
ઘરની છત પર લગાવેલી સોલાર પેનલ એક ઉત્તમ રોકાણ માનવામાં આવે છે, કારણ કે તેનાથી વીજળીનું બિલ ઘટે છે અને ઘરની કિંમતમાં પણ વધારો થઈ શકે છે. છત પર હોવાને કારણે તે મોટાભાગે લોકોની નજરે ચડતી નથી અને તેની તરફ કોઈનું ધ્યાન પણ જતું નથી. જોકે, છત પર ખુલ્લા આકાશ નીચે હોવાથી વાવાઝોડું, ભારે પવન, વરસાદ, બરફ અને કરા પડવાની સૌથી ખરાબ અસર તેના પર જ પડે છે.

આધુનિક સમયની મોટાભાગની રૂફટોપ સોલાર પેનલ વોટરપ્રૂફ હોય છે અને તે ભારે પવન તેમજ હવામાં ઊંચી ઝડપે ફેંકાતા મોટા કરાની ટક્કર સહન કરી શકે તે રીતે ડિઝાઇન કરવામાં આવેલી હોય છે. વાવાઝોડાની વધુ સંભાવના ધરાવતા વિસ્તારોમાં તેના માટે વધુ કડક ધોરણો હોય છે. આથી, પેનલ લગાવતી વખતે યોગ્ય સાવચેતી રાખવી અનિવાર્ય બને છે.

વાવાઝોડાથી સોલાર પેનલ બચાવવાની શ્રેષ્ઠ રીત: સોલાર પેનલને સુરક્ષિત રાખવા માટેનું સૌથી મોટું રહસ્ય તેનું યોગ્ય અને મજબૂત ઇન્સ્ટોલેશન છે. ભલે પેનલ પોતે પવનની ચોક્કસ ઝડપ સહન કરવાની ક્ષમતા ધરાવતી હોય, પરંતુ તેને ટેકો આપતા તમામ સાધનો (માઉન્ટ્સ અને સ્ટેન્ડ) યોગ્ય રીતે ફીટ થયેલા હોવા જોઈએ અને તે ખરાબ હવામાન સામે ટકી શકે તે ચકાસવું જરૂરી છે. યોગ્ય પેનલ અને માઉન્ટ્સના સાચા જોડાણથી સમગ્ર સેટઅપ મકાનના અન્ય ભાગો જેટલું જ મજબૂત બની રહે છે.

પવનમાં ઊડીને આવતી ભારે વસ્તુઓ પહોંચાડે છે મોટું નુકસાન: વર્ષ 2017માં આવેલા વાવાઝોડા પર વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં સામે આવ્યું હતું કે કેરેબિયનમાં જે સોલાર પેનલ વાવાઝોડા સામે ટકી રહી અને જે તૂટીને વહી ગઈ, તેમની વચ્ચે કેટલાક મુખ્ય તફાવતો હતા:

ખરાબ થયેલી સિસ્ટમ્સ: જે સિસ્ટમ્સને નુકસાન થયું હતું, તેમાં છત સાથે નબળું કનેક્શન, ખુદ છતની ખરાબ સ્થિતિ અને બહારથી વસ્તુઓ અથડાવા જેવી મુખ્ય ખામીઓ હતી. પેનલ કરાનો સામનો કરી શકે છે, પરંતુ હવામાં ઊડીને આવતી ઝાડની ડાળીઓ કે અન્ય તૂટેલી પેનલના ટુકડા તેના પર પડવાથી ભારે નુકસાન થાય છે.

ટકી ગયેલી સિસ્ટમ્સ: જે સોલાર પેનલ્સને બોલ્ટથી મજબૂતીથી બાંધવામાં આવી હતી, મજબૂત ક્લિપ્સ લગાવવામાં આવી હતી અને જેમની સંરચના તેજ પવન તેમજ આંચકા સહન કરવા યોગ્ય માપ-સાધનોથી તૈયાર કરાઈ હતી, તે વાવાઝોડા વચ્ચે પણ સંપૂર્ણ સુરક્ષિત રહી હતી.

નુકસાનથી બચવા માટે પ્રોફેશનલ દ્વારા આટલું ચોક્કસ કરાવો: પ્રોફેશનલ તપાસ: સમય-સમય પર કોઈ ટેકનિકલ નિષ્ણાત પાસે ચકાસણી કરાવો કે પેનલના સ્ટેન્ડ, માઉન્ટ્સ અને છત સાથેનું જોડાણ મજબૂત છે કે નહીં. ગુણવત્તાયુક્ત પેનલની પસંદગી: વાવાઝોડા સંભવિત વિસ્તારો માટે નક્કી કરાયેલા તમામ ટેકનિકલ માપદંડો પૂર્ણ કરતી હોય તેવી ઉચ્ચ ગુણવત્તાવાળી પેનલ જ પસંદ કરો. ઝાડની ડાળીઓનું ટ્રિમિંગ: છતની આસપાસ આવેલા વૃક્ષોની ડાળીઓ સમયાંતરે કાપતા રહો, જેથી તોફાન વખતે ભારે ડાળીઓ તૂટીને સીધી પેનલ પર ન પડે.