
કેનેરા રોબેકો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ રોકાણકારોને SIP અને લમ્પસમ રોકાણ પર ઉત્તમ રિટર્ન આપીને લાંબાગાળે મજબૂત સંપત્તિ બનાવવાની તક આપે છે. 20 વર્ષમાં ₹10,000 ની માસિક SIP ₹1.36 કરોડ અને આશરે 15.23% XIRR આપે છે, જે આ ફંડના રોકાણ મોડેલની મજબૂતાઈ દર્શાવે છે.

જો આપણે 15 વર્ષના સમયગાળા પર નજર કરીએ તો, 10,000 રૂપિયાની આ માસિક SIPનું મૂલ્ય વધીને લગભગ 73.63 લાખ રૂપિયા થયું હોત. આ સમયગાળા દરમિયાન, રોકાણકારોને આશરે 17.04% XIRR મળ્યો. આ દરમિયાન, છેલ્લા 10 વર્ષમાં કરવામાં આવેલ SIP નું મૂલ્ય રૂ. 33.41 લાખ સુધી પહોંચ્યું, જેમાં રિટર્ન વધુ સારું હતું અને XIRR લગભગ 19.46 ટકા નોંધાયું હતું. આ આંકડા દર્શાવે છે કે, જેમ જેમ રોકાણનો સમયગાળો વધે છે તેમ તેમ Compounding ની અસર વધુ મજબૂત બને છે.

આ ફંડે માત્ર SIP માં જ નહીં પરંતુ લમ્પસમ રોકાણમાં પણ સારું પ્રદર્શન કર્યું છે. જો કોઈ રોકાણકારે ફંડની શરૂઆત સમયે ₹10,000 નું લમ્પસમ રોકાણ કર્યું હોત, તો તેનું મૂલ્ય 28 નવેમ્બર, 2025 સુધીમાં વધીને ₹1,61,310 થયું હોત. તેની તુલનામાં, ફંડના બેન્ચમાર્કમાં સમાન રોકાણથી ફક્ત ₹1,24,925 જ મળ્યા, જે દર્શાવે છે કે ફંડે લાંબાગાળે વધુ સારું પ્રદર્શન કર્યું છે. ફંડનું મુખ્ય બેન્ચમાર્ક BSE ઇન્ડિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટોટલ રિટર્ન ઇન્ડેક્સ (TRI) છે, જેની સાથે તેના પ્રદર્શનની તુલના કરવામાં આવે છે.

28 નવેમ્બર, 2025 સુધીમાં કેનેરા રોબેકો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડની એસેટ્સ અંડર મેનેજમેન્ટ (AUM) આશરે ₹916.58 કરોડ હતી. રિટર્નના દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો, ફંડના રેગ્યુલર પ્લાન-ગ્રોથ ઓપ્શને છેલ્લા એક વર્ષમાં 1.32 ટકા, ત્રણ વર્ષમાં 24.29 ટકા અને પાંચ વર્ષમાં 28.96 ટકા CAGR રિટર્ન આપ્યું છે. આ જ સમયગાળા દરમિયાન, BSE ઇન્ડિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર TRI એ અનુક્રમે -4.58%, 26.61% અને 32.39% જેટલું વળતર આપ્યું છે, જ્યારે BSE સેન્સેક્સ ટીઆરઆઈએ 8.72%, 12.15% અને 15.56% જેટલું વળતર આપ્યું છે.

આ ફંડ 2 ડિસેમ્બર, 2005 ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું અને ત્યારથી તેણે રોકાણકારોને આશરે 14.91% નો CAGR આપ્યો છે. આની તુલનામાં, બેન્ચમાર્ક BSE સેન્સેક્સ TRI નો CAGR સમાન સમયગાળા દરમિયાન આશરે 13.46% હતો. આ દર્શાવે છે કે, ફંડે લાંબાગાળામાં બજાર કરતાં વધુ સારું વળતર આપવાનો પ્રયાસ કર્યો છે.
Published On - 8:13 pm, Sat, 13 December 25