
એશિયન ગેમ્સની ગોલ્ડ મેડલ મેચમાં સ્મૃતિ મંધાના ભલે સદી ચૂકી ગઈ હોય પણ પોતાની 45 બોલમાં 79 રનની ઈનિંગ દરમિયાન તેણે એક અદ્ભુત રેકોર્ડ બનાવી દીધો. સ્મૃતિ મંધાના હવે 11 હજાર ઈન્ટરનેશનલ રન બનાવનારી દુનિયાની એકમાત્ર મહિલા બેટર બની ચૂકી છે. શ્રીલંકા સામે મહિલા ક્રિકેટ ઈવેન્ટની ફાઈનલમાં ડાબોડી બેટર સ્મૃતિ મંધાનાનું બેટ જોરદાર ચાલ્યું.

ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય મહિલા ટીમને શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાએ વિસ્ફોટક શરૂઆત અપાવી હતી. બંનેએ મળીને WT20I માં 4,000 રનની પાર્ટનરશિપ પૂરી કરી. આ રીતે મહિલા ક્રિકેટમાં આ સિદ્ધિ મેળવનારી પહેલી જોડી બની ગઈ છે. શેફાલી 29 બોલમાં 48 રન બનાવીને આઉટ થઈ ગઈ પણ સ્મૃતિ મંધાનાએ 30 બોલમાં અડધી સદી પૂરી કરી. તે ઝડપથી સદી તરફ વધી રહી હતી પરંતુ મોટો શોટ મારવાના ચક્કરમાં 45 બોલમાં 79 રનના સ્કોર પર આઉટ થઈ ગઈ.

સ્મૃતિ મંધાનાએ આ દરમિયાન જાપાનના નાના ગ્રાઉન્ડ અને નાની બાઉન્ડ્રીનો પૂરો ફાયદો ઉઠાવતા પાંચ ચોગ્ગા અને સાત છગ્ગા પણ ફટકાર્યા. ટૂંકમાં, 79 માંથી 62 રન ફક્તને ફક્ત બાઉન્ડ્રીથી આવ્યા. આ દરમિયાન સ્મૃતિ 11 હજાર ઈન્ટરનેશનલ રન બનાવનારી દુનિયાની એકમાત્ર બેટર બની ગઈ. જો તે વધુ 21 રન બનાવી લેતી તો પોતાની 19મી ઈન્ટરનેશનલ સદી બનાવી લેત અને આ કારનામું કરનારી પણ દુનિયાની પહેલી બેટર હોત. હાલમાં સ્મૃતિ મંધાના અને સાઉથ આફ્રિકાની કેપ્ટન લોરા વોલવાર્ટ બંનેના નામે 18-18 ઈન્ટરનેશનલ સદી છે.

એશિયન ગેમ્સની ફાઈનલમાં ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા ભારતીય મહિલા ટીમે શ્રીલંકા સામે 217 રનનો મોટો ટાર્ગેટ મૂક્યો. ભારતની શરૂઆત ખૂબ જ શાનદાર રહી અને ઓપનર બેટર સ્મૃતિ મંધાના તેમજ શફાલી વર્માએ પહેલી વિકેટ માટે 99 રનની શ્રેષ્ઠ ભાગીદારી કરી. મંધાનાએ ધમાકેદાર બેટિંગ કરતા માત્ર 30 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી અને 45 બોલમાં 5 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 79 રનની તોફાની ઈનિંગ રમી.

શેફાલી વર્મા પોતાની અડધી સદી ચૂકી ગઈ અને 48 રન બનાવીને આઉટ થઈ, જ્યારે કેપ્ટન હરમનપ્રીત કૌર 19 રન જ બનાવી શકી. આ પછી રિચા ઘોષે ઝડપથી રન બનાવીને ટીમને 200 ને પાર પહોંચાડી. તેણે 22 બોલમાં અણનમ 49 રન બનાવ્યા અને ભારતી સાથે મળીને 53 રન જોડ્યા. આ રીતે ભારતીય ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 216 રન બનાવ્યા, જે વિમેન્સ એશિયન ગેમ્સના ઈતિહાસનો સૌથી મોટો સ્કોર બની ગયો.

ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની શરૂઆત સારી ન રહી. શ્રીલંકાના બેટર્સ શરૂઆતથી જ દબાણમાં દેખાયા. ઓપનર બેટર ઈમેશા દુલુની 10 બોલમાં 3 રન બનાવીને આઉટ થઈ ગઈ. હસિની પરેરા ખાતું ખોલ્યા વગર જ પેવેલિયન પરત ફરી. શ્રીલંકા માટે કેપ્ટન ચમારી અટાપટ્ટુ સૌથી વધુ 21 બોલમાં 29 રન બનાવનારી બેટર રહી. તેના પછી કવિશા દિલહારીએ 11 રનનું યોગદાન આપ્યું.

બાકીના બેટર્સ કંઈ ખાસ કમાલ ન કરી શક્યા. ભારત તરફથી દીપ્તિ શર્માએ સૌથી વધુ 3 વિકેટ લીધી, જ્યારે શ્રી ચરણી અને શ્રેયંકા પાટીલને 2-2 વિકેટ મળી. ટીમ ઈન્ડિયાએ આ મેચ 147 રનથી જીતીને એશિયન ગેમ્સમાં પોતાનો પહેલો ગોલ્ડ મેડલ જીત્યો, જ્યારે શ્રીલંકાએ સિલ્વર મેડલ જીત્યો.
Published On - 3:19 pm, Tue, 22 September 26