સમગ્ર દેશમાં દર વર્ષે 25મી જાન્યુઆરીને 'રાષ્ટ્રીય પર્યટન દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં વર્ષ 2023માં 17.26 કરોડથી વધુ તેમજ વર્ષ 2024માં 18.62 કરોડ એમ છેલ્લા બે વર્ષમાં વિવિધ પર્યટન સ્થળો અને ઉત્સવોમાં અંદાજે 35.89 કરોડથી વધુ પ્રવાસીઓ સહભાગી થયા છે.
ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં મુખ્યત્વે સૌથી વધુ વાઈબ્રેન્ટ નવરાત્રી મહોત્સવમાં 23.12 લાખ જેટલા પર્યટકો નોંધાયા છે.
કચ્છમાં યોજાતા ધોરડો રણોત્સવમાં વર્ષ 2023-24માં 7.42 લાખ અને વર્ષ 2024-25માં અત્યાર સુધીમાં 7.52 લાખ એમ કુલ મળીને 14.94 લાખ જેટલા પર્યટકો નોંધાયા છે. આજે કચ્છનું રણ 'રણોત્સવ'થી વિશ્વ પ્રવાસનનું તોરણ બન્યું છે. યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન દ્વારા ધોરડોને “બેસ્ટ ટુરિઝમ વિલેજ”નો એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે.
છેલ્લા બે વર્ષમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં 9.29 લાખ, સાપુતારા મેઘ મલ્હાર ફેસ્ટીવલમાં 05 લાખ જેટલા તેમજ તરણેત્તર મેળામાં 04 લાખથી વધુ પ્રવાસીઓ- નાગરિકોએ મુલાકાત લીધી છે.
માં નર્મદા ગુજરાતમાં જ્યાંથી પ્રવેશે છે તે છોટા ઉદેપુરના હાફેશ્વર ગામને કેન્દ્રના પર્યટન મંત્રાલય દ્વારા હેરીટેજ કેટેગરીમાં ‘શ્રેષ્ઠ ગ્રામીણ પર્યટન-2024’નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. એક અંદાજ મુજબ વાર્ષિક એક લાખથી વધુ પ્રવાસીઓ હાફેશ્વરની મુલાકાતે આવે છે.
Published On - 7:58 pm, Fri, 24 January 25