
સ્કીન કેર પ્રોડક્ટ્સમાં આલ્કોહોલનો ઉપયોગ ઘણાં મહત્વપૂર્ણ કારણોસર કરવામાં આવે છે. તેનો પ્રભાવ કયા પ્રકારનો આલ્કોહોલ વપરાયો છે, તેની માત્રા કેટલી છે અને ત્વચાનો પ્રકાર કેવો છે તેના પર નિર્ભર કરે છે. સામાન્ય રીતે લોકો માને છે કે આલ્કોહોલ ત્વચાને નુકસાન પહોંચાડે છે, પરંતુ ડર્મેટોલોજી મુજબ દરેક પ્રકારનો આલ્કોહોલ હાનિકારક હોતો નથી.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, અમુક આલ્કોહોલ ક્રીમમાં રહેલા સક્રિય ઘટકોને સરળતાથી ઓગાળવામાં અને ક્રીમને ત્વચા પર સમાન રીતે ફેલાવવામાં મદદ કરે છે. ઇથેનોલ જેવા આલ્કોહોલ ઝડપથી બાષ્પીભવન પામતા હોવાથી ક્રીમ લગાવ્યા બાદ ત્વચા પર ચીકાશ રહેતી નથી અને તે હળવી લાગે છે.

આ ઉપરાંત તે માઇક્રોબાયલ ગ્રોથ અટકાવીને પ્રોડક્ટને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવાનું એટલે કે પ્રિઝર્વેટિવનું કામ પણ કરે છે.

દરેક આલ્કોહોલ ત્વચાને ડ્રાય કરતા નથી : સ્કીન કેરમાં મુખ્યત્વે બે પ્રકારના આલ્કોહોલ વપરાય છે: સિમ્પલ આલ્કોહોલ અને ફેટી આલ્કોહોલ.

સેટિલ આલ્કોહોલ, સ્ટીયરીલ આલ્કોહોલ અને સેટેરીલ આલ્કોહોલ જેવા ફેટી આલ્કોહોલ ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવા અને ક્રીમના ટેક્સચરને ઘટ્ટ બનાવવા માટે વપરાય છે. તે તેલ અને પાણીના મિશ્રણને સ્થિર રાખે છે અને ત્વચાને એકદમ નરમ બનાવે છે.

આ ઘટકો સામાન્ય ઇથેનોલ કે ડીનેચર્ડ આલ્કોહોલ કરતાં સંપૂર્ણપણે અલગ હોય છે અને ત્વચાને સૂકી થવા દેતા નથી.

શું આલ્કોહોલથી ત્વચામાં બળતરા થઈ શકે? જો પ્રોડક્ટમાં સિમ્પલ આલ્કોહોલનું પ્રમાણ વધારે હોય, તો તે ત્વચાના કુદરતી લિપિડ્સ ઘટાડી શકે છે, જેનાથી સેન્સિટિવ સ્કીન કે એક્ઝિમા ધરાવતા લોકોને ખંજવાળ, ડ્રાયનેસ કે બળતરાની સમસ્યા થઈ શકે છે.

તેથી સ્કીન કેર પ્રોડક્ટ ખરીદતી વખતે તેના ઇન્ગ્રીડિયન્ટ્સ લિસ્ટમાં આલ્કોહોલનો પ્રકાર તપાસવો જરૂરી છે. જો તમારી ત્વચા અત્યંત ડ્રાય કે સંવેદનશીલ હોય, તો સેરામાઇડ્સ, ગ્લિસરીન અથવા હાયલ્યુરોનિક એસિડ જેવા ત્વચાના રક્ષણાત્મક સ્તરને મજબૂત બનાવતા તત્વો ધરાવતું મોઇશ્ચરાઇઝર પસંદ કરવું હિતાવહ છે.