
જ્યારે દુનિયા યુદ્ધના કારણે તેલ અને ગેસની કમીનો સામનો કરી રહી છે, ત્યારે ભારત એક એવો રસ્તો શોધી રહ્યું છે જેમાં કોઈ દેશના અડચણ વગર સીધો ગેસ ભારત પહોંચે. હાલમાં ભારત પાસે ક્રૂડ ઓઈલની જેમ ગેસનો મોટો સંગ્રહ (Strategic Reserve) નથી, જે એક મોટી ચિંતાનો વિષય છે.

સમુદ્રની ઊંડાઈમાં ભારતનું સાહસ: સરકાર ઓમાનથી ભારત સુધી સમુદ્રની અંદર 2,000 કિલોમીટર લાંબી ગેસ પાઈપલાઈન બનાવવાની તૈયારી કરી રહી છે. આ પાઈપલાઈન સમુદ્રમાં 3,450 મીટરની ઊંડાઈએ હશે, જે દુનિયાની સૌથી ઊંડી પાઈપલાઈનમાંથી એક ગણાશે. ₹40,000 કરોડના ખર્ચે બનનારો આ પ્રોજેક્ટ આગામી 5 થી 7 વર્ષમાં પૂર્ણ થઈ શકે છે.

ગુજરાત બનશે એનર્જીનું પ્રવેશદ્વાર: આ પાઈપલાઈન ઓમાનથી નીકળીને સીધી ગુજરાતના કિનારે પહોંચશે. તેનાથી ભારતને દરરોજ અંદાજે 31 મિલિયન ક્યુબિક મીટર કુદરતી ગેસ મળશે. આ ગેસ માત્ર ઉદ્યોગો માટે જ નહીં, પણ ખેડૂતો માટે ફર્ટિલાઈઝર અને ઘરોમાં વપરાતા રાંધણ ગેસની જરૂરિયાતોને પણ પૂરી કરશે.

ભારતની વધતી માંગ અને ચીનનો પડકાર: ભારતમાં કુદરતી ગેસની માંગ 2030 સુધીમાં દરરોજ 300 મિલિયન ક્યુબિક મીટર સુધી પહોંચવાની આશા છે. અત્યારે ભારત પાસે માત્ર 10 થી 12 દિવસ ચાલે તેટલો જ ગેસ સ્ટોરેજ છે, જે ચીનની સરખામણીએ ઘણો ઓછો છે. આ પ્રોજેક્ટ દ્વારા ભારત ઓમાન ઉપરાંત સાઉદી અરેબિયા, યુએઈ અને કતાર જેવા દેશોના ગેસ ભંડાર સાથે સીધું જોડાઈ જશે.

જો આ પ્રોજેક્ટ સફળ રહેશે, તો ભારતની ઉર્જા નિર્ભરતા અન્ય રસ્તાઓ (જેમ કે Strait of Hormuzની) પરથી ઓછી થઈ જશે, જ્યાં યુદ્ધના કારણે વારંવાર અવરોધો આવતા હોય છે. આ પાઈપલાઈન ભારતની આર્થિક પ્રગતિ માટે 'લાઈફલાઈન' સાબિત થઈ શકે છે.