
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ ડ્રોન મેન્યુફેક્ચરિંગ કંપની સામે નોંધપાત્ર કાર્યવાહી કરી છે. સેબીએ કંપની દ્વારા IPO ના ઉઘરાયેલા ફંડનો દુરુપયોગ અને ખોટી કોર્પોરેટ ઘોષણા કરવાના કારણે કંપની, તેના પ્રોમોટર અને અન્ય સંબંધી સંસ્થાઓ પર 2 વર્ષનો સિક્યુરિટીઝ માર્કેટ પ્રતિબંધ લાગુ કર્યો છે.

આ સાથે જ તેમને કુલ ₹75 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. સેબીની આ કાર્યવાહી મુખ્યત્વે બે કારણોસર (કંપની દ્વારા IPO ના ઉઘરાયેલા ફંડનો ખોટો ઉપયોગ કરવો અને રોકાણકારોને ભ્રમિત કરવા માટે કરવામાં આવેલી ખોટી કોર્પોરેટ ઘોષણા) માટે કરવામાં આવી છે.

સેબીએ જણાવ્યું હતું કે, BSE-NSE પર લિસ્ટિંગ પછી કંપની અને તેના પ્રમોટર્સ દ્વારા ગેરમાર્ગે દોરતી કોર્પોરેટ જાહેરાતો કરવામાં આવી હતી, જેના કારણે કંપનીના શેરમાં રોકાણકારોનો રસ વધ્યો હતો અને આના લીધે શેરની માંગ પર પણ અસર પડી હતી.

કંપનીએ ઘટતા શેરના ભાવને જાળવી રાખવાનો પણ પ્રયાસ કર્યો, જેથી પ્રી-IPO ના રોકાણકારો તેમના ફંડ ઉપાડી શકે. સેબીના મતે, કંપની અને તેના પ્રમોટરોએ ખોટી રીતે રિપોર્ટિંગ કર્યું અને તેની આવક વધારી દીધી.

કંપનીના શેરમાં શુક્રવાર, 28 નવેમ્બરના રોજ અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે થોડો વધારો જોવા મળ્યો. કંપનીના શેર 0.50 ટકા અથવા 0.28 રૂપિયા વધીને 56.72 રૂપિયા પર બંધ થયા.

ટ્રેડિંગ દિવસ દરમિયાન, શેર ₹56.99 ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો, જ્યારે દિવસનો નીચો ભાવ ₹55.50 હતો. કંપનીનો 52 અઠવાડિયાનો હાઇ ₹131 હતો.

વર્ષ 2017 માં સ્થપાયેલ 'Droneacharya Aerial Innovations Ltd' એક ટેક ડેટા સાયન્સ કંપની છે, જે ડિફેન્સ, સ્પેસ, ડ્રોન અને ઇન્ફર્મેશન ટેકનોલોજી ક્ષેત્રમાં કામ કરે છે.
Published On - 6:49 pm, Sat, 29 November 25