
પીએમ સૂર્ય ઘર યોજનાએ દેશભરમાં સૌર ઊર્જાને લઈને નવી ક્રાંતિ લાવી દીધી છે. 13 ફેબ્રુઆરી 2024 ના રોજ આ યોજના 75,021 કરોડ રૂપિયાના બજેટ સાથે શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ માર્ચ 2027 સુધીમાં 1 કરોડ ઘરોમાં રૂફટોપ સોલાર લગાવાનો મુખ્ય લક્ષ્યાંક હતો. અહેવાલો મુજબ અત્યાર સુધીમાં 40 લાખથી વધુ સોલાર સિસ્ટમ લગાવવામાં આવી ચૂકી છે, જેને જોતા યોજનાના બીજા તબક્કા એટલે કે PM Surya Ghar 2.0 ની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

આ તબક્કામાં લાંબા સમય સુધી સર્વિસની ઉપલબ્ધતા, ગ્રુપ અને વર્ચ્યુઅલ નેટ મીટરિંગના ઓપ્શન અને બેટરી સ્ટોરેજ પર ફોકસ કરવામાં આવશે.

મળશે સર્વિસની ગેરંટી: અનેકવાર જોવા મળ્યું છે કે સોલાર પેનલ લગાવનારી નાની કંપનીઓ સમય જતાં બંધ થઈ જાય છે. આનાથી જે લોકોએ તે કંપનીઓ પાસે સોલાર સિસ્ટમ નખાવી હોય છે તેમને સર્વિસ મળી શકતી નથી. પીએમ સૂર્ય ઘર 2.0 માં સરકાર એવા નિયમો બનાવવાનું વિચારી રહી છે, જેનાથી વેન્ડરો માટે લાંબા સમય સુધી સર્વિસ આપવી ફરજિયાત બનશે. આનાથી સોલાર પેનલ લગાવનારાઓને તે સિસ્ટમના આખા આયુષ્ય (લાઈફસ્પેન) દરમિયાન સર્વિસ મળી શકશે.

મળશે ગ્રુપ મીટરિંગની સુવિધા: પીએમ સૂર્ય ઘર યોજના 2.0 માં એવા લોકોનું પણ ધ્યાન રાખવામાં આવશે, જેમની પાસે પોતાનું ઘર કે છત નથી. આ લોકો માટે ગ્રુપ અને વર્ચ્યુઅલ નેટ મીટરિંગ લાવવાની યોજના બનાવવામાં આવી રહી છે. આનાથી એક જ શેયર્ડ સોલાર સિસ્ટમનો લાભ અનેક ઘરો કે એપાર્ટમેન્ટના લોકો મળીને ઉઠાવી શકશે. આનાથી દરેક વ્યક્તિ માટે સોલાર ઊર્જાનો લાભ લેવો શક્ય બનશે.

બેટરી સ્ટોરેજ પર ફોકસ: PM સૂર્ય ઘર યોજનાના શરૂઆતી તબક્કામાં ખર્ચ ઓછો રાખવા માટે બેટરી સ્ટોરેજ વાળી સિસ્ટમને સામેલ કરવામાં આવી નહોતી. જોકે, હવે PM સૂર્ય ઘર યોજના 2.0 હેઠળ સરકાર બેટરી સ્ટોરેજની જરૂરિયાત અનુભવી રહી છે. આ તબક્કામાં સરકાર વિચાર કરી રહી છે કે બેટરી સિસ્ટમ લોકોના ઘરોમાં લગાવવામાં આવે, ટ્રાન્સફોર્મર પાસે લગાવવામાં આવે કે પછી વીજ કંપનીઓના સ્તરે લગાવવામાં આવે.

કહેવાનો અર્થ એ છે કે આ તબક્કામાં સરકાર સ્ટોરેજ વાળી સોલાર સિસ્ટમ પણ યોજનામાં સામેલ કરી શકે છે. નોંધનીય બાબત એ છે કે અત્યાર સુધી આ સિસ્ટમો પર કોઈ સબસીડી મળતી નહોતી.

આ તબક્કામાં સરકાર સોલાર સિસ્ટમનું ડિજિટલ મોનિટરિંગ પણ લાગુ કરી શકે છે. આવું યોજનાને વધુ પારદર્શક અને વિશ્વસનીય બનાવવા માટે કરવામાં આવી શકે છે. આ સિવાય ઉપકરણોની ક્વોલિટી અને આમ જનતા માટે બેંક લોનની પ્રોસેસને સરળ બનાવવા પર પણ કામ કરવામાં આવી રહ્યું છે.