
જો પરંપરાગત રોકાણ (Traditional Investment) ની વાત કરીએ તો, ભારતમાં બેંક કે પોસ્ટ ઓફિસની ફિક્સ્ડ ડિપોઝિટ (Fixed Deposit - FD) યોજનાઓ ખૂબ જ લોકપ્રિય વિકલ્પ છે. કન્ઝર્વેટિવ રોકાણકારો (જેઓ બજારનું જોખમ લેવા નથી માંગતા) તેઓ FDને પ્રથમ વિકલ્પ તરીકે પસંદ કરે છે. FDમાં નક્કી કરેલા વ્યાજ દર પ્રમાણે રિટર્ન મળે છે, જેમાં મેચ્યોરિટી સુધી કોઈ ફેરફાર થતો નથી. જો કે, અત્યારે મોટાભાગની બેંકોમાં એફડી રેટ (FD Rates) ઘટીને 6 થી 6.25 ટકાની આસપાસ આવી ગયેલ છે. એવામાં શું ફિક્સ્ડ ડિપોઝિટની જેમ કોઈ બીજો વિકલ્પ છે કે, જ્યાં થોડું સારું વ્યાજ મેળવી શકાય?

જો તમે FDના વિકલ્પની શોધમાં હોવ તો બેંકિંગ એન્ડ પીએસયુ મ્યુચ્યુઅલ ફંડ (Banking & PSU Mutual Fund) એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. છેલ્લા 10 વર્ષનું રિટર્ન જોઈએ તો, આ વિકલ્પ FDની સરખામણીમાં આકર્ષક રહ્યો છે. મોટાભાગની બેંકોની FDમાં જ્યાં રોકાણકારોના પૈસા ડબલ થવામાં 12 વર્ષ કે તેથી વધુ સમય લાગે છે, ત્યાં બેંકિંગ એન્ડ પીએસયુ મ્યુચ્યુઅલ ફંડ કેટેગરીમાં ટોપ રિટર્ન આપનારા ફંડ્સે માત્ર 9 થી 10 વર્ષમાં રોકાણકારોના પૈસા ડબલ કર્યા છે.

છેલ્લા 10 વર્ષમાં સૌથી સારું પ્રદર્શન કરનારા બેંકિંગ એન્ડ પીએસયુ ડેટ ફંડ્સની વાત કરીએ તો, સૌથી પહેલા નંબરે કોટક બેંકિંગ એન્ડ પીએસયુ ડેટ ફંડ છે, જેણે 7.56% નું રિટર્ન આપ્યું છે. બીજા નંબરે એડલવાઈઝ બેંકિંગ એન્ડ પીએસયુ ડેટ ફંડ છે, જેનું રિટર્ન 7.52% રહ્યું છે. ત્રીજા સ્થાન પર આઈસીઆઈસીઆઈ પ્રૂ બેંકિંગ એન્ડ પીએસયુ ડેટ ફંડ છે, જેણે 7.50% નું રિટર્ન આપ્યું છે. ત્યારબાદ ચોથા નંબરે એબીએસએલ બેંકિંગ એન્ડ પીએસયુ ડેટ ફંડ આવે છે, જેનું રિટર્ન 7.44% છે. પાંચમા નંબરે ફ્રેન્કલિન ઈન્ડિયા બેંકિંગ એન્ડ પીએસયુ ડેટ ફંડ છે, જેણે 7.40% નું રિટર્ન આપ્યું છે.

આ સિવાય છેલ્લા 5 વર્ષમાં સૌથી સારું પ્રદર્શન કરનારા બેંકિંગ એન્ડ પીએસયુ ડેટ ફંડ્સની વાત કરીએ તો, તેમાં સૌથી પહેલા નંબરે યુટીઆઈ બેંકિંગ એન્ડ પીએસયુ ફંડ છે, જેણે 7.44% નું રિટર્ન આપ્યું છે. બીજા નંબરે આઈસીઆઈસીઆઈ પ્રૂ બેંકિંગ એન્ડ પીએસયુ ડેટ ફંડ છે, જેનું રિટર્ન 6.58% રહ્યું છે. ત્રીજા સ્થાન પર કોટક બેંકિંગ એન્ડ પીએસયુ ડેટ ફંડ છે, જેણે 6.42% નું રિટર્ન આપ્યું છે. ત્યારબાદ ચોથા નંબરે આઈટીઆઈ બેંકિંગ એન્ડ પીએસયુ ડેટ ફંડ આવે છે, જેનું રિટર્ન 6.31% છે. પાંચમા નંબરે ફ્રેન્કલિન ઈન્ડિયા બેંકિંગ એન્ડ પીએસયુ ડેટ ફંડ છે, જેણે 6.27% નું રિટર્ન આપ્યું છે.

બેંકિંગ એન્ડ પીએસયુ ડેટ ફંડ એક ફિક્સ્ડ ઇન્કમ ફંડ હોય છે, જે ડેટ અને મની માર્કેટમાં રોકાણ કરે છે. આ ફંડ્સ બેંક, પબ્લિક સેક્ટર અંડરટેકિંગ (PSU) અને પબ્લિક ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યુશન (PFI) દ્વારા બહાર પાડવામાં આવે છે. સેબી (SEBI) ના નિયમો અનુસાર, બેંકિંગ અને પીએસયુ ફંડ્સે તેમની કુલ સંપત્તિ (Assets) ના ઓછામાં ઓછા 80 ટકા હિસ્સો આ પ્રકારની સંસ્થાઓમાં જ રોકાણ કરવો પડે છે.

બદલાતા વ્યાજ દરના ચક્ર વચ્ચે રોકાણકારો સતત સ્થિરતાવાળા વિકલ્પો શોધી રહ્યા છે. આવા માહોલમાં મ્યુચ્યુઅલ ફંડની આ કેટેગરી એવા રોકાણકારો માટે એક સમજદારીભર્યો વિકલ્પ છે કે, જેઓ મધ્યમગાળામાં (Mid Term) નિયમિત આવક, મૂડીની સુરક્ષા અને સતત સારું પ્રદર્શન ઈચ્છે છે. બેંકિંગ એન્ડ પીએસયુ ફંડ એક પ્રકારના ડેટ ફંડ છે, તેથી આ કેટેગરીના ટેક્સ નિયમો અનુસાર જ તેના પર ટેક્સ લાગે છે.

બેંકિંગ એન્ડ પીએસયુ ફંડ પ્રમાણમાં સુરક્ષિત છે પરંતુ તે સંપૂર્ણપણે જોખમ મુક્ત (Risk Free) નથી. વ્યાજ દરોમાં થતા ઉતાર-ચઢાવની અસર (ભલે તે ઓછી હોય) આ ફંડ્સના પ્રદર્શન પર પડે છે. જો વ્યાજ દર વધે છે, તો બેંકિંગ એન્ડ પીએસયુ ફંડની વેલ્યુ ઘટે છે, જ્યારે દરો ઘટવા પર તેની વેલ્યુ વધે છે.