
ઘરની સુંદરતા વધારવા અને હવા શુદ્ધ રાખવા માટે મની પ્લાન્ટ સૌથી લોકપ્રિય છોડોમાંનો એક છે. ઘણા લોકો માને છે કે ઘરમાં મની પ્લાન્ટ રાખવાથી સુખ, સમૃદ્ધિ અને સકારાત્મક ઊર્જા આવે છે. પરંતુ ઘણી વખત સારી સંભાળ છતાં તેની વૃદ્ધિ અટકી જાય છે, પાંદડા પીળા પડી જાય છે અથવા વેલ લાંબી અને ઘેરી બનતી નથી.

જો તમારા મની પ્લાન્ટમાં પણ આવી સમસ્યા હોય, તો મોંઘા કેમિકલ ખાતરની જરૂર નથી. બાગાયત નિષ્ણાતોના જણાવ્યા મુજબ રસોડામાં રહેલી તાજી ચા પત્તીથી કુદરતી લિક્વિડ ખાતર બનાવી છોડની વૃદ્ધિ ઝડપથી વધારી શકાય છે.

આ માટે એક લિટર સ્વચ્છ પાણીમાં એક મોટી ચમચી તાજી ચા પત્તી ઉમેરો. આ મિશ્રણને સારી રીતે ઉકાળો અને પછી ધીમી આંચ પર 2થી 3 મિનિટ સુધી વધુ ઉકળવા દો. આ પ્રક્રિયા દરમિયાન ચા પત્તીમાં રહેલા નાઇટ્રોજન અને ટેનિક એસિડ પાણીમાં ભળી જાય છે, જે છોડ માટે કુદરતી પોષક તત્વોનું કામ કરે છે.

પાણી સંપૂર્ણ ઠંડું થયા બાદ તેને ગાળી લો. ત્યારબાદ તેમાં વધુ એક લિટર સાદું પાણી ઉમેરી તેને પાતળું બનાવો. આ દ્રાવણને સીધું જ છોડમાં નાંખવું નહીં, કારણ કે વધુ સાંદ્રતા માટીને વધુ એસિડિક બનાવી શકે છે.

આ લિક્વિડ ખાતર મહીનામાં માત્ર એક જ વખત આપવું. ખાતર આપતા પહેલા કૂંડાની માટીને હળવેથી ઢીલી કરી દેવાથી દ્રાવણ મૂળ સુધી સરળતાથી પહોંચે છે અને છોડને વધુ ફાયદો થાય છે.

ખાતર સાથે યોગ્ય વાતાવરણ પણ એટલું જ મહત્વનું છે. મની પ્લાન્ટને એવી જગ્યાએ રાખો જ્યાં પૂરતો તેજ પ્રકાશ મળે, પરંતુ સીધા તડકાથી બચાવો. વધુ ગરમ સૂર્યપ્રકાશથી પાંદડા પીળા અથવા ભૂરા પડી શકે છે. યોગ્ય સંભાળ અને આ સરળ ઉપાયથી મની પ્લાન્ટના પાંદડા વધુ લીલાછમ બનશે અને તેની વેલ ઝડપથી લાંબી તથા ઘેરી બનશે.
Published On - 9:29 pm, Sun, 28 June 26