
દૂધ પીવાથી શરીરને અસંખ્ય સ્વાસ્થ્ય લાભ મળે છે, કારણ કે તેમાં કેલ્શિયમ, વિટામિન ડી અને પ્રોટીન જેવા જરૂરી પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. આ પોષક તત્વો હાડકાં અને દાંતને મજબૂત રાખવા ઉપરાંત સ્નાયુઓને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે. દૂધ બ્લડ પ્રેશર નિયંત્રિત રાખવામાં અને જૂની બીમારીઓ સામે રક્ષણ આપવામાં પણ મદદરૂપ સાબિત થાય છે. જોકે, વધતી ઉંમરે દૂધ પીવું કેટલું યોગ્ય છે તે અંગે FMRI ના ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટે મહત્વની માહિતી આપી છે.

કઈ ઉંમર પછી દૂધ પીવું ટાળવું જોઈએ? ડૉક્ટરના જણાવ્યા મુજબ, વૈજ્ઞાનિક સંશોધનો દર્શાવે છે કે જેમ-જેમ ભારતીયોની ઉંમર વધે છે, તેમ-તેમ તેમનું શરીર લેક્ટોઝ (દૂધમાં રહેલી કુદરતી શર્કરા) સહન કરવાની ક્ષમતા ગુમાવવા લાગે છે. પરિણામે પાચનશક્તિ નબળી પડતાં દૂધ પચાવવું મુશ્કેલ બની જાય છે. તેથી મોટી ઉંમરે દૂધના બદલે નિયમિત દહીંનું સેવન કરવું વધુ ફાયદાકારક માનવામાં આવે છે, કારણ કે દહીં સરળતાથી પચી જાય છે અને તેમાંથી પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ અને પ્રોટીન મળી રહે છે.

શું દૂધની જગ્યાએ આલમંડ કે સોયા મિલ્ક પીવું યોગ્ય છે? આજના સમયમાં લોકો ગાય-ભેંસના દૂધના બદલે આલમંડ (બદામ) મિલ્ક કે સોયા મિલ્ક જેવા પ્લાન્ટ-બેઝ્ડ વિકલ્પો તરફ ઝડપથી વળી રહ્યા છે. આ પાછળનું એક મોટું કારણ ડેરી પ્રોડક્ટ્સની ગુણવત્તા અને શુદ્ધતાને લઈને લોકોના મનમાં ઊભા થતા સંશય છે. લોકોને લાગે છે કે સામાન્ય દૂધમાં ભેળસેળનું પ્રમાણ વધુ હોય છે, જેથી તેઓ બદામ કે સોયા મિલ્ક પસંદ કરી રહ્યા છે.

વધતી ઉંમર સાથે પાચનશક્તિમાં ઘટાડો: નિષ્ણાતોના મતે, મોટી ઉંમરે જે લોકોને દૂધ પીધા પછી પેટ ભારે લાગવું, ગેસ થવો કે અપચો થવાની તકલીફ રહેતી હોય, તેમના માટે આલમંડ મિલ્ક અને સોયા મિલ્ક ઉત્તમ અને હળવો વિકલ્પ સાબિત થાય છે.

તબીબી દ્રષ્ટિએ જો તમને લેક્ટોઝ એલર્જીની ગંભીર બીમારી ન હોય પરંતુ માત્ર સામાન્ય પેટ ફૂલવું (બ્લોટિંગ) કે અસ્વસ્થતા થતી હોય, તો મોંઘા લેક્ટોઝ-ફ્રી દૂધ પાછળ જવા કરતાં દૈનિક આહારમાં તાજા દહીંનો સમાવેશ કરવો એ સૌથી શ્રેષ્ઠ અને કુદરતી ઉપાય છે.