
ટાટા ટેક્નોલોજીસે સોમવારે શેરબજાર બંધ થયા બાદ તેના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ પરિણામોની સાથે રોકાણકારો માટે ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો નફો 204 કરોડ રૂપિયા રહ્યો છે, જે પાછલા ક્વાર્ટરના 7 કરોડ રૂપિયાની સરખામણીએ ઘણો વધારે છે.

ટાટા ગ્રુપની આ કંપનીએ જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2026ના ચોથા ક્વાર્ટરમાં કંપનીની આવક 15.1 ટકા વધીને 1572 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે, જે અગાઉના ક્વાર્ટરમાં 1366 કરોડ રૂપિયા હતી.

વધુમાં EBIT 30.9 ટકાના ઉછાળા સાથે 205 કરોડ રૂપિયા પર પહોંચ્યું છે, જે અગાઉ 157 કરોડ રૂપિયા હતું. કંપનીનું EBIT માર્જિન પણ ક્વાર્ટર દર ક્વાર્ટર વધીને 13.1 ટકા થયું છે, જે પહેલા 11.5 ટકા પર હતું. મજબૂત પરિણામોની વચ્ચે કંપનીએ શેરધારકોને પ્રતિ શેર કુલ 11.70 રૂપિયાનું ફાઈનલ ડિવિડન્ડ આપવાની ભલામણ પણ કરી છે.

એક્સચેન્જ ફાઇલિંગમાં કંપનીએ જણાવ્યું હતું કે, 31 માર્ચ 2026ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષ માટે શેરધારકોને ડિવિડન્ડ આપવાની ભલામણ કરવામાં આવી છે. કંપનીએ પ્રતિ શેર 8.35 રૂપિયાનું ફાઈનલ ડિવિડન્ડ અને પ્રતિ શેર 3.35 રૂપિયાનું વન-ટાઇમ (સ્પેશિયલ) ડિવિડન્ડ જાહેર કર્યું છે, જેનાથી કુલ ડિવિડન્ડ પ્રતિ ઇક્વિટી શેર (2 રૂપિયા ફેસ વેલ્યુ) 11.70 રૂપિયા થાય છે.

કંપનીએ જણાવ્યું હતું કે, આ ડિવિડન્ડ ટેક્સને આધીન રહેશે અને તેને શેરધારકોની મંજૂરી માટે AGMમાં રજૂ કરવામાં આવશે. જો AGMમાં તેને મંજૂરી મળી જશે, તો મીટિંગ પૂરી થયાના 30 દિવસની અંદર ડિવિડન્ડની ચુકવણી કરવામાં આવશે. સોમવારે કંપનીનો શેર 1.83 ટકાની તેજી સાથે 592 રૂપિયા પર બંધ થયો હતો. છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરમાં 11.12 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.