
શેરબજારમાં ઉતાર-ચઢાવે મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારોને પોતાની ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી (રોકાણની વ્યૂહરચના) પર ફરીથી વિચાર કરવા મજબૂર કરી દીધા છે. એનું કારણ એ છે કે, SIP ના ઘણા રોકાણકારોની ફરિયાદ છે કે છેલ્લા બે વર્ષમાં SIP દ્વારા સતત રોકાણ કરવા છતાં તેમનો પૈસો ખાસ વધ્યો નથી. ઘણા ઇન્વેસ્ટર્સ તો SIP બંધ કરવા વિશે પણ વિચારવા લાગ્યા છે. એવામાં સવાલ એ છે કે, શું SIP ની જગ્યાએ Lumpsum રોકાણ કરવાથી વધુ રિટર્ન મળશે?

એક્સપર્ટ્સનું કહેવું છે કે, રોકાણની બંને રીત યોગ્ય છે. બંનેમાંથી કઈ રીત વધારે સાચી છે, તે રોકાણકારની જોખમ લેવાની ક્ષમતા (Risk Capacity) અને રોકાણ કરવાની ક્ષમતા પર આધાર રાખે છે. બીજું કે, જે રોકાણકારો એક સાથે મોટા પ્રમાણમાં રોકાણ કરી શકતા નથી, તેમના માટે SIP હંમેશા રોકાણ કરવાનો વધુ અનુકૂળ રસ્તો છે. આજે SIP ના માધ્યમથી મ્યુચ્યુઅલ ફંડ્સની ઇક્વિટી સ્કીમોમાં ખૂબ મોટો રૂપિયો આવી રહ્યો છે. આમાંથી ઘણા રોકાણકારો માટે Lumpsum રોકાણ કરવું મુશ્કેલ હોઈ શકે છે.

Lumpsum રોકાણ માટે મોટી રકમ જરૂરી છે. જો કોઈની પાસે બોનસ અથવા કોઈ બીજા રસ્તેથી મોટું ફંડ આવ્યું છે, તો તે મ્યુચ્યુઅલ ફંડની ઇક્વિટી સ્કીમમાં એકમરકમ રોકાણ કરી શકે છે. Lumpsum રોકાણ કરવું ત્યારે ફાયદાકારક હોય છે, જ્યારે બજારમાં સ્થિરતા હોય અથવા બજાર ઉપર જઈ રહ્યું હોય. એવું થવા પર રોકાણકારને પોતાના પૈસા પર સારું રિટર્ન મળે છે. જો કે, ઉતાર-ચઢાવવાળા બજારમાં એકમરકમ રોકાણ કરવું જોખમી હોઈ શકે છે.

એક્સપર્ટ્સનું કહેવું છે કે, જો કોઈ વ્યક્તિ નિવૃત્તિ (Retirement) માટે આજે મ્યુચ્યુઅલ ફંડ્સની સ્કીમમાં રોકાણ કરવા માંગે છે, તો તે મલ્ટી એસેટ ફંડ (Multi Asset Fund) માં રોકાણ કરી શકે છે. એનું કારણ એ છે કે, આ સ્કીમ ઘણી અલગ-અલગ પ્રકારની એસેટ્સમાં રોકાણ કરે છે. આ એક પ્રકારની હાઇબ્રિડ સ્કીમ છે. તે ઇક્વિટી, ડેટ (Debt) અને કોમોડિટી ખાસ કરીને ગોલ્ડ-સિલ્વરમાં રોકાણ કરે છે. લાંબાગાળે દરેક એસેટમાં રોકાણથી સારું રિટર્ન મળે છે. આ ફંડ માટે દરેક એસેટમાં ઓછામાં ઓછું 10 ટકા રોકાણ કરવું ફરજિયાત છે.

મલ્ટી એસેટ ફંડમાં રોકાણ કરવાનો બીજો ફાયદો એ છે કે, તેનાથી ડાઇવર્સિફિકેશન (વિવિધતા) નો હેતુ પૂરો થઈ જાય છે. ડાઇવર્સિફિકેશનથી રોકાણ સાથે જોડાયેલું જોખમ ઘટી જાય છે. એનું કારણ એ છે કે, સામાન્ય રીતે દરેક એસેટ ક્લાસમાં એકસાથે ઘટાડો આવતો નથી. ઘણી વખત ઇક્વિટી માર્કેટ જ્યારે બેરિશ ફેઝ (મંદીના તબક્કા) માં હોય છે, ત્યારે ગોલ્ડ અને સિલ્વરનું પ્રદર્શન સારું હોય છે. છેલ્લા બે વર્ષમાં રોકાણકારોને શેરબજારમાંથી ખાસ રિટર્ન મળ્યું નથી પરંતુ ગોલ્ડ અને સિલ્વરે ખૂબ સારા રિટર્ન આપ્યા છે. આવા સમયગાળામાં મલ્ટી એસેટ ફંડનું પ્રદર્શન સારું રહે છે.