
નિફ્ટી ઇન્ડેક્સમાં ટ્રેડ કરનારા રોકાણકારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. 31 ડિસેમ્બર 2025થી NIFTY ઇન્ડિસીઝના લોટ સાઇઝમાં ફેરફાર લાગુ થશે. આ બદલાવ ડેરિવેટિવ્સ માર્કેટમાં સીધી અસર કરશે, ખાસ કરીને ફ્યુચર્સ અને ઑપ્શન ટ્રેડિંગ કરનારા ટ્રેડર્સ માટે.

મુખ્ય ઇન્ડેક્સ નિફ્ટી (NIFTY) ના લોટ સાઇઝમાં ઘટાડો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી એક લોટમાં 75 શેર હતા, પરંતુ હવે નવા નિયમ મુજબ 65 શેરનો એક લોટ રહેશે. વર્ષ 2025ની શરૂઆતમાં SEBI દ્વારા લોટ સાઇઝ 25થી વધારીને 75 કરવામાં આવી હતી, પરંતુ હવે વર્ષના અંતે તેમાં ફરી ઘટાડો કરવામાં આવ્યો છે.

માત્ર નિફ્ટી જ નહીં, પરંતુ બેંક નિફ્ટી (Bank Nifty) ના લોટ સાઇઝમાં પણ ફેરફાર થયો છે. બેંક નિફ્ટીનો લોટ સાઇઝ 35થી ઘટાડીને 30 કરવામાં આવ્યો છે. આ બદલાવ બેંકિંગ સેક્ટરના ટ્રેડર્સ માટે માર્જિન અને રિસ્ક મેનેજમેન્ટમાં ફેરફાર લાવશે.

તે સિવાય Nifty Financial Services ઇન્ડેક્સનો લોટ સાઇઝ 65માંથી ઘટાડીને 60 કરવામાં આવ્યો છે. જ્યારે Nifty Midcap Select ઇન્ડેક્સમાં સૌથી મોટો બદલાવ જોવા મળ્યો છે, જ્યાં લોટ સાઇઝ 140થી ઘટાડીને 120 કરવામાં આવ્યો છે. આ નિર્ણય મધ્યમ કદની કંપનીઓમાં ટ્રેડિંગને વધુ સંતુલિત બનાવશે.

SEBI અને NSE દ્વારા કરવામાં આવેલો આ ફેરફાર ટ્રેડિંગને વધુ સગવડભર્યું અને જોખમ નિયંત્રિત બનાવવા માટે લેવામાં આવ્યો છે. નવા લોટ સાઇઝ અનુસાર ટ્રેડર્સે પોતાની સ્ટ્રેટેજી, માર્જિન કેલ્ક્યુલેશન અને પોઝિશન સાઇઝ ફરીથી સમજીને ટ્રેડિંગ કરવી પડશે. 31 ડિસેમ્બર 2025થી આ નવા નિયમો અમલમાં આવશે, તેથી રોકાણકારોએ સમયસર તૈયારી કરવી જરૂરી છે.