
દર મહિને બેંક ખાતામાંથી SIPની રકમ કપાઈ રહી છે અને રોકાણ પણ સતત થઈ રહ્યું છે. તેમ છતાંય જ્યારે રોકાણકારો પોતાનો પોર્ટફોલિયો જુએ છે, ત્યારે યોગ્ય કોર્પસ (ભંડોળ) ભેગું થયું હોય, તેવું દેખાતું નથી. આવા સમયે અવારનવાર એવો સવાલ ઊભો થાય છે કે, આખરે SIP કામ કેમ નથી કરી રહી? જો કે, દરવખતે ભૂલ SIPની હોય, તેવું જરૂરી નથી હોતી. ઘણી વખત સમસ્યા એ રીતમાં હોય છે, જે રીતથી રોકાણકાર SIP પસંદ કરે છે અને ચલાવે છે.

કેટલી રકમ રોકાણ કરવાની છે, કયો મ્યુચ્યુઅલ ફંડ પસંદ કરવાનો છે, બજાર ઘટે ત્યારે શું કરવું અને કેટલા સમય સુધી રોકાણ જાળવી રાખવું? આમાંની એક નાની ભૂલ લાંબાગાળે મોટો તફાવત ઊભો કરી શકે છે.

SIP શરૂ કરતી વખતે રોકાણકાર પહેલા એ જુએ છે કે, તે દર મહિને કેટલી રકમ સરળતાથી જમા કરી શકે છે. આમાં સાચી રીત એ છે કે, પહેલા પોતાનું નાણાકીય લક્ષ્ય (ફાઇનાન્શિયલ ગોલ) નક્કી કરો અને પછી જુઓ કે; તે લક્ષ્ય સુધી પહોંચવા માટે કેટલી SIP જરૂરી છે. માની લો કે, તમે દર મહિને ₹5,000 ની SIP કરો છો અને વાર્ષિક 12% રિટર્ન માનીને પાંચ વર્ષ સુધી રોકાણ કરો છો. હવે આ સમયગાળામાં તમારું અંદાજિત ભંડોળ આશરે ₹4.1 લાખ થઈ શકે છે.

જો તમારું લક્ષ્ય ₹5 લાખ બનાવવાનું છે તો આ SIP પૂરતી નહીં થાય. આ જ અંદાજના આધારે ₹5 લાખ સુધી પહોંચવા માટે દર મહિને આશરે ₹6,100 ની SIP ની જરૂર પડી શકે છે. આ બધા વચ્ચે સવાલ ફક્ત એ ન હોવો જોઈએ કે, 'હું દર મહિને કેટલું રોકાણ કરી શકું છું?' સવાલ એ હોવો જોઈએ કે, 'મારા લક્ષ્ય સુધી પહોંચવા માટે મારે કેટલું રોકાણ કરવું પડશે?' આવક વધવાની સાથે SIP વધારવા માટે સ્ટેપ-અપ SIP (Step-up SIP) પણ ઉપયોગી થઈ શકે છે. આમાં દર વર્ષે નક્કી કરેલી રકમ કે ટકાવારી મુજબ રોકાણ વધારવામાં આવે છે.

દરેક 'મ્યુચ્યુઅલ ફંડ' રોકાણકારો માટે સાચો નથી હોતો. ફંડ પસંદ કરતી વખતે તમારા નાણાકીય લક્ષ્ય, જોખમ લેવાની ક્ષમતા (રિસ્ક કેપેસિટી) અને રોકાણનો સમયગાળો, આ ત્રણેય બાબતો ધ્યાનમાં લેવી જરૂરી છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિને ત્રણ વર્ષ પછી ઘર ખરીદવા માટે પૈસા જોઈતા હોય, તો તેણે એવો ફંડ ન પસંદ કરવો જોઈએ. જો કોઈ વ્યક્તિ 20 વર્ષ પછી નિવૃત્તિ (રીટાયરમેન્ટ) માટે રોકાણ કરી રહ્યો હોય, તો તેણે એવો ફંડ પસંદ કરવો જોઈએ. ઇક્વિટી ફંડ, ખાસ કરીને મિડકેપ અને સ્મોલકેપમાં વધુ રોકાણ કરતા ફંડ લાંબાગાળે વધુ ગ્રોથની સંભાવના આપી શકે છે.

જો કે, આમાં બજાર ઘટવા પર ઉતાર-ચઢાવ પણ વધુ હોઈ શકે છે. જો રોકાણકાર બજાર ઘટતા જ ગભરાઈ જાય છે અને SIP રોકી દે છે અથવા પૈસા ઉપાડી લે છે, તો તેના માટે અસ્થિર (વોલેટાઇલ) ફંડ મુશ્કેલી બની શકે છે. એવામાં ફંડની પસંદગી ફક્ત રિટર્ન જોઈને નહીં પરંતુ પોતાના લક્ષ્ય અને જોખમ ક્ષમતા મુજબ કરવી જોઈએ.

કોઈ ફંડે છેલ્લા એક, ત્રણ કે પાંચ વર્ષમાં શાનદાર રિટર્ન આપ્યું છે, તો તેનો અર્થ એ નથી કે આગળ પણ એવું જ પ્રદર્શન જોવા મળશે. ઘણા રોકાણકારો તાજેતરના ટોપ પર્ફોર્મિંગ ફંડને જોઈને તેમાં SIP શરૂ કરી દે છે. જો કોઈ ફંડ થોડા સમય માટે નબળું પ્રદર્શન કરે તો, રોકાણકારો તરત જ તેને બદલી નાખે છે. આ વ્યૂહરચના રોકાણને નુકસાન પહોંચાડી શકે છે. ભૂતકાળનું પ્રદર્શન એ ભવિષ્યના રિટર્નની ગેરંટી નથી. ફંડ પસંદ કરતી વખતે અલગ-અલગ બજારની પરિસ્થિતિઓમાં તેનું પ્રદર્શન, પોર્ટફોલિયોની ક્વોલિટી, રોકાણની વ્યૂહરચના અને જોખમની સામે મળતા રિટર્નને જોવું વધુ જરૂરી છે.

SIP નો સૌથી મોટો ફાયદો જ એ છે કે, તેમાં તમારે બજારનો યોગ્ય સમય (માર્કેટ ટાઇમિંગ) પકડવાની જરૂર નથી હોતી. ઘણા રોકાણકારો બજારની તેજીમાં SIP ચાલુ રાખે છે અને કડાકો કે મંદી આવતા જ રોકાણ અટકાવી દે છે. આ જ ભૂલ લાંબાગાળે ભારે પડી શકે છે. બજાર જ્યારે ઘટે છે, ત્યારે SIP ની રકમથી તમને પ્રમાણમાં ઓછી કિંમતે વધુ યુનિટ્સ મળી શકે છે.

બજાર ઉપર હોય ત્યારે તે જ રકમમાં ઓછા યુનિટ્સ મળે છે. આ રીતે લાંબાગાળે ખરીદીની સરેરાશ પડતર (એવરેજ કોસ્ટ) ને સંતુલિત કરવામાં મદદ મળે છે. આવામાં જો બજારના દરેક કડાકા પર SIP રોકી દેવામાં આવે, તો રોકાણકાર આ પ્રક્રિયાનો ફાયદો ઉઠાવવાથી વંચિત રહી જાય છે. આથી, ફક્ત બજારમાં ઘટાડો આવવાના કારણે SIP રોકવી એ સાચી વ્યૂહરચના ગણી શકાય નહીં.

SIP એ કોઈ ઝડપથી પૈસા બનાવવાની યોજના નથી. તેનો ફાયદો સમયની સાથે મળે છે. શરૂઆતના વર્ષોમાં રોકાણનું ભંડોળ નાનું હોવાના કારણે ગ્રોથ ખૂબ ઝડપી નજર નથી આવતો. એવામાં જેમ-જેમ રોકાણની રકમ વધે છે અને તેના પર મળતું રિટર્ન પણ રોકાણમાં જળવાઈ રહે છે, તેમ-તેમ કમ્પાઉન્ડિંગ (ચક્રવૃદ્ધિ) ની અસર વધવા લાગે છે. આ જ કારણ છે કે, SIP માં સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે. ટૂંકાગાળામાં બજારના ઉતાર-ચઢાવ પરિણામો બદલી શકે છે, જ્યારે લાંબાગાળે નિયમિત રોકાણ અને કમ્પાઉન્ડિંગ મોટું ભંડોળ બનાવવામાં મદદ કરી શકે છે.

જો તમારી SIP અપેક્ષા મુજબ પ્રદર્શન નથી કરી રહી, તો તરત જ એવો નિષ્કર્ષ કાઢવો યોગ્ય નથી કે SIP કામ નથી કરતી. સૌથી પહેલા તમારી પૂરી વ્યૂહરચનાની સમીક્ષા કરો. જુઓ કે, તમારી SIP ની રકમ તમારા લક્ષ્ય મુજબ પૂરતી છે કે નહીં? ત્યારબાદ ફંડની પસંદગી, જોખમ, રોકાણનો સમયગાળો અને એસેટ એલોકેશનની સમીક્ષા કરો. જો આવક વધી હોય તો SIP ને સ્ટેપ-અપ કરવી પણ એક વિકલ્પ હોઈ શકે છે. સાથે જ, તાજેતરના રિટર્નના આધારે ફંડ બદલવાથી કે બજાર ઘટવા પર SIP રોકવાથી બચવું જોઈએ.