
સ્ટારલિંક અને જિયો પછી હવે ભારતનું પ્રતિષ્ઠિત ટાટા ગ્રુપ સેટેલાઇટ ઇન્ટરનેટ ક્ષેત્રે પદાર્પણ કરવા જઈ રહ્યું છે. અહેવાલો અનુસાર, નેલ્કો ભારતમાં વર્ષ 2028 સુધીમાં પોતાની D2D સેવા શરૂ કરી શકે છે. એટલું જ નહીં, કંપની આ વર્ષના અંત સુધીમાં તેનું ટ્રાયલ શરૂ કરવાની યોજના ધરાવે છે અને આ સેટેલાઇટ સેવાઓ ભારત ઉપરાંત બાંગ્લાદેશ અને શ્રીલંકા જેવા પડોશી દેશોના બજારો સુધી પહોંચાડવાની પણ તૈયારી છે. હાલમાં સમગ્ર વિશ્વમાં 6G ટેક્નોલોજી કરતાં પણ વધુ ચર્ચા અને ભાર D2D સર્વિસ પર મૂકવામાં આવી રહ્યો છે.

જિયો અને સ્ટારલિંક બાદ મુસાફરોને મળશે નવો વિકલ્પ: ભારતમાં હાલ સેટેલાઇટ ઇન્ટરનેટ સેવાઓ શરૂ થઈ નથી. ઘણી મોટી કંપનીઓએ સ્પેક્ટ્રમ અને મંજૂરી માટે અરજીઓ કરેલી છે, જેમાં ઈલોન મસ્કની સ્ટારલિંક, મુકેશ અંબાણીની રિલાયન્સ જિયો અને એરટેલ-સમર્થિત વનવેબ સામેલ છે. હવે ટાટાની નેલ્કોના પ્રવેશથી આ ક્ષેત્રમાં સ્પર્ધા વધુ રસપ્રદ બનશે અને ભારતીય યુઝર્સને વધુ એક મજબૂત વિકલ્પ મળશે.

સીધી સ્પર્ધા કરવાના બદલે ભાગીદારી કરશે ટાટા: મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટાટા ટેલિકોમ ઓપરેટરો સાથે સીધી સ્પર્ધા કરવાના બદલે તેમની સાથે ભાગીદારી કરીને કામ કરવાની રણનીતિ ધરાવે છે. સરળ શબ્દોમાં કહીએ તો નેલ્કો સીધા સામાન્ય ગ્રાહકોને રિટેલ સેવા આપવાના બદલે ટેલિકોમ કંપનીઓ સાથે મળીને કામ કરશે. કંપનીનું મુખ્ય ધ્યાન બિઝનેસ-ટુ-બિઝનેસ (B2B) અને બિઝનેસ-ટુ-ગવર્નમેન્ટ (B2G) પર રહેશે. નેલ્કો મોબાઇલ કનેક્ટિવિટી, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT) અને સ્માર્ટ એગ્રીકલ્ચર જેવા મહત્વના ક્ષેત્રોમાં સેટેલાઇટ સેવા પૂરી પાડશે.

D2D સર્વિસથી સામાન્ય નાગરિકોને શું ફાયદો થશે?: દેશના ઘણા એવા અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારો છે જ્યાં મોબાઇલ ટાવર ઊભા કરવા ખૂબ મુશ્કેલ અથવા અત્યંત ખર્ચાળ છે. D2D સર્વિસમાં ટાવરની જરૂરિયાત રહેતી નથી. અંતરિક્ષમાં ભ્રમણકક્ષામાં ફરતા ઉપગ્રહોમાંથી સિગ્નલ સીધા જ મોબાઇલ ડિવાઇસ પર પહોંચે છે. પરિણામે વ્યક્તિ દેશના કોઈપણ ખૂણે હોય કે પહાડી વિસ્તારમાં હોય, તેને અવિરત નેટવર્ક કનેક્ટિવિટી મળતી રહે છે. નેલ્કોના પી.જે. નાથના જણાવ્યા મુજબ, આગામી 7 થી 10 વર્ષમાં D2D સેટેલાઇટ કોમ્યુનિકેશન ઉદ્યોગનો મુખ્ય આધારસ્તંભ બની જશે.

સ્ટારલિંક અને જિયોથી કેવી રીતે અલગ હશે ટાટાનું મોડેલ?: સ્ટારલિંક અને જિયો સામાન્ય ગ્રાહકોને સીધા પોતાનું સેટેલાઇટ નેટવર્ક પૂરું પાડવાની તૈયારી કરી રહ્યા છે. જ્યારે ટાટા રિટેલ માર્કેટમાં 'નેલ્કો' કે 'ટાટા સેટેલાઇટ' નામે અલગ બ્રાન્ડ ઊભી નહીં કરે. કંપની એરટેલ કે વોડાફોન-આઇડિયા જેવી હાલની ટેલિકોમ કંપનીઓ સાથે જોડાણ કરશે. જ્યારે કોઈ મુસાફર એવા નેટવર્ક-વિહીન વિસ્તારમાં પહોંચશે જ્યાં મોબાઇલ ટાવર નહીં હોય, ત્યારે તેનું સિમ કાર્ડ આપમેળે નેલ્કોના સેટેલાઇટ નેટવર્ક સાથે જોડાઈ જશે.