
જો તમે કોઈ બેંક કે ફાઇનાન્સ કંપનીમાંથી લોન લીધી છે અને કોઈ કારણસર તેનો હપ્તો ચૂકવવામાં મોડું થયું છે, તો હવે તમારે રિકવરી એજન્ટોની ધમકીઓ કે માનસિક ત્રાસથી ડરવાની જરૂર નથી. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ લોન વસૂલાતના નામે ચાલતી ગુંડાગીરી અને ખોટા વ્યવહારને જડમૂળથી ખતમ કરવા માટે અત્યંત કડક નિયમોનો પ્રસ્તાવ મૂક્યો છે. આ નવા નિયમોનો મુખ્ય હેતુ ગ્રાહકોને માનસિક દબાણમાંથી બચાવવાનો છે. જો બધું યોજના મુજબ રહ્યું તો આ ઐતિહાસિક ફેરફારો 1 ઓક્ટોબર 2026 થી દેશભરમાં લાગુ થઈ શકે છે.

આ નવા નિયમો હેઠળ રિકવરી એજન્ટોના વર્તન, કોલ કરવાના સમયથી લઈને ગ્રાહકોના મોબાઈલ ડેટાની સુરક્ષા સુધીની તમામ બાબતો પર કડક ગાઈડલાઈન નક્કી કરવામાં આવી છે. આ નિયમો દેશની તમામ કોમર્શિયલ બેંકો પર લાગુ થશે.

હવે મનફાવે ત્યારે ફોન કે ઘરની મુલાકાત નહીં થાય: નવા નિયમો અનુસાર હવે રિકવરી એજન્ટો માત્ર સવારે 8 વાગ્યાથી સાંજના 7 વાગ્યાની વચ્ચે જ ગ્રાહકોનો સંપર્ક કરી શકશે. આ સમય સિવાય કોલ કરવા કે ગ્રાહકના ઘરે જવાની સખત મનાઈ રહેશે. આ ઉપરાંત, ગ્રાહકને વારંવાર ફોન કરીને પરેશાન કરવા, ડરાવવા, ગાળો આપવી અથવા સોશિયલ મીડિયા પર બદનામ કરવા જેવી હરકતો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ગ્રાહકોને પહેલાથી જ મળશે આખી વિગત: બેંકોએ પોતાની વેબસાઈટ અને ડિજિટલ પ્લેટફોર્મ પર તમામ માન્ય રિકવરી એજન્સીઓની અપડેટ લિસ્ટ જાહેર કરવી પડશે. એટલું જ નહીં, જો કોઈ રિકવરી એજન્ટ ગ્રાહકના ઘરે જવાનો હોય, તો તેની જાણ ગ્રાહકને ઓછામાં ઓછા એક દિવસ પહેલાં કરવી ફરજિયાત રહેશે. રિકવરી એજન્ટો માટે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ બેંકિંગ એન્ડ ફાઈનાન્સ (IIBF) માંથી ટ્રેનિંગ લેવી અને તેમનું બેકગ્રાઉન્ડ વેરિફિકેશન કરાવવું પણ ફરજિયાત બનશે.

મોબાઈલ લોક કરવા પર કડક પ્રતિબંધ અને કલાક દીઠ ₹250 નો દંડ: સૌથી મોટો અને મહત્વનો ફેરફાર મોબાઈલ લોક કરવાને લઈને કરાયો છે. બેંક કે રિકવરી એજન્સીઓ લોન વસૂલવા માટે ગ્રાહકનો મોબાઈલ પોતાની મરજીથી લોક કરી શકશે નહીં. મોબાઈલના અમુક ફીચર્સ માત્ર એવા જ કિસ્સામાં બંધ કરી શકાશે જ્યાં મોબાઈલ પોતે બેંક કે ફાઇનાન્સ કંપનીના લોન પર ખરીદવામાં આવ્યો હોય, પરંતુ તે સ્થિતિમાં પણ ઈમરજન્સી કોલ અને જરૂરી એલર્ટ્સ બંધ કરી શકાશે નહીં.

સૌથી મોટી વાતએ છે કે જો ગ્રાહકે પોતાની લોન ક્લિયર કરી દીધી હોય અથવા મામલો ઉકેલાઈ ગયો હોય, તેમ છતાં જો બેંક ગ્રાહકના મોબાઈલનું એક્સેસ પાછું આપવામાં મોડું કરશે, તો બેંકે ગ્રાહકને દર કલાકે ₹250 નું વળતર (દંડ) ચૂકવવું પડશે.