
આટલું જ નહી સોનાના ભાવની સાથે ચાંદીના ભાવમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. શુક્રવારે ચાંદી 1100 રૂપિયા વધીને ફરી એકવાર 1,08,100 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગઈ હતી.

એમસીએક્સ (મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ) પર ઓગસ્ટ ડિલિવરી માટે સોનાનો વાયદો 2011 રૂપિયા વધીને 1,00,403 રૂપિયા પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો. જો કે, બાદમાં તેમાં થોડો ઘટાડો થયો હતો અને તે 10 ગ્રામ દીઠ 99,906 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો.

મહેતા ઇક્વિટીઝના વાઇસ પ્રેસિડેન્ટ (કોમોડિટીઝ) રાહુલ કલાન્ત્રીના જણાવ્યા અનુસાર, ઇઝરાયલ દ્વારા ઇરાન પર લશ્કરી હુમલાથી મધ્ય પૂર્વમાં તણાવ વધ્યો છે. આનાથી વિશ્વભરના રોકાણકારોમાં ભયનું વાતાવરણ ઉભું થયું છે અને તેઓ સોના જેવા સલામત વિકલ્પો તરફ વળ્યા છે.

આ ઉપરાંત, યુએસમાં વેપાર નીતિઓ અંગે અનિશ્ચિતતા અને ટેરિફ અંગે રાષ્ટ્રપતિ ટ્રમ્પના મજબૂત સંકેતોને કારણે પણ રોકાણકારો જોખમથી દૂર રહ્યા હતા. બીજીબાજુ હવે બજારમાં એવી અપેક્ષા વધી રહી છે કે, ફેડરલ રિઝર્વ ટૂંક સમયમાં વ્યાજ દરોમાં ઘટાડો કરી શકે છે, જેનાથી સોનાની માંગમાં વધુ વધારો થઈ શકે છે.

કોટક સિક્યોરિટીઝના કાયનત ચૈનવાલા (AVP-કોમોડિટી રિસર્ચ)એ જણાવ્યું હતું કે, રોકાણકારો હવે મિશિગન યુનિવર્સિટીના રિપોર્ટ પર નજર રાખી રહ્યા છે. રોકાણકારોની નજર ખાસ કરીને ફુગાવાના ડેટા પર છે. કેમ કે, આ માહિતીથી સોનાના ભાવ અને નાણાકીય નીતિ વિશેના સંકેત મળી શકે છે.