
તેઓ ભગવાન વિષ્ણુની ભક્તિમાં હંમેશા લીન રહેતા હોવાથી તે વૈષ્ણવી પણ કહેવાય છે. માં નાગણેશ્વરી નાગોના રાજા વાસુકીના બહેન હોવાથી નાગભગીની પણ કહેવાયા. માતાજી નાગ સાપનું ઝેર હરી લેવાનું સામર્થ્ય ધરાવે છે જેથી વિશહરી નામથી પણ ઓળખાય છે.મહાદેવની પાસે રહી સિદ્ધિ તથા મહાદેવની પ્રસન્નતા મેળવી જેથી તે સિદ્ધયોગીની પણ કહેવાય છે. તેઓ શ્રેષ્ઠ મુનિવર આસ્તિક ઋષિ ના માતા હોવાથી આ દેવી આસ્તિકમાતાના નામે પણ ઓળખાય છે. તેમના પતિ મહર્ષિ જરત્કારું ઋષિ હતા જેથી જરત્કારુંપ્રિયા ના નામથી પણ ઓળખાયા.

રણબંકા રાઠોડ જ્યારે ધર્મ ની રક્ષા કાજે યુદ્ધે જતા ત્યારે માતાજી સમડી ( ચીલ) પક્ષી રૂપે રાજા અને સૈન્ય ની સાથે રહીને રક્ષા કરતા તેથી માં નાગણેશ્વરી રાઠોડ રાજપુત વંશના કુળદેવી તરીકે પૂંજાય છે. તેમનું મુખ્ય મંદિર રાજસ્થાન માં બાડમેર જિલ્લા પચપાદરાતાલુકા ના નાગાણા ગામે શ્રી નાગણેચિયા માતાજી નું મંદિર આવેલું છે. ત્યાં રાત્રિ રોકાણ માટે વિશાળ જગામાં ધર્મશાળા તથા ભોજનશાળા ની વ્યવસ્થા પણ ખૂબ સારી છે. જોધપુરના મહેરાનગઢ કિલ્લામાં અને બિકાનેર માં પણ માં નાગણેશ્વરી ની મૂર્તિ સ્થાપિત કરેલ છે અને કુળદેવી તરીકે પૂંજાય છે.

લોકકથા અનુસાર રાવ ઘૂહડજી ને તેમના મામાએ કુળદેવી વિશે મહેણું મારતા રાવ ઘૂહડજી તેમના મામાએ જણાવેલ જગાએથી માતાજીની મૂર્તિ લઈને જોધપુર જતા હતા ત્યારે રસ્તામાં લીમડાના ઝાડ નીચે આરામ કરવા રોકાયા, ત્યાં આરામ કરતા કરતા તેમને વિચાર આવવા લાગ્યા કે હું આ કુળદેવીની મૂર્તિ લઈને જાવ તો છું પણ મારા કુટુંબીઓ આનો સ્વીકાર કરશે કે કેમ ? માને કુળદેવી તરીકે માનશે કે કેમ? એવા વિચારો આવતાજ અચાનક એક પ્રચંડ અવાજ સાથે બાજુમાં રહેલો પર્વત ફાટ્યો અને એમાંથી પથ્થર સ્વરૂપે મૂર્તિ પ્રગટ થઈ અને અવાજ આવ્યો કે હું જ નાગણેશ્વરી, અહીંયા મારું એક મંદિર બંધાવજે અને ગામ વસાવજે એ ગામનું નામ નાગાણા એવું રાખજે અને આ જમીન જોધપુર રાજા મંદિર માટે આપે તથા મારી પૂજા રાઠોડ વંશ જ કરે. તેવી બધી વાત કરીને આશીર્વાદ આપ્યા. ત્યારબાદ રાવ ઘૂહડજી તેમની સાથે લઈ જઈ રહેલ મૂર્તિ લઈને જોધપુર ગયા અને રાજાને બધી વાત કરી રાજાએ તુરંત જ ગામ વસાવવાનું અને જ્યાં પર્વત ફાડીને પથ્થર સ્વરૂપે મૂર્તિ પ્રગટ થઈ હતી ત્યાં મંદિર બંધાવવાનું કામ ચાલુ કરાવ્યું. અને ગામનું નામ નાગાણા રાખ્યું. રાવ ઘૂહડજી ને એ ગામની જાગીર આપી અને ઘૂહડજી જે મૂર્તિ લઈને જઈ રહ્યા હતા તે મૂર્તિ ને જોધપુરના મહેરાનગઢ કિલ્લામાં સ્થાપિત કરી અને આજે પણ કુળદેવી તરીકે પૂજાય છે.

હાલમાં પણ નાગાણા ગામે આવેલ માં નાગણેશ્વરી ના મુખ્ય પાટસ્થાન મંદિરમાં આજે મંદિરનું નવનિર્માણ થઈ રહ્યું છે ત્યારે પણ મૂર્તિ જ્યારે જે સ્થિતિમાં નીકળી હતી તે જ સ્થિતિમાં અને તે જ સ્થાને બિરાજમાન છે. અને માતાજી ની પૂજા ઘૂહડજી રાઠોડના વંશજ કરે છે.જોધપુર ના રાજવંશ નો વંશવેલો ગુજરાતમાં પણ પથરાયેલો છે. રાઠોડ તથા તેમની પેટા જ્ઞાતિ જોધ્ધા, કુંપાવત, જેતાવત, ચંપાવત રાજપૂતો ના ગામો ખુમાપુર, ભવાનગઢ, વાગડી, મઉ વાસણ વગેરે ગામોમાં પણ માં નાગણેશ્વરી ના મંદિરો આવેલ છે.

( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે. વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.)