
કડકડતી ઠંડી, ઠંડો બરફ જેવો પવન અને એકદમ શાંત વાતાવરણ ધરાવતા આ રાજ્યમાં રહેવું અત્યંત મુશ્કેલ અને પડકારજનક છે. અહીંના લોકોનું જીવન સંઘર્ષ અને હિંમતનું ઉદાહરણ છે. તેઓ પ્રકૃતિની કઠોર પરિસ્થિતિને માત્ર સહન કરતા નથી પણ તેની સાથે સરળતાથી જોડાઈને જીવન જીવતા શીખી ગયા છે.

વાત એમ છે કે, દ્રાસ ભારતનું સૌથી ઠંડું વસ્તી ધરાવતું ગામ છે. આને લદ્દાખના પ્રવેશદ્વાર તરીકે ઓળખવામાં આવે છે. આ ગામ નેશનલ હાઇવે 1 પર 'ઝોજી લા દર્રો' અને 'કારગિલ' શહેર વચ્ચે આવેલું છે, જેના કારણે તે લેહ તરફ જતા પ્રવાસીઓ માટે એક આકર્ષક સ્થળ બની ગયું છે.

દ્રાસને સાઇબિરીયામાં ઓમ્યાકોન પછીનું વિશ્વનું બીજું સૌથી ઠંડું વસ્તી ધરાવતું સ્થળ માનવામાં આવે છે. અહીં શિયાળાનું સરેરાશ તાપમાન -20°C થી -25°C જેટલું હોય છે, જેનું ન્યૂનતમ તાપમાન જાન્યુઆરી 1995 માં -60°C નોંધાયું હતું. વધુમાં, અહીંના લોકોને ભારે હિમવર્ષા અને જોરદાર પવનનો સામનો કરવો પડે છે.

મળતી માહિતી મુજબ, દ્રાસમાં આશરે 22,000 લોકો રહે છે, જેમાંથી મોટાભાગના લોકો શિના-ભાષી ડાર્ડિક સમુદાયના છે. અહીં ઘરો મોટા પથ્થરની દિવાલોથી અને લાકડાથી બનાવવામાં આવેલ છે. આ સાથે જ પરંપરાગત કપડાં ઊન અને ફરના સ્તરોથી બનાવવામાં આવેલ છે.

અહીંનું જીવન ખેતી, પશુપાલન અને પર્યટનની આસપાસ ફરતું રહે છે. ઉનાળામાં ખીણ એક લીલાછમ લેન્ડસ્કેપમાં બદલાઈ જાય છે, જેથી ત્યાંના સ્થાનિકો જવ, બટાકા અને વટાણા ઉગાડી શકે છે. દ્રાસ માત્ર ઠંડી માટે જ નહીં પણ કુદરતી સૌંદર્ય અને એકાંત શોધનારાઓ માટેનું એક આશ્રયસ્થાન છે.

દ્રાસ માત્ર તેની કડકડતી ઠંડી માટે જ નહીં પરંતુ પ્રાકૃતિક સૌંદર્ય અને શાંતિ શોધનારાઓ માટે પણ સ્વર્ગ સમાન છે. દ્રાસ ઘાટીમાં બરફથી ઢંકાયેલી પહાડીઓ, આલ્પાઇન મેદાનો અને હિમમય નદીઓના સુંદર દ્રશ્યો જોવા મળે છે. ટ્રેકિંગ અને સાહસપ્રેમી મુસાફરો અમરનાથ, સુરૂ ઘાટી અને મુસ્કોહ ઘાટી જેવા અભિયાનો માટે દ્રાસને આધાર કેન્દ્ર તરીકે ઉપયોગ કરે છે.

કારગિલ યુદ્ધ ક્ષેત્રની નજીક હોવાને કારણે આ શહેર ઐતિહાસિક મહત્વ પણ ધરાવે છે. નજીકના ટોલોલિંગમાં સ્થિત કારગિલ યુદ્ધ સ્મારક, ભારત અને પાકિસ્તાન વચ્ચેના વર્ષ 1999 ના યુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપે છે.

દ્રાસ પહોંચવું મુશ્કેલ કાર્ય છે. અહીંયા સૌથી નજીકનું એરપોર્ટ લેહમાં છે, જે લગભગ 150 કિલોમીટર દૂર છે અને રોડ દ્વારા મુસાફરી કરવા માટે ખતરનાક 'ઝોજી લા પાસ' પાર કરવો પડે છે, જે શિયાળા દરમિયાન ભારે હિમવર્ષાને કારણે ઘણીવાર બંધ રહે છે.
Published On - 4:56 pm, Fri, 21 November 25