
4 મેના રોજ પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો જાહેર થયા, જેમાં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુના પરિણામોએ પરિવર્તનની એક નવી લહેર લાવી દીધી છે. ભારતીય જનતા પાર્ટી (BJP) એ પ્રથમ વખત મજબૂત બહુમતી સાથે પશ્ચિમ બંગાળમાં પોતાની સરકાર બનાવી છે. 293 બેઠક પર યોજાયેલી ચૂંટણીમાં BJP એ 206 બેઠકો પર જીત મેળવી અને મમતા બેનર્જીની TMC માત્ર 81 બેઠક પર સમેટાઈ ગઈ. બીજી તરફ, અભિનેતા વિજયની પાર્ટી તમિલગા વેટ્રી કઝગમ (TVK) દ્વારા પણ વિધાનસભા ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કરવામાં આવ્યું છે. વિજયની પાર્ટી TVK 108 બેઠક જીતીને સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી છે.

પશ્ચિમ બંગાળ અને તમિલનાડુના ચૂંટણી પરિણામોએ બજારને એક મહત્વપૂર્ણ સંકેત આપ્યો છે કે, હવે ફોકસ સ્પષ્ટપણે પોલિસી કન્ટીન્યુટી, કેપેક્સ (CapEx) અને ડેવલપમેન્ટ-ડ્રિવન ગ્રોથ પર શિફ્ટ થઈ રહ્યું છે. પશ્ચિમ બંગાળમાં સત્તાના સમીકરણોમાં મોટો ફેરફાર અને તમિલનાડુમાં નવી રાજકીય શક્તિનું ઉભરવું રોકાણકારો માટે સંભવિત 'રી-રેટિંગ ટ્રિગર' બની શકે છે. બજાર સામાન્ય રીતે આવા ફેરફારોને પોઝિટિવ માને છે, ખાસ કરીને જ્યારે તેનાથી રોકાણ અને ઔદ્યોગિક પ્રવૃત્તિ વધવાની અપેક્ષા હોય. એવામાં મોતીલાલ ઓસવાલે જણાવ્યું છે કે, આ ચૂંટણીઓની દેશની ઇકોનોમી અને શેરબજાર પર શું અસર પડશે.

પશ્ચિમ બંગાળ લાંબા સમયથી ઔદ્યોગિક રોકાણની બાબતમાં પાછળ રહ્યું છે પરંતુ નવી સરકાર સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન્યુફેક્ચરિંગ પર ફોકસ વધવાની અપેક્ષા છે. રોડ, પોર્ટ, લોજિસ્ટિક્સ અને અર્બન ઇન્ફ્રા પ્રોજેક્ટ્સમાં તેજી આવવાથી કેપિટલ ગુડ્સ કંપનીઓની ઓર્ડર બુક મજબૂત થઈ શકે છે. આ થીમ પર Larsen & Toubro, NBCC અને KNR Constructions જેવા સ્ટોક્સ ફોકસમાં રહી શકે છે.

ઇન્ફ્રા અને MSME પ્રવૃત્તિ વધવાની સીધી અસર ક્રેડિટ ડિમાન્ડ પર પડે છે. આવી સ્થિતિમાં બેંકિંગ અને NBFC સેક્ટરમાં ગ્રોથ પિકઅપ જોવા મળી શકે છે. ખાસ કરીને State Bank of India અને ICICI Bank જેવી મોટી બેંકો તેમજ રિજનલ પ્લેયર્સ આ ટ્રેન્ડથી ફાયદો ઉઠાવી શકે છે.

કેપિટલ એક્સપેન્ડિચર સાયકલમાં તેજીનો સૌથી વધુ ફાયદો મેટલ અને સિમેન્ટ કંપનીઓને મળે છે. જો નવા પ્રોજેક્ટ્સની જાહેરાત અને અમલીકરણ ઝડપી બને છે, તો સ્ટીલ અને સિમેન્ટની માંગ વધશે. આ થીમ પર Tata Steel, JSW Steel અને UltraTech Cement જેવા સ્ટોક્સ પર નજર રાખવી જરૂરી રહેશે.

તમિલનાડુ પહેલેથી જ ઓટો, ઇલેક્ટ્રોનિક્સ અને આઈટીનું મોટું હબ છે. એવામાં નવી રાજકીય પાર્ટી જો ઔદ્યોગિક નીતિને વધુ પ્રોત્સાહન આપે છે, તો મેન્યુફેક્ચરિંગ રોકાણમાં તેજી આવી શકે છે. આનાથી સપ્લાય ચેઈન, ઇલેક્ટ્રોનિક્સ અને નિકાસ આધારિત કંપનીઓને ફાયદો થઈ શકે છે. ચૂંટણી પરિણામોનો વ્યાપક સંદેશ એ છે કે, રોકાણકારો હવે 'પરફોર્મન્સ-ડ્રિવન પોલિટિક્સ'ને ધ્યાનમાં લઈ રહ્યા છે. આનાથી લાંબાગાળે કેપેક્સ સાયકલ મજબૂત થવાની અને કોર્પોરેટ અર્નિંગ્સમાં સુધારાની અપેક્ષા છે. જો કે, શોર્ટ ટર્મમાં પશ્ચિમ એશિયાનો તણાવ, ક્રૂડના ભાવ અને વૈશ્વિક સંકેતો બજારની દિશા નક્કી કરશે.