
ભારતમાં રોકાણ માટે અનેક વિકલ્પો ઉપલબ્ધ છે, પરંતુ સુરક્ષા અને વિશ્વાસની વાત આવે ત્યારે Life Insurance Corporation of India (LIC) આજે પણ લાખો લોકોની પ્રથમ પસંદગી છે. જો તમે બચત સાથે વીમા સુરક્ષા બંને ઈચ્છતા હો, તો LIC ની ‘જીવન આનંદ’ (યોજના નં. 915) એક મજબૂત વિકલ્પ બની શકે છે. આ યોજના ટર્મ ઈન્શ્યોરન્સ અને લાંબા ગાળાની બચતનું સંયોજન છે, જે ભવિષ્ય માટે આર્થિક સ્થિરતા આપે છે.

ઘણા લોકો વીમા લેતા સમયે ઊંચા પ્રીમિયમને લઈને સંકોચ અનુભવે છે. પરંતુ ‘જીવન આનંદ’ યોજના સામાન્ય વ્યક્તિના બજેટમાં સરળતાથી ફિટ થઈ શકે છે. ઉદાહરણ તરીકે, 35 વર્ષનો વ્યક્તિ 5 લાખ રૂપિયાની સમ એશ્યોર્ડ સાથે 35 વર્ષની મુદત માટે પોલિસી લે છે તો તેને વાર્ષિક અંદાજે ₹16,300 જેટલું પ્રીમિયમ ચૂકવવું પડે છે. એટલે કે માસિક લગભગ ₹1,400 અને દૈનિક આશરે ₹45–46 જેટલી બચત.

35 વર્ષ દરમિયાન કુલ મળીને લગભગ ₹5.70 લાખનું પ્રીમિયમ ચૂકવવામાં આવે છે. હાલના બોનસ દરોને આધારે પોલિસી પરિપક્વ થતા સમયે આશરે ₹25 લાખ સુધીની કુલ રકમ મળી શકે છે. તેમાં 5 લાખની મૂળ વીમા રકમ, અંદાજે ₹8.60 લાખનો સરળ રિવર્સનરી બોનસ અને આશરે ₹11.50 લાખનો અંતિમ વધારાનો બોનસ સામેલ હોઈ શકે છે. (બોનસ દરો સમયાંતરે બદલાઈ શકે છે.)

આ યોજનાનું સૌથી વિશેષ પાસું એ છે કે પોલિસી પરિપક્વ થયા પછી પણ જીવનભર જોખમ કવર ચાલુ રહે છે. સામાન્ય રીતે મોટાભાગની પોલિસીઓ મુદત પૂર્ણ થયા બાદ બંધ થઈ જાય છે, પરંતુ ‘જીવન આનંદ’માં એવું નથી. જો પોલિસીધારકને પરિપક્વતા પર 25 લાખ રૂપિયા મળી ગયા હોવા છતાં ભવિષ્યમાં તેમના અવસાન થાય, તો નોમિનીને વધારાના 5 લાખ રૂપિયા મૃત્યુ લાભ તરીકે આપવામાં આવે છે. આથી પરિવારને લાંબા ગાળે નાણાકીય સુરક્ષા મળે છે.

આ યોજના ટેક્સ પ્લાનિંગ માટે પણ ઉપયોગી છે. પોલિસી માટે ચૂકવેલ પ્રીમિયમ આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ કપાત માટે પાત્ર બને છે. તેમજ પરિપક્વતા પર મળતી રકમ અને મૃત્યુ લાભ કલમ 10(10D) હેઠળ કરમુક્ત હોય છે, નિયમો મુજબ. જો અચાનક નાણાકીય જરૂરિયાત ઉભી થાય, તો પોલિસી ચાલુ થયાના બે વર્ષ બાદ તેની સામે લોન લઈ શકાય છે. પ્રીમિયમ ચૂકવવામાં વિલંબ થાય તો માસિક ચુકવણી માટે 15 દિવસ અને અન્ય પદ્ધતિઓ માટે 30 દિવસનો ગ્રેસ પીરિયડ આપવામાં આવે છે.

18 થી 50 વર્ષની વયના વ્યક્તિઓ 15 થી 35 વર્ષની મુદત પસંદ કરી શકે છે. સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે આકસ્મિક મૃત્યુ લાભ અને ગંભીર બીમારી જેવા વધારાના રાઇડર્સ પણ જોડાઈ શકે છે. આ રીતે ‘જીવન આનંદ’ યોજના બચત, વીમા સુરક્ષા અને કર લાભ ત્રણેય બાબતોને એક સાથે સંતુલિત કરે છે. કોઈપણ રોકાણ કરતા પહેલાં તમારા નાણાકીય લક્ષ્યો અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અધિકૃત એજન્ટ અથવા નાણાકીય સલાહકારની સલાહ લેવી યોગ્ય રહેશે.
Published On - 8:12 pm, Sun, 1 March 26