
નવા નિયમો હેઠળ, NPS ફંડ્સ હવે IPO, FPO અને ઑફર ફોર સેલમાં ભાગ લઈ શકશે. વેલ્યૂ રિસર્ચ અનુસાર, રોકાણ ફક્ત એવી નવી કંપનીઓમાં જ કરવામાં આવશે, જેની સાઇઝ નિફ્ટી 250ની સૌથી નાની કંપની જેટલી અથવા તો તેથી મોટી હોય. આ ઉપરાંત, 'NPS ફંડ્સ' નિફ્ટી 50 અને સેન્સેક્સ જેવા મુખ્ય ઇંડેક્સને ટ્રેક કરતા ETF તેમજ ઇન્ડેક્સ ફંડ્સમાં પણ 5 ટકા સુધી રોકાણ કરી શકશે.

નવા નિયમોમાં એમ પણ જણાવાયું છે કે, 'NPS ફંડ્સ' ડેરિવેટિવ્ઝનો ઉપયોગ ફક્ત જોખમ ઘટાડવા માટે કરી શકે છે. આમાં રોકાણ મર્યાદા પણ 5% પર નિર્ધારિત કરવામાં આવી છે. NPS ડેટ ફંડ્સ માટે પણ રોકાણના નવા રસ્તા ખુલ્યા છે. આ ફંડ્સ હવે બેંક બોન્ડ્સ, મ્યુનિસિપલ બોન્ડ્સ, InvIT અને REIT બોન્ડ્સમાં રોકાણ કરી શકશે તેમજ ડેટ ફંડ્સ પસંદ કરી શકશે. આનાથી ફિક્સ્ડ ઇન્કમ રોકાણમાં વધુ બેલેન્સ અને સ્થિરતા આવશે.

બજારમાં ઘટાડો થાય ત્યારે સોનું અને ચાંદી ટેકો પૂરો પાડે છે. REITs અને IPOs પણ લાંબાગાળાનું રિટર્ન કરી શકે છે. આ તેમના માટે સૌથી વધુ ફાયદાકારક રહેશે, જેઓ નિવૃત્તિની નજીક છે અને તેમના ફંડ પર ઓછું જોખમ ઇચ્છે છે.

ટાટા પેન્શન મેનેજમેન્ટના સીઈઓ કુરિયન જોસે જણાવ્યું હતું કે, "નવા રોકાણ નિયમો NPS ને આજના સમય માટે વધુ અનુકૂળ બનાવે છે. સોના અને ચાંદીના ETF, AIF, REIT તેમજ મ્યુનિસિપલ બોન્ડમાં મર્યાદિત રોકાણને મંજૂરી આપવાથી NPS ની સુરક્ષા જાળવી રાખીને જોખમ વધાર્યા વિના વધુ સારા વળતરની સંભાવના વધશે." એકંદરે નવા NPS નિયમો રોકાણકારોના નિવૃત્તિ ફંડને વધુ સંતુલિત, સુરક્ષિત અને મજબૂત બનાવી શકે છે.