
બર્ડ નેટ (જાળી) - સૌથી પાકો ઈલાજ: કબૂતરોને બાલ્કનીમાં આવતા રોકવાનો સૌથી સરળ અને કાયમી ઉપાય છે 'બર્ડ નેટ'. મજબૂત નાયલોનની જાળી લગાવવાથી કબૂતરો અંદર પ્રવેશી શકતા નથી. ખાસ ધ્યાન રાખવું કે જાળી બરાબર ફિટ હોય અને ક્યાંયથી પણ ખુલ્લી જગ્યા ન રહે.

ચમકતી વસ્તુઓનો જાદુ: શું તમે જાણો છો કે કબૂતરો ચમકતી અને હલતી વસ્તુઓથી ડરે છે? તમારી બારી કે બાલ્કનીમાં જૂની CD, એલ્યુમિનિયમ ફોઈલ અથવા રિફ્લેક્ટિવ ટેપ લટકાવી દો. સૂર્યના કિરણો જ્યારે આના પર પડશે ત્યારે તેની ચમકથી કબૂતરો દૂર ભાગશે.

બર્ડ સ્પાઇક્સ - બેસવા પર પ્રતિબંધ: કબૂતરોને દિવાલની કિનારી કે AC પર બેસવાની ટેવ હોય છે. આ જગ્યાઓ પર પ્લાસ્ટિક કે સ્ટીલના 'બર્ડ સ્પાઇક્સ' લગાવો. આનાથી પક્ષીઓને ઈજા નથી થતી, પણ તેમને બેસવામાં અગવડતા પડે છે, જેથી તેઓ બીજી જગ્યા શોધી લેશે.

વિન્ડ ચાઇમ - અવાજથી ભગાડો: શાંત વાતાવરણમાં કબૂતરો વધુ આવે છે. બાલ્કનીમાં વિન્ડ ચાઇમ અથવા નાની ઘંટડીઓ લગાવો. પવનથી જ્યારે આ વસ્તુઓ વાગશે, ત્યારે તેનો અવાજ કબૂતરોને પરેશાન કરશે અને તેઓ ત્યાં રોકાશે નહીં.

માળો બનાવવાની જગ્યાઓ કરો બંધ: કબૂતરો બાલ્કનીના ખૂણા, ખાલી કુંડા કે છાજલીઓ પર માળો બનાવવાનું પસંદ કરે છે. આવી ખાલી જગ્યાઓને પૂરી દો અથવા ઢાંકી દો. જો માળો બનાવવાની જગ્યા જ નહીં મળે, તો કબૂતરો ત્યાં આવશે નહીં.

તીવ્ર ગંધનો પ્રયોગ: કબૂતરોને વિનેગર (સરકો) કે લસણ જેવી તીવ્ર ગંધ ગમતી નથી. તમે બાલ્કનીમાં વિનેગરનું સ્પ્રે કરી શકો છો અથવા લસણની પોટલી લટકાવી શકો છો. આ કુદરતી નુસખો કબૂતરોને દૂર રાખવામાં રામબાણ ઈલાજ છે.

નકલી ઘુવડ કે બાજ - કુદરતી ડર: બજારમાં પ્લાસ્ટિકના નકલી ઘુવડ કે બાજ (Fake Owls/Hawks) મળે છે. તેને બાલ્કનીના કિનારે મુકવાથી કબૂતરોને એવું લાગશે કે ત્યાં શિકારી પક્ષી છે, અને તેઓ ડરના માર્યા ત્યાં નહીં આવે.

સાફ-સફાઈ પર ખાસ ધ્યાન: ગંદકી અને ખાવાના ટુકડા કબૂતરોને જલ્દી આકર્ષે છે. બાલ્કનીમાં ક્યારેય એઠવાડ કે અનાજના દાણા રહેવા ન દો. જો જગ્યા એકદમ ચોખ્ખી હશે, તો કબૂતરો ત્યાં આવવાનું ટાળશે.

ઘરની આસપાસ ચણ નાખવાનું ટાળો: ઘણીવાર આપણે પુણ્ય કમાવવા માટે ઘરની બારી કે ગેલેરીમાં જ દાણા નાખીએ છીએ. આનાથી કબૂતરોને ત્યાં આવવાની આદત પડી જાય છે. પક્ષીઓને ચણ નાખવા માટે ઘરથી દૂર કોઈ ચોક્કસ જગ્યા કે પક્ષીઘરનો જ ઉપયોગ કરો.