
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને (EPFO) PF એકાઉન્ટ ધારકોની સુવિધા માટે તાજેતરના મહિનાઓમાં ઘણા મોટા ફેરફારો કર્યા છે. ટૂંક સમયમાં જ UPI દ્વારા પીએફ ઉપાડની સુવિધા શરૂ થવા જઈ રહી છે. જો કે, તેમ છતાંય પણ PFને લઈને ફરિયાદોમાં કોઈ ઘટાડો થયો નથી. જો તમને પણ PFના પૈસા ઉપાડવામાં કે ટ્રાન્સફર કરવામાં મુશ્કેલી પડી રહી હોય, તો તમે ઘરે બેઠા જ તેની ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકો છો.

કોઈપણ વ્યક્તિ https://epfigms.gov.in પર પોતાની ફરિયાદ નોંધાવી શકે છે. આ માટે તેમણે પોતાના UAN / Establishment / PPO નંબરનો ઉપયોગ કરવો પડશે. ફરિયાદ નોંધાવતી વખતે જરૂરી માહિતી ભરવાની રહેશે, જેમાં ફરિયાદની કેટેગરી અને તેની વિગતો પણ છે. આ સાથે જરૂરી સહાયક દસ્તાવેજો (Documents) પણ અપલોડ કરવાના રહેશે.

ફરિયાદ સબમિટ થયા પછી, તેને સંબંધિત પ્રોવિડન્ટ ફંડ ઓફિસમાં મોકલી આપવામાં આવે છે, જે તે UAN / Establishment / PPO નંબર સાથે જોડાયેલી હોય છે. જો તમારી પાસે UAN / Establishment / PPO નંબર ન હોય, તો તમે તમારી ફરિયાદ ‘Others’ કેટેગરીમાં રજીસ્ટર કરી શકો છો. આ માટે તમારે તે પ્રોવિડન્ટ ફંડ ઓફિસની માહિતી ભરવાની રહેશે, જેનો તમે સંપર્ક કરી રહ્યા છો.

ફરિયાદ સફળતાપૂર્વક નોંધાયા પછી, એક યુનિક રજીસ્ટ્રેશન નંબર જનરેટ થશે અને તે તમારા મોબાઈલ નંબર અથવા ઈમેલ એડ્રેસ પર મોકલી દેવામાં આવશે. તમે આ રજીસ્ટ્રેશન નંબર દ્વારા તમારી ફરિયાદનું સ્ટેટસ અથવા તેના નિકાલની માહિતી ટ્રેક કરી શકો છો. તમે આ પોર્ટલનો ઉપયોગ કરીને તમારી ફરિયાદ સાથે જોડાયેલા જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી શકો છો. આ સિવાય, EPFO ઓફિસ પણ તમારી પાસે બીજા ડોક્યુમેન્ટ્સ માંગી શકે છે અને ફરિયાદકર્તા પાસેથી વધારાની માહિતી મેળવી શકે છે.

EPFO હવે કરોડો કર્મચારીઓ માટે પોતાની ઘણી સેવાઓ WhatsApp દ્વારા શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. હાલમાં, EPFO ને લગતી મોટાભાગની સેવાઓ તેના પોર્ટલ અથવા ઉમંગ (Umang) એપ દ્વારા ઉપલબ્ધ છે. દેશમાં અંદાજે 8 કરોડ એક્ટિવ EPFO સબસ્ક્રાઇબર્સ છે. આટલી મોટી સંખ્યાના કારણે ઘણીવાર EPFO નું સત્તાવાર પોર્ટલ ધીમું પડી જાય છે. આ જ સમસ્યા ઘણી વખત ઉમંગ એપ દ્વારા પીએફ સંબંધિત સેવાઓનો ઉપયોગ કરતી વખતે પણ થાય છે. આ જ કારણે EPFO પોતાના સબસ્ક્રાઇબર્સ સુધી પીએફ સેવાઓ પહોંચાડવા માટે વૈકલ્પિક રસ્તાઓ શોધવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ સંદર્ભમાં સંસ્થા હવે મેસેજિંગ એપ WhatsApp દ્વારા પીએફ સંબંધિત તમામ સેવાઓ આપવાની તૈયારી કરી રહી છે. EPFO ની આ નવી પહેલથી કરોડો લોકો માટે પીએફ સેવાઓનો ઉપયોગ કરવો સરળ બની જશે.