
કિલ્લાની અંદર અનેક ભવ્ય મહેલો આવેલાં છે, જે તેમની નાજુક કોતરણી અને વિશાળ આંગણાઓ માટે પ્રસિદ્ધ છે. અહીં ચામુંડા માતાજીનું પ્રાચીન મંદિર પણ સ્થિત છે, સાથે જ એક સંગ્રહાલય છે જેમાં રાજવંશના અનેક દુર્લભ અવશેષો સંગ્રહિત છે. કિલ્લાથી શહેર તરફ એક વળાંકવાળો રસ્તો ઉતરતો જાય છે. જયપુરની સેનાએ કરેલા હુમલા દરમિયાન છોડાયેલા તોપના ગોળાની નિશાનીઓ આજે પણ બીજા દરવાજા પર જોવા મળે છે. કિલ્લાના ઉત્તર-પૂર્વ ભાગમાં કિરત સિંહ સોઢાની છત્રી છે, જે તે યુદ્ધ દરમિયાન મેહરાનગઢની રક્ષા કરતાં શહીદ થયા હતા. (Credits: - Wikipedia)

1458માં રણમલનાં 24 પુત્રોમાંથી એક રાવ જોધા (1438–1488) જોધપુરના 15મા રાઠોર શાસક તરીકે ગાદીએ બેઠા. સત્તા સંભાળ્યા થોડા જ સમયમાં તેમને સમજાયું કે તે સમયની રાજધાની મંડોરનો કિલ્લો સુરક્ષાની દૃષ્ટિએ પૂરતો મજબૂત નહોતો. તેથી તેમણે રાજધાનીને વધુ સુરક્ષિત સ્થળે ખસેડવાનો નિર્ણય કર્યો. મંડોરથી લગભગ 9 કિલોમીટર દક્ષિણ તરફ આવેલી એક ઊંચી ખડકાળ ટેકરી પસંદ કરાઈ અને 12 મે 1459ના રોજ ત્યાં નવા કિલ્લાની પાયાની શિલા મૂકી. આ ટેકરી ‘ભાઉરચીડીયા’ અથવા ‘ચીડિયાઓની ટેકરી’ તરીકે જાણીતી હતી. લોકકથાઓ અનુસાર, આ સ્થળે માત્ર એક જ વ્યક્તિ વસતો હતો, એક સાધુ, જેઓ ‘ચીડીયા નાથજી’ તરીકે પ્રસિદ્ધ હતા. તેમને સ્થળ છોડાવવાના કારણે સાધુએ રાવ જોધાને શાપ આપ્યો “જોધા! તારો ગઢ હંમેશા પાણી માટે તરસશે!” રાજાએ પછી સાધુની પ્રસન્નતા માટે તેમની ગુફા પાસે મંદિર અને નાનું ઘર બાંધાવ્યું. તેમ છતાં, કહેવામાં આવે છે કે આ વિસ્તારને આજે પણ દર ત્રણ ચાર વર્ષે આ ક્ષેત્રને દુષ્કાળનો સામનો કરવો પડે છે. (Credits: - Wikipedia)

કિલ્લાની અંદર અનેક સુઘડ અને સુંદર રીતે સજાવેલા મહેલ સ્થિત છે. તેમાં મોતી મહેલ, ફૂલ મહેલ, શીશ મહેલ, સીલેહ ખાના અને દૌલત ખાના ખાસ જાણીતા છે. કિલ્લાનું સંગ્રહાલય પણ આ મહેલોના વિવિધ વિભાગોમાં ફેલાયેલું છે, જ્યાં પાલખીઓ, અંબાડીઓ, લઘુચિત્રો, સંગીત વાદ્યો, રાજવસ્ત્રો અને અનેક વિશેષ પ્રદર્શન સામગ્રી રાખવામાં આવી છે. કિલ્લાના પરિસરમાં સ્થિત કિલકિલા જેવા તોપખાના સારી રીતે સંરક્ષિત છે, અને અહીંથી જોધપુર શહેરનું અદભૂત દૃશ્ય નિહાળી શકાય છે. (Credits: - Wikipedia)

આ કિલ્લામાં દર વર્ષે઼ અનેક ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે, જેમાં વર્લ્ડ સેક્રેડ સ્પિરિટ ફેસ્ટિવલ અને રાજસ્થાન ઇન્ટરનેશનલ ફોક ફેસ્ટિવલ જેવા પ્રખ્યાત ઉત્સવોનો સમાવેશ થાય છે. ( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે. વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.) (Credits: - Wikipedia)