
દરેક કમાણી કરનાર વ્યક્તિ, પછી ભલે તે નોકરી કરતા હોય કે સ્વ-રોજગારીમાં હોય, તેને દર નાણાકીય વર્ષે આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવું જરૂરી છે. જોકે, આવકવેરા કાયદા, 1961 હેઠળ કેટલીક ચોક્કસ પ્રકારની આવક પર સંપૂર્ણ કરમુક્તિ આપવામાં આવી છે. યોગ્ય માહિતી અને આયોજન સાથે, તમે કાયદેસર રીતે તમારી કર જવાબદારી ઘટાડીને બચત વધારી શકો છો. ચાલો આવી 10 મહત્વની કરમુક્ત આવકના સ્ત્રોતોને વિગતે સમજીએ.

કૃષિ આવક : ખેતીમાંથી પ્રાપ્ત થતી આવક સંપૂર્ણપણે કરમુક્ત છે અને તેના પર કોઈ ઉપલી મર્યાદા લાગુ પડતી નથી. જોકે, જો કૃષિ આવક રૂ. 5,000થી વધુ હોય અને કુલ આવક મૂળભૂત મુક્તિ મર્યાદા કરતાં વધારે થાય, તો તેને કર દર નક્કી કરવા માટે ગણતરીમાં લેવામાં આવી શકે છે.

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) : PPFમાં વાર્ષિક ₹1.5 લાખ સુધીનું રોકાણ કલમ 80C હેઠળ કરમુક્ત છે. આ ખાતામાં મળતું વ્યાજ અને પરિપક્વતા સમયે મળતી સંપૂર્ણ રકમ પર કોઈ આવકવેરો લાગતો નથી.

કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) ઉપાડ : જો કોઈ કર્મચારી સતત 5 વર્ષ કે તેથી વધુ સમય સુધી રોજગારમાં રહ્યો હોય, તો EPFમાંથી કરાયેલ ઉપાડ સંપૂર્ણપણે કરમુક્ત રહે છે. તેમાં કર્મચારી અને નોકરીદાતાના યોગદાન તેમજ મળેલું વ્યાજ પણ સામેલ છે.

જીવન વીમા પોલિસીની પરિપક્વતા રકમ : જીવન વીમા પોલિસીમાંથી મળતી પરિપક્વતા રકમ અથવા મૃત્યુ લાભ સામાન્ય રીતે કરમુક્ત હોય છે, જો ચૂકવાયેલ પ્રીમિયમ વીમાકૃત રકમના નક્કી કરેલા પ્રમાણ (મોટાભાગે 10%) કરતાં વધુ ન હોય.

શિષ્યવૃત્તિ : શિક્ષણના હેતુ માટે મળતી કોઈપણ પ્રકારની શિષ્યવૃત્તિ પર સંપૂર્ણ કરમુક્તિ મળે છે. આ આવક પર આવકવેરો લાગતો નથી.

Gift : નજીકના સંબંધીઓ જેમ કે માતા-પિતા, જીવનસાથી, ભાઈ અથવા બહેન તરફથી મળેલી Gift પર કોઈ કર લાગતો નથી. બિન-સંબંધીઓ પાસેથી મળેલી ભેટો માટે ₹50,000 સુધીની રકમ કરમુક્ત છે. આ મર્યાદા કરતાં વધુ રકમ પર આવકવેરો લાગુ પડી શકે છે.

વારસામાં મળેલી મિલકત : વિલ અથવા વારસા દ્વારા પ્રાપ્ત થયેલી મિલકત પર કોઈ આવકવેરો લાગતો નથી. જોકે, આ મિલકતમાંથી ભવિષ્યમાં થતી આવક, જેમ કે ભાડું, વ્યાજ અથવા ડિવિડન્ડ, કરપાત્ર બની શકે છે.

સુકન્યા સમૃદ્ધિ યોજના : સુકન્યા સમૃદ્ધિ યોજના એક EEE (Exempt-Exempt-Exempt) યોજના છે. તેમાં કરેલું રોકાણ, મળતું વ્યાજ અને પરિપક્વતા સમયે મળતી રકમ ત્રણેય સંપૂર્ણપણે કરમુક્ત છે.

કરમુક્ત બોન્ડ્સ : સરકારી અથવા સરકારી સંસ્થાઓ દ્વારા જારી કરાયેલા કરમુક્ત બોન્ડ્સ પર મળતું વ્યાજ આવકવેરા હેઠળ કરમુક્ત હોય છે. આ બોન્ડ્સ લાંબા ગાળાના રોકાણકારો માટે લાભદાયી વિકલ્પ છે.

ગ્રેચ્યુટી : સરકારી કર્મચારીઓને મળતી ગ્રેચ્યુટી સંપૂર્ણપણે કરમુક્ત છે. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે નિર્ધારિત નિયમો મુજબ ₹20 લાખ સુધીની ગ્રેચ્યુટી પર કરમુક્તિ આપવામાં આવે છે.