
ઘર ખરીદવા માટે જ્યારે બે લોકો મળીને જોઈન્ટ હોમ લોન (Joint Home Loan) લે છે, તો તેનાથી ન માત્ર લોન મંજૂર થવાની શક્યતા વધી જાય છે પરંતુ વધુ લોનની રકમ પણ મળી જાય છે. જો કે, જીવન અનિશ્ચિતતાઓથી ભરેલું છે. એવામાં જો લોનની મુદત દરમિયાન કોઈપણ એક સહ-અરજદાર (Co-applicant) કે ભાગીદારનું દુર્ભાગ્યવશ મૃત્યુ થઈ જાય, તો બાકી રહેલી લોનની EMI કોણ ભરશે અને મકાનના માલિકી હકનું શું થશે?

આવા કિસ્સાઓમાં ભારતીય બેંકિંગ નિયમો અને ઈન્સ્યોરન્સ પોલિસીની કેટલીક અત્યંત સ્પષ્ટ માર્ગદર્શિકાઓ છે, જે દરેક લોન લેનારે જાણવી જરૂરી છે. જોઈન્ટ હોમ લોનમાં પ્રાથમિક અરજદાર (Primary Applicant) અને સહ-અરજદાર (Co-applicant) બંને કાયદાકીય રીતે લોન ચૂકવવા માટે 'સમાન રીતે જવાબદાર' (Jointly and Severely Liable) હોય છે.

જો સહ-અરજદારનું મૃત્યુ થાય છે, તો બાકી લોન ચૂકવવાની પૂરી કાયદાકીય જવાબદારી જીવિત બચેલા બીજા પાર્ટનર પર આવી જાય છે. બેંક બાકી લોનની રકમ માફ કરતી નથી પરંતુ જીવિત પાર્ટનરે જ આગળના તમામ હપ્તાઓ (EMIs) સમયસર ભરવાના રહે છે. જો જીવિત પાર્ટનર EMI ભરવામાં અસમર્થ રહે છે, તો બેંક કાયદેસરના વારસદારો (Legal Heirs) નો સંપર્ક કરી શકે છે અથવા અંતિમ વિકલ્પ તરીકે મિલકતની હરાજી કરીને પોતાની બાકી રકમ વસૂલ કરી શકે છે.

જો કે, આ પ્રકારના નાણાકીય સંકટથી બચવાનો સૌથી અસરકારક ઉપાય 'હોમ લોન પ્રોટેક્શન ઈન્સ્યોરન્સ' (Home Loan Insurance) છે. લોન લેતી વખતે જો અરજદારોએ ટર્મ પ્લાન અથવા લોન પ્રોટેક્શન કવર લીધું હોય, તો પાર્ટનરના મૃત્યુની સ્થિતિમાં વીમા કંપની બાકી લોનની પૂરી રકમનું ચુકવણું બેંકને કરી દે છે. આનાથી લોનનું ખાતું તરત જ બંધ (Settle) થઈ જાય છે અને જીવિત પાર્ટનર કે પરિવારના અન્ય સભ્યો પર EMIનો કોઈ બોજ પડતો નથી. આથી, નાણાકીય નિષ્ણાતો હંમેશા જોઈન્ટ હોમ લોનની સાથે યોગ્ય ઈન્સ્યોરન્સ કવર લેવાની સલાહ આપે છે.

મિલકતના માલિકી હક (Property Ownership) વિશે વાત કરીએ તો, સહ-અરજદારના મૃત્યુ પછી મકાનમાં તેમનો હિસ્સો તેમના કાયદેસરના વારસદારો (જેમ કે પતિ/પત્ની, બાળકો કે માતા-પિતા) ને ટ્રાન્સફર થાય છે, જે મિલકતના રજિસ્ટર્ડ ડીડ પર નિર્ભર કરે છે. જો જીવિત પાર્ટનર એકલા જ બાકીની પૂરી લોન ચૂકવે છે, તો લોન પૂરી થયા પછી બેંકમાંથી 'નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ' (NOC) મેળવીને પ્રોપર્ટીની રજિસ્ટ્રીમાં જરૂરી સુધારા-વધારા કરાવી શકાય છે.