
જો તમે એક વર્ષમાં ₹1 લાખથી વધુ રોકડનું પેમેન્ટ કર્યું હોય અથવા કુલ ક્રેડિટ કાર્ડ પેમેન્ટ ₹10 લાખથી વધુ હોય, તો આની જાણ પણ આવકવેરા વિભાગમાં કરવામાં આવે છે. વિભાગ તપાસ કરે છે કે, તમારી લાઇફસ્ટાઇલ તમારા ટેક્સ રિટર્નમાં દર્શાવેલ આવક સાથે મેળ ખાય છે કે નહીં?

જો ખાતામાંથી વારંવાર મોટી રકમ ઉપાડવામાં આવે અથવા રોકડ ફ્લો (Cash Flow) માં અચાનક વધારો થાય તો બેંક પણ 'Alert' થઈ શકે છે.

જો તમે ₹30 લાખ કે તેથી વધુ કિંમતની મિલકત ખરીદો છો અથવા વેચો છો (બજાર દરે હોય કે સ્ટેમ્પ મૂલ્ય પર), તો રજિસ્ટ્રાર તેની જાણ કરે છે. આ પછી ટેક્સ વિભાગ જુએ છે કે, તમને આ પૈસા ક્યાંથી મળ્યા?

જો અગાઉ બંધ કરાયેલું બેંક ખાતું અચાનક એક્ટિવ થઈ જાય અને તેમાં મોટા ટ્રાન્ઝેક્શન થવા લાગે, તો બેંક તેને ‘ફ્લેગ’ કરી શકે છે. આવા સંજોગોમાં, ખાતાધારકે બિઝનેસ, વારસાગત સંપત્તિ અથવા બીજા માન્ય કારણો સંબંધિત તમામ જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવા જોઈએ, જેથી કોઈ તપાસ કે સ્પષ્ટીકરણની જરૂર પડે ત્યારે પુરાવા તરીકે રજૂ કરી શકાય.

જો તમે એક વર્ષમાં 10 લાખ રૂપિયા કે તેથી વધુના વિદેશી ટ્રાન્ઝેક્શન કરો છો, જેમ કે આંતરરાષ્ટ્રીય કાર્ડ પેમેન્ટ અથવા ફોરેક્સ, તો આવકવેરા વિભાગ તમને નોટિસ મોકલી શકે છે.

જો બેંક દ્વારા જણાવવામાં આવેલ વ્યાજ તમારા આવકવેરા રિટર્ન સાથે મેળ ખાતું નથી, તો તમને નોટિસ મળી શકે છે. બધું સચોટ છે તેની ખાતરી કરવા માટે ફોર્મ 26AS અને AIS થી તમારા વ્યાજની તપાસ કરો.

જો વ્યાજ ₹10,000 કરતા ઓછું હોય, તો પણ તે AIS માં દેખાઈ શકે છે. જો તમે આ રકમ તમારા ઇન્કમ ટેક્સ રિટર્નમાં નથી બતાવતા, તો 'મિસમેચ ડેટા'ને લીધે ઓટોમેટિક નોટિસ મળી શકે છે.

ઘણા બધા સેવિંગ એકાઉન્ટ હોવા એ કોઈ સમસ્યા નથી પરંતુ તે બધા પર મળેલ વ્યાજનો સરવાળો કરવો અને તેને તમારા ITR માં દર્શાવવું મહત્વપૂર્ણ છે. આવકવેરાની સિસ્ટમ અત્યંત સંવેદનશીલ છે અને તે નાની ભૂલ પણ ઝડપથી પકડી શકે છે.

તહેવારોની સીઝન દરમિયાન, જો તમે કોઈ બીજા માટે તમારા કાર્ડથી પેમેન્ટ કરો છો અને તેણે તમને રોકડમાં પૈસા પાછા આપેલ છે, તો તે ટ્રાન્ઝેક્શન પણ ટ્રેક થઈ શકે છે. આવા પૈસા તમારા ખાતામાં આવતા જ રિપોર્ટિંગ લિમિટ પાર થઈ શકે છે અને તમને ટેક્સ નોટિસ મળી શકે છે.
Published On - 2:45 pm, Sun, 26 October 25