
આજે સાબરમતી રિવરફ્રન્ટ રાજ્યના આઇકોનિક સ્થળ તરીકે ઊભરી આવ્યો છે. રિવરફ્રન્ટ બનતાં તેના પર એક પછી એક નવાં નવાં આકર્ષણો ઉમેરાયાં છે. રિવરફ્રન્ટ સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિનું હબ બનતું જાય છે. સાબરમતી રિવરફ્રન્ટ પર આઇકોનિક અટલ બ્રિજ દેશ-વિદેશના પ્રવાસીઓને આકર્ષી રહ્યો છે તો જૉય ઓફ રાઇડની હેલિકોપ્ટર સર્વિસ અને રિવર ક્રુઝે લોકોને ઘેલું લગાડ્યું છે.

લોકો પરિવાર સાથે સમય પસાર કરી શકે, એવા સ્થળ તરીકે શરૂ થયેલો આ પ્રોજેક્ટથી શહેરીજનોની સુખાકારીમાં વૃદ્ધિ થઇ. રિવરફ્રન્ટ ફેઝ - 1 અંતર્ગત ઇવેન્ટ સેન્ટર, ધોબી ઘાટ, ગુજરી બજાર, અંડરપાસ, ટ્રાફિકમુક્ત રસ્તાઓ તેમજ વિવિધ બાગ બગીચાના કાર્યો, બાયો ડાયવર્સિટી પાર્ક તેમજ મોટા પાયે વૃક્ષારોપણનાં કાર્યો પૂર્ણ કરાયાં છે. ઇવેન્ટ સેન્ટર, મલ્ટી લેવલ કાર પાર્કિંગ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વગેરે ફેસિલિટી પણ શરૂ કરાઈ છે.

રિવરફ્રન્ટમાં એક તરફ સુંદર બાગ-બગીચા નિર્માણ પામ્યા છે તો બીજી તરફ સ્પોર્ટ્સ સંકુલ પણ વિકસ્યાં છે. રિવરફ્રન્ટ પર યોજાતો ફ્લાવર શૉ હોય, ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ, ડ્રોન શૉ, મેરેથોન દોડ હોય કે સાઇકલિંગ રિવરફ્રન્ટ અબાલ-વૃદ્ધ સૌ માટે એક જાણીતું-માનીતું સ્થળ બની ચૂક્યું છે.
Published On - 5:16 pm, Thu, 10 October 24