
ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે EPF એ નિવૃત્તિ પછીની બચતનું એક મહત્વનું સાધન છે. બીજું કે, જ્યારે તમે EPF ના સભ્ય બનો છો, ત્યારે તમે આપમેળે જ EPS એટલે કે 'કર્મચારી પેન્શન યોજના'ના સભ્ય બની જાઓ છો. નિવૃત્તિ પછી આ જ યોજના દ્વારા માસિક પેન્શન આપવામાં આવે છે.

EPS હેઠળ પેન્શન મેળવવા માટે ઓછામાં ઓછી 10 વર્ષની સેવા (નોકરી) પૂર્ણ કરવી અનિવાર્ય છે. નિવૃત્તિ માટેની નિર્ધારિત ઉંમર 58 વર્ષ છે, જ્યારે પેન્શન માટે મહત્તમ સેવા અવધિ 35 વર્ષ ગણવામાં આવે છે. 10 વર્ષની નોકરી પૂર્ણ થયા પછી જ કર્મચારી પેન્શનનો હકદાર બને છે.

જો તમારી ઉંમર 50 વર્ષ થઈ ગઈ હોય, તો તમે વહેલું પેન્શન લઈ શકો છો પરંતુ ધ્યાનમાં રાખો કે, 58 વર્ષની ઉંમર પહેલા પેન્શન લેવા પર દર વર્ષે 4 ટકા જેટલો ઘટાડો થાય છે. જો તમે 50 વર્ષની ઉંમરે પેન્શન લો છો, તો પેન્શનની રકમમાં લગભગ 25 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે.

EPS ના નિયમો મુજબ, પેન્શન માટેની મહત્તમ પગાર મર્યાદા રૂ. 15,000 ગણવામાં આવે છે. આ ધોરણે મહત્તમ પેન્શન અંદાજે રૂ. 1250 પ્રતિ માસ બને છે. જો કે, વાસ્તવિક પેન્શનનો આંકડો તમારી કુલ સેવા અવધિ પર આધાર રાખે છે.

58 વર્ષની ઉંમરે પેન્શન મેળવવા માટે Form 10D ભરવાનું હોય છે. અમુક સંજોગોમાં Form 10C ની પણ જરૂર પડી શકે છે. જો તમે નોકરી બદલો છો, તો 'પેન્શન સ્કીમ સર્ટિફિકેટ' ખાસ મેળવી લો, જેથી તમારી પાછલી સેવા અવધિ નવી નોકરી સાથે જોડાઈ શકે.