
આર્જેન્ટિનાના ફૂટબોલ સુપરસ્ટાર લિયોનેલ મેસ્સીના ભારત પ્રવાસને અંતિમ મંજૂરી મળી ગઈ છે. આ ત્રણ દિવસીય પ્રવાસ 12 ડિસેમ્બર, 2025ના રોજ કોલકાતાથી શરૂ થશે. મેસ્સીનો પ્રવાસ 'GOAT ટૂર ઓફ ઈન્ડિયા 2025' તરીકે ઓળખાશે, જેમાં તે કોલકાતા પછી અમદાવાદ, મુંબઈ અને દિલ્હીની મુલાકાત લેશે.

2011 પછી લિયોનેલ મેસ્સીનો આ પહેલો ભારત પ્રવાસ હશે. 2011માં તેણે સોલ્ટ લેક સ્ટેડિયમમાં વેનેઝુએલા સામે ફ્રેન્ડલી મેચ રમી હતી. આ વખતે તેનો ઉદ્દેશ્ય ફક્ત ફૂટબોલ ચાહકોને મળવાનો જ નહીં પરંતુ ભારતીય યુવાનોને પ્રેરણા આપવાનો પણ છે.

મેસ્સીનો પ્રવાસ 15 ડિસેમ્બરે નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત સાથે સમાપ્ત થશે, જે આ પ્રવાસની સૌથી મોટી ક્ષણ હશે. મેસ્સી 28 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર દરમિયાન સોશિયલ મીડિયા પર તેનું સત્તાવાર પોસ્ટર અને પ્રવાસ વિશેની સંપૂર્ણ માહિતી શેર કરશે.

મેસ્સી 12 ડિસેમ્બરે રાત્રે કોલકાતા પહોંચશે. 13 ડિસેમ્બરે ઈડન ગાર્ડન્સ અથવા સોલ્ટ લેક સ્ટેડિયમ ખાતે આયોજિત 'GOAT કોન્સર્ટ' અને 'GOAT કપ'માં મેસ્સી સાત ખેલાડીઓની ટીમ સાથે સોફ્ટ ટચ મેચ રમશે. જેમાં ગાંગુલી, લિએન્ડર પેસ, જોન અબ્રાહમ અને બૈચુંગ ભૂટિયા જેવા દિગ્ગજો ભાગ લેશે.

13 ડિસેમ્બરે સાંજે મેસ્સી અમદાવાદમાં હશે, જ્યાં તે અદાણી ફાઉન્ડેશનના એક ખાનગી કાર્યક્રમમાં હાજરી આપશે. આ પછી, તે 14 ડિસેમ્બરે મુંબઈ પહોંચશે, જ્યાં CCI બ્રેબોર્ન ખાતે બપોરે 3:45 વાગ્યે 'મીટ એન્ડ ગ્રીટ' અને વાનખેડે સ્ટેડિયમ ખાતે સાંજે 5:30 વાગ્યે 'GOAT કપ' અને કોન્સર્ટ યોજાશે.

મુંબઈમાં એક ખાસ મુંબઈ પેડલ GOAT કપનું પણ આયોજન કરવામાં આવશે, જેમાં શાહરૂખ ખાન અને લિએન્ડર પેસ જેવા સ્ટાર્સ મેસ્સી સાથે 5-10 મિનિટ રમી શકશે. 'GOAT કેપ્ટન્સ મોમેન્ટ'માં સચિન, ધોની, રોહિત, રણવીર સિંહ, આમિર ખાન અને ટાઈગર શ્રોફ મેસ્સી સાથે પણ રમી શકે છે.

15 ડિસેમ્બરે, મેસ્સી નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. બપોરે 2:15 વાગ્યે ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમમાં 'GOAT કપ' અને કોન્સર્ટમાં હાજરી આપશે. જ્યાં કોહલી અને શુભમન હાજર રહી શકે છે. આ પ્રવાસ દરમિયાન મેસ્સી બાળકો સાથે માસ્ટર ક્લાસ ચલાવશે, જેનાથી ભારતીય ફૂટબોલને નવી દિશા મળવાની અપેક્ષા છે. (All Photo Credit : PTI / GETTY)