet 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન, ઉત્તર રેલવેના અંબાલા અને ફિરોઝપુર ડિવિઝનના અધિકારીઓ ઉપરાંત વેપારીઓ અને ઉદ્યોગકારોએ ભાગ લીધો હતો. બેઠકમાં સસ્તા અને ઝડપી માલ પરિવહન માટે વિવિધ સૂચનો પર ચર્ચા કરવામાં આવી હતી.

ગુજરાતનાં કંડલા, મુન્દ્રા અને ટુણા-ટેકરા બંદરો ઉત્તર ભારતના વેપાર માટે મહત્વપૂર્ણ બની શકે છે. આ બંદરોને પંજાબ અને હરિયાણાનાં બજારો સાથે જોડવાથી આયાતી માલને ઉત્તર ભારત સુધી પહોંચાડવામાં સરળતા થઈ શકે છે. સાથે જ ઉત્તર ભારતનાં કૃષિ અને ઔદ્યોગિક ઉત્પાદનોને ગુજરાતનાં બંદરો સુધી લાવવાની તક પણ વધશે.

રેલવેની યોજનામાં દ્વિમાર્ગી માલ પરિવહન (Two-Way Freight Transportation) પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. ઘણી વખત માલગાડીઓ એક તરફ માલ લઈને જાય છે અને પરત ફરતી વખતે ખાલી આવે છે. આ સમસ્યા ઘટાડવા બંને દિશામાં માલની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેનાથી રેલવેની પરિવહન ક્ષમતાનો વધુ સારો ઉપયોગ થઈ શકે છે.

પંજાબ અને હરિયાણા કૃષિ ઉત્પાદનો માટે જાણીતા છે. આ રાજ્યોમાંથી ગુજરાત તરફ ચોખા, બટાકા, અનાજ અને નિકાસ માટેના કન્ટેનર લાવવાની સંભાવનાઓ પર ચર્ચા કરવામાં આવી છે. રેલવે મારફતે આ ઉત્પાદનોનું પરિવહન વધુ વ્યવસ્થિત બને તો વેપારીઓને માલની હેરફેરમાં સરળતા મળી શકે છે અને ગુજરાતના બજારોને પણ ફાયદો થઈ શકે છે.

ગુજરાતથી પંજાબ અને હરિયાણા તરફ આયાતી લાકડું, મીઠું, ખાતર, ઔદ્યોગિક ઉત્પાદનો અને આયાતી કન્ટેનર મોકલવાની સંભાવનાઓ છે. ગુજરાતના ઔદ્યોગિક વિસ્તારો અને બંદરોને ઉત્તર ભારતનાં બજારો સાથે જોડવાથી વેપાર માટે નવી તકો ઊભી થઈ શકે છે. આ વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ બંને તરફ માલનું નિયમિત પરિવહન વધારવાનો છે.

આ યોજનાથી ખેડૂતોને પોતાનો માલ મોટા બજારો સુધી પહોંચાડવાની નવી તક મળી શકે છે. વેપારીઓ અને ઉદ્યોગકારો માટે લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવાની સંભાવના છે. સાથે જ રેલવે, વેરહાઉસિંગ કોર્પોરેશન અને લોજિસ્ટિક્સ કંપનીઓ વચ્ચે સંકલન વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. જોકે, આ યોજના ક્યારથી અમલમાં આવશે તેની ચોક્કસ તારીખ હજુ જાહેર થઈ નથી.
Published On - 9:34 am, Sat, 21 November 26