
સુરક્ષિત રોકાણ અને ઉત્તમ રિટર્નની જ્યારે વાત આવે છે, ત્યારે પોસ્ટ ઓફિસ દ્વારા ચલાવવામાં આવતી સરકારી યોજનાઓ હંમેશાં લોકોમાં ખૂબ લોકપ્રિય રહી છે. આ નાની બચત યોજનાઓમાં દરરોજ નાની-નાની બચત કરીને પણ મોટું ફંડ ભેગું કરી શકાય છે. આવી જ એક પોસ્ટ ઓફિસ સ્કીમ છે 'પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ' (Post Office RD Scheme), જેમાં રોજના માત્ર ₹195 ની બચત કરીને તમે ₹10 લાખનું મોટું ફંડ જમા કરી શકો છો.

ઝીરો રિસ્કવાળી સુરક્ષિત સરકારી યોજના: પોસ્ટ ઓફિસની સ્મોલ સેવિંગ સ્કીમ્સની સૌથી મોટી ખાસિયત એ છે કે તે સંપૂર્ણપણે જોખમમુક્ત (Risk-Free) હોય છે. આ યોજનાઓમાં તમારા રોકાણની 100% સુરક્ષાની ગેરંટી ખુદ ભારત સરકાર આપે છે. એટલે કે રોકાણકાર કોઈપણ ચિંતા વગર તેમાં પૈસા રોકી શકે છે. આ ઉપરાંત આ યોજનાઓમાં ઘણી બેંકોની FD કરતાં પણ વધુ આકર્ષક વ્યાજ આપવામાં આવે છે.

નાની બચત, મોટો ફાયદો: પોસ્ટ ઓફિસ આરડી સ્કીમમાં તમારે એકસાથે મોટી રકમ જમા કરાવવાની જરૂર રહેતી નથી, પરંતુ દર મહિને નાની રકમ જમા કરાવીને મોટો નફો મેળવી શકાય છે. આ સ્કીમ મ્યુચ્યુઅલ ફંડની SIP ની જેમ જ કામ કરે છે. તેમાં માત્ર ₹100 થી પણ ખાતું ખોલાવીને રોકાણ શરૂ કરી શકાય છે.

RD સ્કીમ પર મળી રહ્યું છે આટલું વ્યાજ: પોસ્ટ ઓફિસની રિકરિંગ ડિપોઝિટ યોજના પર સરકાર દ્વારા હાલમાં 6.7% વાર્ષિક વ્યાજ આપવામાં આવી રહ્યું છે. આ યોજનામાં ઓછામાં ઓછા ₹100 થી રોકાણ શરૂ કરી શકાય છે, જ્યારે મહત્તમ રોકાણ માટે કોઈ ઉપલી મર્યાદા નક્કી કરવામાં આવી નથી.

ખાતું ખોલાવતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન: પોસ્ટ ઓફિસ RD માં સિંગલ એકાઉન્ટ તેમજ પતિ-પત્ની સાથે મળીને જોઈન્ટ એકાઉન્ટ પણ ખોલાવી શકાય છે. આ યોજનાની મુદત (મેચ્યોરિટી પીરિયડ) 5 વર્ષની હોય છે, પરંતુ 5 વર્ષ પૂરા થયા બાદ તેને આગળ વધુ 5 વર્ષ માટે લંબાવવાની સુવિધા પણ મળે છે. રોકાણ કરતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે જો કોઈ મહિને નિયત તારીખે હપ્તો ભરવાનું ચૂકી જાઓ, તો દર મહિને 1% પેનલ્ટી લાગે છે. જો સતત 4 હપ્તા ચૂકવાઈ જાય, તો આરડી એકાઉન્ટ આપોઆપ બંધ થઈ જાય છે.

રોજના ₹195 થી ₹10 લાખ મેળવવાની ગણતરી, પોસ્ટ ઓફિસ RD કેલ્ક્યુલેટર મુજબ આ ગણતરી ખૂબ જ સરળ છે: જો તમે દરરોજ ₹195 ની બચત કરો છો, તો મહિને તમારી બચત આશરે ₹5,860 થશે. આ રકમ તમારે સતત 5 વર્ષ સુધી દર મહિને જમા કરાવવાની રહેશે. 5 વર્ષમાં તમારું કુલ રોકાણ ₹3,51,600 થશે અને વ્યાજ સાથે કુલ ફંડ ₹4,18,201 બનશે. હવે આ યોજનાને બીજા 5 વર્ષ માટે આગળ લંબાવો (કુલ 10 વર્ષ).

10 વર્ષ પૂર્ણ થતાં તમારી કુલ જમા રકમ ₹7,03,200 થશે, જેના પર આશરે ₹2.98 લાખ માત્ર વ્યાજ મળશે. આ રીતે 10 વર્ષના અંતે તમને કુલ ₹10,01,203 ની માતબર રકમ મળશે.